વારાણસી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે
કાશીના 50મા પ્રવાસે પહોંચી પોતાના મતક્ષેત્રને 3884 કરોડ રૂપિયાની વિવિધ 44 યોજનાની સૌગાદ આપી હતી. મોદીએ
આ અવસરે જણાવ્યું હતું કે, ભારત દેશ આજે
વિકાસ અને વારસો બંનેને સાથે લઇને ચાલે છે. આ પ્રકૃતિનું મોડેલ કાશી બની રહ્યું છે.
અહીં ગંગાજી અને ભારતની ચેતના બંનેનો પ્રવાહ છે. ઉત્તરપ્રદેશ જીઆઇ ટેગ મેળવવામાં મોખરે
છે, તેવું વડાપ્રધાને કહ્યું હતું. વિપક્ષ પર નિશાન સાધતાં મોદી
એ બોલ્યા હતા કે, સત્તા પર કબજા માટે દિવસ-રાત દોડનારાઓનો સિદ્ધાંત
છે, પરિવારનો સાથ પરિવારનો વિકાસ. ઉત્તરપ્રદેશ હવે માત્ર સંભાવનાઓની
ધરતી નથી, આ પ્રદેશ સામર્થ્ય, સંકલ્પ,
સિદ્ધિની ભૂમિ બની ગયો છે, તેવું તેમણે જણાવ્યું
હતું. હર હર મહાદેવના ઉદ્ઘોષ સાથે ભાષણનો પ્રારંભ કરતાં વડાપ્રધાન મોદી પ્રદેશની ભાષામાં
બોલ્યા હતા કે, `કાશી કે હમરે
પરિવાર કે લોગન કે હમાર પ્રણામ. આપ સબ લોગ યહાં હમે આપન આશીર્વાદ દેનાં. કાશી હમાર
હૈ, હમ કાશી કે હૈં. વડાપ્રધાને કહ્યું હતું કે,
આજે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. છેલ્લાં 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 65 ટકા જેટલો વધારો થયો છે. મોદીએ
130 પેયજળ, 100 નવા આંગણવાડી
કેન્દ્ર, 356 પુસ્તકાલય, એક પોલીટેકનિક કોલેજ અને એક સરકારી ડિગ્રી કોલેજ
સહિત ભેટો આપી હતી.