• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

કચ્છના અનેક વિસ્તારોમાં છવાયો ઝાકળિયો માહોલ

ભુજ, તા. 25 : ભેજના પ્રમાણમાં વધારા સાથે કચ્છના અનેક વિસ્તારોમાં ગત રાત્રિથી ઝાકળવર્ષા વરસવાનું શરૂ થયા બાદ સવારના ભાગે ઝાકળભીનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારમાં 85થી 90 ટકા જેટલાં ભેજનાં પ્રમાણ સાથે ઝાકળબિંદુઓ ટપકવા લાગતાં વાતાવરણમાં ભીનાશ જોવા મળી હતી. ભુજ, મુંદરા, નખત્રાણા સહિતના તાલુકાઓમાં ઝાકળની અસર વધુ જોવા મળી હતી. ઝાકળવર્ષાની સાથે કેટલાક વિસ્તારમાં ધુમ્મસ પણ છવાયેલું જોવા મળ્યું હતું. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો છતાં જિલ્લામાં  તાપનો પ્રભાવ જળવાયેલો રહ્યો હતો. ભુજમાં 38, તો કંડલા પોર્ટ -એરપોર્ટમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નેંધાયું હતું. નલિયામાં લઘુતમ પારો સતત ત્રીજા દિવસે 19 ડિગ્રીના આંકે સ્થિર રહેતાં વહેલી સવારે એ વિસ્તારમાં ઠંડકની અસર જોવા મળી હતી. હજુ આગામી દિવસોમાં આ પ્રકારનું વાતાવરણ યથાવત્ રહેવાની હવામાન વિભાગે શક્યતા દેખાડી છે. નખત્રાણા તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા દેવીસર ગામે વહેલી સવારે કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો હતો. વહેલી સવારના સમયે ગાઢ ઝાકળ અને ધુમ્મસની ચાદર પથરાઈ જતાં સમગ્ર વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ હતી. ખાસ કરીને દેવીસર આસપાસનો ડુંગરાળ વિસ્તાર ઝાકળના કારણે કોઈ રમણીય હિલસ્ટેશન જેવો મનોહર દૃશ્ય સર્જતો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd