ગાંધીધામ, તા. 25 : અહીંના ડીસી ટુ વિસ્તારમાં
સોનલમાનાં મંદિર પાસે ચાર કરોડથી વધુના ખર્ચે બની રહેલી લાયબ્રેરીનું બાંધકામ નબળું
થતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અહીં મહાનગરપાલિકાના એન્જિનીયરોના દેખરેખનો
અભાવ છે તેના કારણે નબળી ગુણવત્તાનું બાંધકામ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે મ્યુનિસિપલ
કમિશનર દ્વારા તપાસ કરીને પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. મહાનગરપાલિકાના
તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીનો આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હતો, તેમણે ગાંધીધામ સંકુલના વિદ્યાર્થીઓ અને વાચકોને
સારી લાઇબ્રેરીની સુવિધાઓ મળી રહે તે માટે ચાર કરોડથી વધુના ખર્ચે અહીં વિશાળ પ્લોટમાં
લાયબ્રેરીનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. તત્કાલીન સમયે તે કમિશનર તરીકે લાઇબ્રેરીની
કામગીરી ઉપર નજર રાખતા હતા, પરંતુ તેમની બદલી પછી લાયબ્રેરીનાં
કામકાજ ઉપર એન્જિનીયારિંગ વિભાગ નજર રાખતો નથી, પરિણામે બાંધકામની
ગુણવત્તા સામે હવે સવાલો ઊભા થયા છે. અંદરની બાજુમાં પ્લાસ્ટરમાં પાણી આપવામાં આવ્યું
ન હોવાથી ગુણવત્તા જળવાઈ નથી, આ ઉપરાંત અભેરાઇ અને કોલમ બીમ સહિતની
કામગીરીઓમાં પણ સવાલો ઊઠી રહ્યા છે, જાગૃત નાગરિકો દ્વારા કામગીરીનાં
સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની માંગ કરવામાં આવી રહી છે. જે હેતુ માટે રૂપિયા ખર્ચાઈ
રહ્યા છે, તે દેખરેખના અભાવે સાર્થક થતો ન હોવાનું જાગૃત નાગરિકો
કહી રહ્યા છે. ગાંધીધામમાં કરોડો રૂપિયાના પ્રકલ્પોમાં એન્જિનીયરો દ્વારા ધ્યાન આપવામાં
ન આવતું હોવાથી કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામ કરી રહ્યા છે. જૂની કોર્ટ રોડ ઉપર પાંચ
કરોડથી વધુના ખર્ચે શાકમાર્કેટનું બાંધકામ થઈ રહ્યું છે, તેના
કોલમ બીમ સહિતનાં બાંધકામની ગુણવત્તા સામે અનેક સવાલો છે. પદાધિકારીઓ અને સિટી ઇજનેર
સહિતના અધિકારીઓ સુધી ફરિયાદો પણ પહોંચી હતી તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી.
હવે લાઇબ્રેરીનાં બાંધકામ બાબતે જાગૃત નાગરિકો દ્વારા ગુણવત્તા સંબંધિત સવાલો ઊઠાવવામાં
આવી રહ્યા છે. મેયર તથા કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ તપાસ કરીને પગલાં
ભરે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.