• સોમવાર, 15 જૂન, 2026

અબડાસામાં એસટીનું `પૈડું' અટક્યું : વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર સંકટ !

નલિયા, તા. 14 : અબડાસા તાલુકામાં વીસથી વધુ ગામોને જોડતી રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)ની બસો લાંબા સમયથી બંધ હાલતમાં રહેતાં વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  વેકેશન પૂરું થતાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ એસ.ટી. બસોનો અભાવ વિદ્યાર્થીઓને અપ-ડાઉન કરવામાં અનેક પડકારો ઊભા કરી રહ્યો છે, જેનાં કારણે તેમના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાનો ત્વરિત ઉકેલ નહીં આવે તો અબડાસા તાલુકા સરપંચ સંગઠને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે તંત્રની ઘોર ઉપેક્ષા સામે સમગ્ર તાલુકામાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે.  ધુફી ગામના અજયાસિંહ જાડેજાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવા માટે એસ.ટી. બસ જ એકમાત્ર આશાનું કિરણ હોય છે. બસો બંધ થતાં તેમને ક્યાં તો ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવીને જવું પડે છે અથવા તો અનિચ્છાએ શાળા છોડવાની ફરજ પડે છે. તેમનું ભવિષ્ય આ બસ સેવાઓ સાથે જોડાયેલું છે. તંત્રની આ  નિક્રિયતા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. તાલુકામાં બંધ પડેલા મુખ્ય બસ રૂટમાં 30 વર્ષ જૂની અને રાજ્ય પરિવહન નિગમ માટે `કમાઉ રૂટ' ગણાતી ભુજ - પીપર બસ (વાયા નખત્રાણા, બિટ્ટા, ધુફી, હમીરપર, તેરા, નલિયા)નો સમાવેશ થાય છે. આ બસ બંધ થતાં વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, બપોરના એક કલાકે નખત્રાણાથી ઉપડતી અને નલિયાથી સાંજે ચાર વાગ્યે પરત ફરતી નખત્રાણા-બિટ્ટા-તેરા બસ પણ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી હતી, જે હાલ બંધ છે. લાંબા સમયથી બંધ પડેલી નલિયા-ગઢશીશા બસ (વાયા મોથાળા) પણ વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્ત્વની હતી. જખૌ સોલ્ટ-ભુજ બસ ચાલુ હોવા છતાં તેના સમય મુજબ આવતી નથી અને અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી, જેનાથી તેમની મુશ્કેલીઓ યથાવત્ રહી છે.  છ મહિના અગાઉ દસથી વધુ સરપંચોએ લેખિતમાં રાજ્ય પરિવહન વિભાગ અને તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ રજૂઆતો અથડાઈને પાછી ફરી હોય તેમ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. અબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશાસિંહ જાડેજાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, અબડાસામાં  વિદ્યાર્થીઓ માટેની જે રાજ્ય પરિવહન નિગમની બસો બંધ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને જે ચાલુ છે તેને નિયમિત રૂટ પર દોડાવવામાં આવે. જો આ માગણીઓ પૂરી નહીં થાય તો સરપંચ સંગઠન ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. સરકાર અને રાજ્ય પરિવહન નિગમ તાત્કાલિક આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી અબડાસાની જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓના વાલીઓની પ્રબળ માંગ છે.  

Panchang

dd