ટેરિફની અસરથી સુવર્ણમાં રૂા. 6250નો વિક્રમી વધારો : નવી દિલ્હી/ભુજ, તા. 11 : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપેલી 90 દિવસની મુદત બાદ જે દેશ સાથે
સહમતી નહીં સધાય તેની સામે વધુ ટેરિફ લાદવાના નિવેદને અને ચીન સાથે વધતા તનાવથી વૈશ્વિક
વ્યાપાર પર માઠી અસરને લીધે મંદીના મંડરાતા ભયે કિંમતી ધાતુ સોનાં-ચાંદીમાં જબ્બર ઉછાળો
નોંધાયો હતો. નવી દિલ્હીમાં સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામ રૂા. 6250નો વિક્રમી વધારો નોંધાયો હતો
અને ભાવ રૂા. 96450 પર પહોંચી ગયા હતા. ચાંદીના
ભાવમાં પણ કિલોએ રૂા. 2300નો ઉછાળો
આવ્યો હતો અને ભાવ રૂા. 93200 થયા હતા.
સોનાંના ભાવમાં એક દિવસનો આ રેકોર્ડ વધારો ગણાય છે. સોનું વધવા પાછળ અમેરિકી અર્થવ્યવસ્થા
ધીમી પડવી, ફેડ દ્વારા વ્યાજદરમાં
કાપની શક્યતા, મધ્ય-પૂર્વમાં તણાવની સ્થિતિ, વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાંમાં ભારે ખરીદદારી તેમજ ઈટીએફમાં વધતા
રોકાણ જેવા વૈશ્વિક કારણો જવાબદાર હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય
છે કે, વર્ષ 2025 દરમ્યાન કિંમતી ધાતુ સોનાંમાં અંદાજે 18થી 20 ટકાનો વધારો થયો છે. આજના વધારા બાદ સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં વધુ રૂા. 2230નો ઉછાળો થઈ 96,630 રહ્યા હતા, તો ચાંદીમાં રૂા. 1500 વધી 94,300ના ભાવ રહ્યા હતા - સેન્સેક્સમાં
1310, નિફટીમાં 429 અંકનો ઉછાળો : રોકાણકારોની
મૂડીમાં રૂા. 7.85 લાખ કરોડનો વધારો : મુંબઈ,
તા. 11 : અમેરિકાએ વધારાની આયાત જકાતનો અમલ મુલતવી રાખતાં ભારતીય શેરબજારોમાં
આજે મોટો ઉછાળો નોંધાયો હતો. સકારાત્મકતા આવી હતી. સેન્સેક્સ 1310.11 પોઈન્ટ્સ (1.77 ટકા) વધીને 75,157.26 પોઈન્ટ્સ ઉપર અને નિફટી 429.40 પોઈન્ટસ (1.92 ટકા) વધીને 22,828.55 ઉપર બંધ રહ્યા હતા. રોકાણકારોની
મૂડીમાં રૂા. 7.85 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
સ્મોલકેપ ઇન્ડેકસમાં 1352નો તો મિડકેપમાં
727 અંકનો ઉછાળો નોંધાયો હતો. એક
તબક્કે સેન્સેક્સ 1620.18 પોઈન્ટ્સ વધીને ઈન્ટ્રાડેમાં 75,467.33 પોઈન્ટ્સની સપાટીએ પહોંચ્યો
હતો. નિફટી 524.75 પોઈન્ટ્સ વધીને ઈન્ટ્રાડેમાં
22,923.90 પોઈન્ટ્સની સપાટીએ પહોંચ્યો
હતો. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ સૌથી વધુ 4.91 ટકા વધ્યો હતો. ત્યાર બાદ એચડીએફસી બેન્ક 2.33 ટકા વધ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી
એરટેલ, કોટક બેન્ક, એનટીપીસી અને અદાણી
પોર્ટસના શેર્સ વધ્યા હતા, જ્યારે ટીસીએસ ઘટયો હતો. નિફટીમાં
હિંદાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ,
કોલ ઈન્ડિયા અને કોટક બેન્ક સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ટીસીએસ, એશિયન પેઈન્ટસ અને એપોલો હોસ્પિટલ ઘટયા
હતા. બીએસઈ સ્મોલકેપ 3.04 ટકા અને મિડકેપ 1.84 ટકા વધ્યો હતો. બજારની માર્કેટ
બ્રેથ સકારાત્મક હતી. ભયનું વાતાવરણ ઘટયું હતું. બીએસઈના તમામ સૂચકાંકો વધ્યા હતા.
કોમોડિટીઝ સૌથી વધુ 40 ટકા, ત્યાર બાદ કન્ઝ્યુમર ડયુરેબલ્સ 2.92 ટકા, યુટીલીટીઝ 2.76 ટકા, પાવર 2.64 ટકા, એનર્જી 2.51 ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ 2.34 ટકા અને કન્ઝ્યુમર ડિક્રેશનરી
2.25 ટકા વધ્યા હતા. શુક્રવારે 3115 શૅર વધ્યા હતા, 846 ઘટયા હતા
જ્યારે 118 સ્થિર રહ્યા હતા. સોમવારે ડો.
બાબાસાહેબ આંબેડકર જયંતી હોવાથી સ્ટોક માર્કેટ બંધ રહેશે. ચીન અને અમેરિકા વચ્ચેની
ટેરિફની રમતના કારણે વૈશ્વિક બજારો મોટાભાગે ઘાસણીમાં હતા. ટોકિયો અને દક્ષિણ કોરિયાના
બજારો ઘટયા હતા. શાંઘાઈ અને હોંગકોંગના બજારો વધ્યા હતા. યુરોપિયન બજારો ઘટવા તરફી
હતા, જ્યારે ગુરુવારે રાત્રે અમેરિકન બજારોમાં નોંધપાત્ર
ઘટાડો જોવા મળ્યો હતો.