• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

કોડાયનાં કોટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાં ભક્તિભાવના

જીવરાજ ગઢવી દ્વારા : કોડાય (તા. માંડવી), તા. 7 : માંડવી તાલુકાના કોડાય ગામ નજીક રૂકમાવતી નદીના કિનારે આવેલું 582 વર્ષ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર અનેક ઐતિહાસિક સ્મૃતિઓ અને આધ્યાત્મિક વારસો ધરાવતું પંથકનું મહત્ત્વનું ધર્મસ્થાન બની રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં દર સોમવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતાં મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઊઠે છે. કોટેશ્વર મહાદેવ મંદિરનો 12 વર્ષ અગાઉ જીર્ણોદ્ધાર કરાયો હતો. પવિત્ર સ્થાન આજે પણ કોડાય સહિત આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામ, હિંગલાજ માતા, ગુરુ દત્તાત્રેય ભગવાન, શીતળા માતા અને રામદેવપીર સહિતના વિવિધ દેવસ્થાનો આવેલાં છે. રૂકમાવતી નદીના કિનારે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર ભાવિકોને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવે છે. મંદિરનું પ્રવેશદ્વાર દાતા પરિવાર દ્વારા  બનાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના દર સોમવારે કોટેશ્વર મહાદેવને શણગાર, સંતવાણી, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં હતાં. મહાશિવરાત્રિ, રામનવમી તથા દેવગરદાદાની તિથિ જેવા ધાર્મિક પ્રસંગોએ પણ કોડાય, મદનપુરા સહિત આસપાસના ગામોના ભાવિકો મોટી સંખ્યામાં જોડાય છે. મંદિરમાં બંસીપાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના વિકાસ અને સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટીઓ તથા દાતાશ્રેષ્ઠીઓ દ્વારા મંદિરના વિકાસને વધુ વેગ મળે અને આ પવિત્ર ધર્મસ્થાનનો વારસો જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Panchang

dd