દયાપર (તા.લખપત), તા. 14 : લખપત તાલુકા
પંચાયત ઉપર 16 વર્ષ પછી ભાજપ તરફ જનાદેશ મળ્યો
છે. તાલુકા પંચાયત પર ભાજપનો કબજો છે, પરંતુ પ્રમુખને બેસવાની ચેમ્બર ક્યાં? તે યક્ષ પ્રશ્ન
છે. અહીંની તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત થતાં તાજેતરમાં મામલતદારની નવી કચેરી
ખાતે શિફ્ટિંગ કરાયું હતું, ત્યારે પ્રમુખની મુદ્દત પૂરી થઈ જતાં
તેમના માટે કોઈ ચેમ્બરની વ્યવસ્થા રખાઈ નહોતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા
પૂર્ણ થયા બાદ ભાજપ પાસે સત્તા આવી. તાલુકા
પંચાયતના પ્રમુખ તરીકે લાખાપર સીટ પરના વિજેતા મહિલા ઉમેદવારની નિયુક્તિ થઈ પરંતુ પ્રમુખ,
ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન બધા ક્યાં બેસે
? તે મોટો પ્રશ્ન છે. પાંચ કરોડના ખર્ચે મામલતદાર કચેરીનું મકાન તૈયાર
થઈ ગયું છે, જેમાં નીચેના તમામ રૂમ તા.પં.ને અપાયા છે. ઉપર મામલતદાર
કચેરી છે. અગાઉ મામલતદાર કચેરી જર્જરિત હોતાં તેને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ
કરાઈ હતી. હવે નવું મકાન તૈયાર છે પરંતુ તા.પં. કચેરીનું તો બાંધકામ થયું તેને 25 વર્ષ થયા નથી છતાં ક્ષતિગ્રસ્ત
બની ગઈ છે. વરસાદનું પાણી આવે છે. આવા નબળા બાંધકામ કરતી એજન્સીઓ પર કોઈ પગલાં ભરાતાં
નથી તેવું સાબિત થાય છે. રાજાશાહી વખતના 200 વર્ષ જૂના બાંધકામો અડીખમ ઊભા છે જ્યારે નવી ટેક્નોલોજી કેવી આવી છે પુલ, કચેરીઓ, ટૂંક સમયમાં ધ્વસ્ત
થઈ જાય છે. તેના માટે કોને જવાબદાર ગણવા? તા.પં. પ્રમુખની ચેમ્બર
વિશે પૂછતાં તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ ચંદે જણાવ્યું હતું કે, સોમવારના ચેમ્બર મળી જશે અને બેઠક વ્યવસ્થા થઈ જશે.