• શનિવાર, 12 એપ્રિલ, 2025

ગાંધીધામ સંકુલમાં પીવાના પાણીનો પોકાર

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પીવાના પાણીની સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. અસહ્ય ગરમીમાં પણ લોકોને પીવાનું પાણી ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે આદિપુરના ત્રણ વાડી વિસ્તાર તથા ગાંધીધામના વાવાઝોડા કેમ્પ સહિત ત્રણ વિસ્તારોના લોકો પીવાના પાણીને લઈને મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને અધિકારીઓને રજૂઆત કરી હતી. જાન્યુઆરી મહિનાથી પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ છે. ત્રણ મહિનાથી અધિક સમય વીતી ગયો છે છતાં આ સમસ્યાનો નિવાડો ન આવતા લોકો હેરાન થઈ રહ્યા છે. ટપ્પર ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. ડેમથી વરસામેડી સુધી લગભગ 80 એમએલડી પાણી આવે છે, પરંતુ ત્યાંથી ગાંધીધામને 45 એમએલડી પાણીની જરૂરિયાત સામે 30 એમએલડી સુધી જ પાણી મળે છે. જેના કારણે સમસ્યાઓ ઊભી થઇ રહી હોવાનું જવાબદારો કહી રહ્યા છે, પણ 3 મહિના કરતા વધુ સમયથી આ ગંભીર સમસ્યા નિવારવા માટે જે પ્રયાસ થવા જોઈએ તે થયા નથી. તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે. ગાંધીધામ-આદિપુરમાં દર ચોથા દિવસે પાણી આપવામાં આવે છે ને તેમાં પણ અપૂરતો જથ્થો અપાય છે. હાલના સમયે તો ઘણા વિસ્તારોમાં 15 દિવસથી પણ વધુ સમય વીતી ગયો હશે છતાં પીવાનું પાણી લોકોને મળ્યું નથી. આદિપુરના 3 વાળી વિસ્તાર અને ગાંધીધામના વાવાઝોડા કેમ્પના લોકો સવારે પાણી સમસ્યાને લઈને મ.ન.પા કચેરી પહોંચ્યા હતા અને પાણી તેમજ એન્જિનિયારિંગ વિભાગના જવાબદારોને રજૂઆત કરી હતી. આદિપુરમાં વાલ્વમેનએ ટાંકામાં પાણી નથી તેવું કહેતા તુરંત અધિકારીઓએ તેમનો સંપર્ક કરીને આજની સપ્લાય દરમિયાન સમસ્યા હલ કરવા માટે કહ્યું હતું. ત્રણેય વિસ્તારના લોકોને થોડા સમયમાં સમસ્યા હલ થઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું. ખરેખર સમસ્યાનું સમાધાન થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd