નવી દિલ્હી, તા. 10 : બદલાયેલા
હવામાનના લીધે બિહાર અને ઉત્તરપ્રદેશમાં આવેલા વાવાઝોડાથી 44 લોકોનાં મોત થયાં હતાં. બિહારના
અનેક જિલ્લામાં આજે વિનાશકારી વાવાઝોડા અને વરસાદથી ભારે તબાહી મચી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી વિશાળકાય વૃક્ષો તૂટવાથી
તથા વીજળી પડવાથી 32 જણનાં મોત
થયાં હતાં, તો ઉત્તરપ્રદેશમાં પણ ગોંડા,
ફતેહપુર અને કાનપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજપ્રપાતથી 14 લોકોનાં જીવ ગયાં હતાં. એક
મીડિયા હેવાલ મુજબ, બિહારના નાલંદા
પોલીસ સ્ટેશન વિસ્તારના ઐતિહાસિક નાલંદા ખંડેરમાં રક્ષક ઝાડ નીચે દબાઈ ગયો હતો,
તો માનપુર થાણા વિસ્તારના નગવાં ગામમાં દેવી સ્થાનની નજીક એક વિશાળ પીપળાનું
ઝાડ પડવાથી એક વ્યક્તિ ઝાડ નીચે દબાઈને મૃત્યુ પામ્યો હતો, જ્યારે
અન્ય ચાર લોકો મંદિરની દિવાલ તૂટીને મૃત્યુ પામ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે,
લોકો વરસાદથી બચવા માટે મંદિરમાં આશ્રય લઈ રહ્યા હતા, ત્યારે મંદિરની દીવાલ પડી ભાંગીને ચાર લોકો તેમાં ફસાઈ ગયા હતા, જેના કારણે તે બધાનાં મોત થયાં હતાં. વાવાઝોડાએ નાલંદા, સિવાન અને ભોજપુર સહિતના જિલ્લાના તમામ ભાગોમાં ભારે વિનાશ વેર્યો છે. અનેક
સ્થળોએ રસ્તાઓ પર ઝાડ પડી ગયા છે અને વીજળીના થાંભલાઓ તૂટી ગયા છે, જેના કારણે વીજળી પુરવઠો વિક્ષેપિત થયો છે. તોફાની પવનોએ ઘરોની છત અને કાટમાળને
ઉડાવી દીધા છે, જેનાથી ઘણા પરિવારો બેઘર થઈ ગયા છે. બિહાર શરીફના
રાંચી રોડ પર જળ ભરાવાની સમસ્યા ઉભી થઈ, જેનાથી ટ્રાફિકમાં વિક્ષેપ
ઊભો થયો. હવામાનના કારણે કુંડલપુર મહોત્સવમાં થનારા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ સ્થગિત
કરવો પડ્યો છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં પણ ગોંડા અને ફતેહપુરમાં વીજળી પડવાથી ત્રણ
બાળકોના મોત થયાં હતાં. એક મહિલા સહિત પાંચ લોકો બળી ગયા હતા. કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં
બે ખેડૂતોનાં મોત થયાં. કન્નૌજમાં એક 60 વર્ષીય ખેડૂત તોફાનમાં તૂટી પડેલા ટીન શેડને પકડી રાખવાનો પ્રયાસ
કરતી વખતે મૃત્યુ પામ્યો હતો, જ્યારે
આઝમગઢમાં વીજળી પડવાથી ત્રણ અને ગાઝીપુરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જૌનપુરમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા કેરીના ઝાડ નીચે કચડાઈ
જવાથી એક મહિલાનું મોત થયું હતું. પૂર્વાંચલમાં વીજળી પડવાથી એક ડઝનથી વધુ લોકો ઘાયલ
થયા હતા. ભારે પવન સાથે વરસાદને કારણે ઘઉંના પાકને નુકસાન થયું છે. કાનપુર અને આસપાસના
જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. ખેતરોમાં ઊભા અને કાપેલા ઘઉંના પાક ભીના થઈ ગયા
હતા. વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. લખનઉ, બારાબંકી, સીતાપુર,
અમેઠી, અયોધ્યા, ગોંડા સહિત
તમામ જિલ્લાઓમાં ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા.