બીજિંગ, તા. 11 : આખી દુનિયા માટે માથાંનો દુ:ખાવો
બની ગયેલાં અમેરિકા અને ચીન વચ્ચેનાં વેપારયુદ્ધે હવે ખતરનાક સ્વરૂપ લઇ નાખ્યું છે.
અમેરિકાના 145 ટકા ટેરિફના વળતા જવાબમાં ચીને
જગત જમાદાર પર 125 ટકા ટેરિફની તલવાર વીંઝી નાખી
હતી. ટેરિફ વોરથી વકરેલી તાણ વચ્ચે આ મામલે પહેલીવાર નિવેદન આપતાં ચીનના રાષ્ટ્રપતિ
શી જિનપિંગે જણાવ્યું હતું કે, ચીન કોઇથી
ડરતું નથી, અમે કોઇનાં દબાણમાં આવવાના નથી. ચીને અમેરિકા પર લગાવેલો
125 ટકા ટેરિફ આવતીકાલ શરિવારથી
જ લાગુ થઇ જશે. જિનપિંગે કહ્યું કે, છેલ્લાં 70 વર્ષમાં થયેલો
ચીનનો વિકાસ સખત પરિશ્રમ અને આત્મનિર્ભર રહેવાનું પરિણામ છે. ચીન કદી બીજાનાં દાનના
ભરોસે નથી રહ્યું કે નથી કોઇની બળજબરીથી ડર્યું. અમે કોઇની પણ સામે નમવાના નથી, તેવું તેમણે ઉમેર્યું હતું. ચીની રાષ્ટ્રપતિએ
જણાવ્યું હતું કે, વેપારયુદ્ધમાં કોઇ પણ વિજેતા નથી થતું. દુનિયાની
વિરુદ્ધ જવાનો મતલબ પોતાની વિરુદ્ધ જવું. દરમ્યાન, સ્પેનના વડાપ્રધાન
પેડ્રો સાંચેઝ આજે ચીન પ્રવાસે પહોંચ્યા હતા. સાંચેઝ ટ્રમ્પના ટેરિફના એલાન બાદ ચીન
પહોંચનારા પ્રથમ યુરોપિયન નેતા છે.