મુસા સુમરા દ્વારા : સુમરાપોર (પચ્છમ), તા. 11 : ચૈત્રી મહિનાના
તીવ્ર તાપ અને ગરમી પરાકાષ્ટાએ પહોંચી છે તેની વચ્ચે પ્રખર લૂ અને ધૂળની ડમરીઓથી ગરમ
પવનોના વાયરાઓના વંટોળથી પશુઓ અને માનવજાત બેહાલ છે ત્યારે સરહદી પચ્છમના ગામોમાં આકરા
ઉનાળાની વચ્ચે પાણીનું જળસંકટ ઘેરું બન્યું છે. પચ્છમના ઉતરાદા સરહદી ગામોથી કરી `દેહપટ્ટીની સાથે-પાશી પટ્ટી'ના ગામો સુધી પાણીની તીવ્ર તંગીની સાથે પોકાર
બુલંદ બન્યો છે. લોકોની પરિસ્થિતિ અને પશુઓની હાલત દયનીય જણાઇ હતી. કોઇ ગામોમાં અઠવાડિયામાં
એકાદ વાર પંદર દિવસે, તો એવા પણ ગામડાંઓ જોવા મળ્યા કે મહિના
સુધી પાણી નસીબ થયું નથી. જે ખૂબ જ ગંભીર બાબત ગણાય, તો જ્યાં
પાણી ક્યારેક વિતરણ થાય છે. એ પણ અપૂરતું અપાય છે. જેથી માનવીઓ સાથે પશુધનની હાલત કફોડી
બની છે. પાણી પુરવઠા બોર્ડની વિતરણ વ્યવસ્થા અને ક્યાંક ખાનગીકરણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ
સાથે સ્થાનિક ગ્રામજનોએ કેટલાક ગંભીર સવાલ ઉઠાવીને નારાજગી વ્યક્ત કરી હતી. આવાં ગામોની
મુલાકાતમાં જાણવા મળ્યું કે, પાણી અઠવાડિયા પંદરેક દિવસે આવે છે, તે પણ અપૂરતું હોય
છે. થોડું ઘણું પીવા માટે પાણી મળે તો પશુઓ ક્યાં જાય ? સીમાડામાં ઘાસનું તણખલુંય નથી. સીમાડાઓ તો પહેલેથી જ વેરાન
ભાસે છે. અપૂરતા વરસાદને કારણે તળાવો તો ભરશિયાળામાં જ ખાલી થઇ ગયાં હતાં. પશુઓને ખાવા
માટે ઘાસ ખરીદીને આપીએ છીએ ને વળી નવી મુસીબત એ ઊભી થઇ કે, પશુઓને
પીવા માટે પાણી ખરીદીને ટેન્કર મંગાવવું પડે છે. આવા દિવસો તો ક્યારે પણ જોયા નથી,
એવું માલધારીઓ જણાવે છે. નાના-મોટા વિરડાઓ, વાવ,
કે કૂવાઓ છે. એમાં ઘણા બધાં પાણી ખારા થઇ ગયા. પાણીના તળ સાવ નીચે ઊતરી
જતા, હવે પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. સવારના વહેલા
પહોરમાં ચાર-પાંચ વાગ્યે બે -ચાર બેડાંઓ લઇને જે પનિહારીઓ ટાઇમસર પહોંચે એને પાણી મળે
અને થોડુંક મોડું થઇ જાય તો પાણી વિના પરત ફરવું પડે છે. - અગ્રણીઓનો મત : કુરન ગ્રા.પં.ના સરપંચ લાખાજી સોઢા સુમરાપોરથી
ગફુર મુસા સુમરા, ધુનારાવાંઢથી
મોડજી ઉમર જામોતર, કોટડાથી માજી સરપંચ અલારખા ગફુર, મોરાગામથી ઉંમર ઇસ્માઇલ સમા, ધ્રોબાણા ગ્રા.પં.થી સધીક
ભુંગર, મોટા દિનારા ગ્રા.પં.થી ગની હાજી જુસબ સમા, મોટા બાંધાથી હાજી મામદ હિંગોરજા રતડિયા ગ્રા.પં.થી સરપંચ હાજી જુમા અલીમામદ
વગેરે આગેવાનોએ પાણી અપૂરતું અનિયમિત અને પાણીની વિતરણ વ્યવસ્થા સામે અનેક સવાલો કરી
નારાજગી વ્યક્ત કરી હતી અને પાણીની કરોડોની ગ્રાન્ટો તંત્રએ ફાળવી છતાં પચ્છમવાસીઓએ
દર વર્ષે પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારતા
હોય તે ખૂબ જ નિંદનીય છે અને કમનસીબી છે. સુમરાપોર ગામના મુસાણીવાસમાં ખાતાકીય ટેન્કર
દ્વારા પાણી અપાતું હતું, તે 20 દિવસથી બંધ થઇ જતાં આ વાસના
રહેવાસીઓ પાણી વિના ટળવળી રહ્યા છે અને કોટડા ગામની બાજુમાં ધૂનારાવાંઢને પાણી મહિનાઓ
સુધી મળતું નથી, એવા જ સમરીવાંઢ,
રોહાતળ, નાની-મોટા, નાના-મોટા-પૈયા,
મોટા બાંધા, નાના-મોટા દિનારા, ધ્રોબાણા, હુસેનીવાંઢ, કોટડા,
મોટા સુમરાપોર, કુરન વગેરે ગામો પાણી વિના તરસી
રહ્યાં છે. પાણીનાં ખાનગી ટેન્કરના 800 રૂપિયા ખર્ચીને લોકો ન છૂટકે પીવાનું પાણી ખરીદીને લઇ રહ્યા
છે. આજુબાજુ પાણીના અન્ય કોઇ વિકલ્પો કે ત્રોત જ નથી, તેથી ગરીબ લોકોને રૂપિયા ખર્ચીને ફરજિયાત પાણી
મંગાવવું પડતું હોય છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા પચ્છમની વિવિધ ગ્રામ પંચાયતોમાં લાખો
લીટરની ક્ષમતાવાળાં તોતિંગ અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા બનાવ્યા છે, છતાં પાણીથી ખાલી પડયા છે. જેથી જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ
માત્ર કાગળ પર પચ્છમનાં પાણીના સબ સલામતના રિપોર્ટનું નહીં ગામડાઓના ગ્રાઉન્ડ લેવલે
તપાસ કરી આત્મમંથન થાય તેવો અનુરોધ કર્યો હતો. પચ્છમને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અપાતું
પાણી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા લોલમલોલ ચાલતી હોવાથી દરરોજના રજિસ્ટર અને ગ્રાઉન્ડ લેવલે પાણી અપાયું
કે નહીં તેની તપાસ ગંભીરતાથી કરવામાં આવે, તો મોટી ગરબડ ઉજાગર
થાય એવો સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ થઇ રહ્યો છે.