ભુજ, તા. 25 : આઈસીએઆર-સેન્ટ્રલ એરિડ ઝોન
રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (કાઝરી)ના કુકમા સ્થિત પ્રાદેશિક સંશોધન કેન્દ્ર (આરઆરએસ) દ્વારા
ભુજ તાલુકાના ભુજોડી ગામમાં `ખેત બચાવો
અભિયાન-રવી' અંતર્ગત એક દિવસીય ખેડૂત
જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટકાઉ કૃષિ પદ્ધતિઓને
પ્રોત્સાહન આપવાનો, જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવાનો,
પાણીના કાર્યક્ષમ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો અને રાસાયણિક ખાતરો
પરની નિર્ભરતા ઘટાડવાનો હતો. આ કાર્યક્રમમાં કુલ 30 ખેડૂતે ભાગ લીધો હતો. કૃષિ
વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે) ના વિષય નિષ્ણાત (એસએમએસ) અવિનાશ બોચાલ્યાએ ખેતીની ઉત્પાદકતા વધારવા માટે
જમીન સ્વાસ્થ્ય વ્યવસ્થાપન તથા સુધારેલી કૃષિ પદ્ધતિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
મુખ્ય અતિથિ ભુજ સ્થિત રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રાનિંગ ઇન્સ્ટિટયૂટ (આરએસઈટીઆઈ)ના
નિયામક પ્રતીક જોશીએ ખેડૂતોના સશક્તીકરણમાં તેમની સંસ્થાના યોગદાનની માહિતી આપી હતી.
કાઝરી કુકમાના વડા ડો. મનીષ કનવતે ખેડૂતોને કાઝરી અને ત્યાં ચાલી રહેલી સંશોધન તથા
વિકાસ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. કાઝરીના વૈજ્ઞાનિક (કૃષિ-વનીકરણ) એમ. સુરેશકુમારે
શુષ્ક ખેતી પ્રણાલીઓમાં કૃષિ-વનીકરણ પદ્ધતિઓને સામેલ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો
હતો. સંસ્થાના અન્ય વૈજ્ઞાનિક ડો. અભિષેક પટેલે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા, જમીનમાં ભેજ જાળવી રાખવાની ક્ષમતા વધારવા અને
પોષકતત્ત્વોની ઉપલબ્ધતામાં વધારો કરવામાં બાયોચારની ભૂમિકા સમજાવી હતી. આ કાર્યક્રમમાં
ખેડૂતોએ તેમના સ્થાનિક કૃષિ પડકારો જણાવી ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો પાસેથી ટેકનિકલ
માર્ગદર્શન મેળવ્યું હતું.