ભુજ, તા. 11 : તાલુકાના કેરા ગામમાં અનૈતિક
સંબંધનો વહેમ રાખીને પુત્રવધૂ અનિતાબેન પર જીવલેણ હુમલો કરવાના વર્ષ 2023ના કેસમાં આરોપી સાસુ મંજુલાબેન
રમેશભાઈ સથવારાને ડિસ્ટ્રીક્ટ કોર્ટે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સાદી કેદની સજા અને
રૂા. 1000નો દંડ ફટકાર્યો હતો. અનિતાબેનના
અનૈતિક સંબંધ હોવાના વહેમના આધારે સાસુ-વહુ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આ વાતનું
મનદુ:ખ રાખી વર્ષ 2023માં બનેલા
હુમલાના આ બનાવમાં આરોપી મંજુલાબેને તેમની પુત્રવધૂને જાનથી મારી નાખવાનું કાવતરું
રચ્યું હતું. અનિતાબેન ઘરમાં સૂતા હતા ત્યારે મધ્યરાત્રિના અરસામાં અન્ય રૂમમાં સૂતેલા
તેના સાસુ મંજુલાબે તેને જાનથી મારી નાખવાના ઈરાદે પુત્રવધૂના રૂમમાં આવીને સૂઈ ગયા
હતા. સવારના ચાર વાગ્યાના ગાળામાં મંજુલાબેને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા તથા કાનના
ભાગે પણ ઈજાઓ પહોંચાડી હતી. અનિતાબેને રાડારાડ કરી હતી. બનાવની જાણ થતાં દિયર સહિતના પરિવારજનો
જાગી ગયા હતા અને રૂમમાં આવીને જોતાં અનિતાબેન લોહીલૂહાણ હાલતમાં જોવા મળ્યા હતા અને
મંજુલાબેનના હાથમાં છરી હતી, તે ઝૂંટવાનો
પ્રયાસ કરતાં તે નાસી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત અનિતાબેનને તાત્કાલિક ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી
હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જુદી-જુદી કલમો તળે નોંધાયેલા આ કેસમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ
જજ એ.એલે વ્યાસે 29 દસ્તાવેજી
પુરાવાઓ અને 17 સાક્ષીને તપાસ્યા હતા અને આરોપી
મહિલાને ગુનેગાર ઠેરવતો ચુકાદો આપ્યો હતો, જેમાં હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પાંચ વર્ષની સાદી કેદની સજા અને રૂા.
1000નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં
સરકાર તરફે સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી દલીલ કરી હતી.