• રવિવાર, 28 એપ્રિલ, 2024

હૈદરાબાદના `રન'કારથી મુંબઈની હાર

હૈદરાબાદ, તા. 27 : અહીંના ઉપ્પલ ખાતે રાજિવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલની આઠમી મેચના મુકાબલામાં રન ઝંઝાવાત જોવા મળ્યો હતો. હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર 277 રન બનાવ્યા બાદ મુંબઈએ પણ લડત આપી હતી, પરંતુ જીતના આંકડાને આંબી શકવામાં અસમર્થ રહી 20 ઓવરમાં 246 રન બનાવી હારનો સામનો કર્યો હતો અને હૈદરાબાદે કેપ્ટન પેટ કમિન્સની આગેવાનીમાં પહેલી જીત મેળવી હતી. 277 રનના લક્ષ્યને આંબવા ઊતરેલી મુંબઈના રોહિત શર્મા અને ઈશાન કિશને સારી શરૂઆત કરી હતી. જો કે, મજબૂત લડત આપવામાં તિલક વર્માએ યોગદાન આપવાનો પ્રયાસ કરતાં 34 દડામાં 6 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 64 રન બનાવી હૈદરાબાદના કેપ્ટન કમિન્સના દડામાં મયંકને કેચ દઈ આઉટ થયો હતો. તિલકની વિકેટ પડયાબાદ જાણે ટીમની ગતિ ધીમી થઈ ગઈ હતી. ટીમ ડેવિડે 22 દડામાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 42 રન કર્યા હતા. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સની બોલિંગે મુંબઈની રનગતિ પર રોક લગાવવાનું કામ કર્યું હતું અને 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ ખેરવી હતી. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 47 રન આપી 2 વિકેટ લીધી હતી. અગાઉ હૈદરાબાદ સનરાઇઝર્સ ટીમે હૈદરાબાદ હરિકેનનું રૂપ ધારણ કરીને આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો 277 રનનો સ્કોર 3 વિકેટે બનાવ્યો હતો. હૈદરાબાદના ત્રણ બેટધર ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનિરચ કલાસેને મુંબઇ ઇન્ડિયન્સના તમામ બોલરોની ધોલાઇ કરીને રનનો સેલાબ સર્જ્યો હતો. હૈદરાબાદની ઇનિંગ્સમાં 17 છગ્ગા અને 19 ચોગ્ગા લાગ્યા હતા. રનના ધોધ  વચ્ચે હૈદરાબાદ સનરાઇઝર્સે આઇપીએલનો સૌથી વધુ ટીમ ટોટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 263 રનનો વિક્રમ તોડી  નાખ્યો હતો.હૈદરાબાદ સનરાઇઝર્સ તરફથી મેદાનમાં રનની આતશબાજી થઇ હતી. ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડે પહેલી ઓવરથી ટોપ ગિયરમાં બેટિંગની શરૂઆત કરી હતી. તેણે પ્રારંભે અદ્ભુત સ્ટ્રોકફુલ બેટિંગ કર્યું હતું. તેણે પોતાની અર્ધસદી ફકત 20 દડામાં પૂરી કરી હતી. ટ્રેવિસ હેડ માત્ર 24 દડામાં 9 ચોગ્ગા-3 છગ્ગાથી આતશી 62 રને આઉટ થયો હતો. તેના અને અભિષેક વચ્ચે બીજી વિકેટમાં 19 દડામાં 48 રનની ભાગીદારી થઇ હતી. હેડના આઉટ થયા પછી અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને મુંબઇની બોલિંગ-ફિલ્ડિંગ છિન્નભિન્ન કરી દીધી હતી. તેણે જોતજોતાંમાં ફકત 16 દડામાં અર્ધસદી પૂરી કરી હતી. ચોગ્ગા-છગ્ગાની બોછાર કરીને તે 23 દડામાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાથી વિસ્ફોટક 63 રને આઉટ થયો હતો.બાદમાં કલાસેને પાવર હિટિંગ કરીને મુંબઇના બોલરોને ભાજી-મૂળાની જેમ વાઢી નાખ્યા હતા. તે રનનું રમખાણ સર્જીને ફકત 34 દડામાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાથી 80 રને અણનમ રહ્યો હતો. જયારે માર્કરમે 28 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી અણનમ 42 રન કર્યાં હતા. તેના અને કલાસેન વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં પપ દડામાં 116 રનની ધસમસતી ભાગીદારી થઇ હતી. મુંબઇના તમામ બોલરોની ધોલાઇ થઇ હતી. ડેબ્યૂ મેચમાં આફ્રિકી યુવા બોલર મફાકાએ 66 રન લૂંટાવ્યા હતા. કોઇત્ઝેએ 7 રન આપ્યા હતા. બુમરાહ 36 રન સાથે કરકસરયુકત બોલર રહ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang