ભુજ, તા. 14 : નૈઋત્યનાં ચોમાસાંનાં આગમનની
કાગડોળે રાહ જોવાઈ રહી છે, પણ આ વખતનાં
ચોમાસાં પર અલ નીનોનો પ્રભાવ જોવા મળે તેવો ચિંતાજનક વર્તારો હવામાન વિભાગે આપ્યો છે,
ત્યારે ભારત સરકારે અલ નીનોના
સંભવિત જોખમથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશના 197 જિલ્લામાં કચ્છનો પણ સમાવેશ
કર્યો છે. કચ્છ સહિતના જિલ્લાઓને અતિ સંવેદશનીલ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. અલ નીનોની
સંભવિત અસર સામે લડવા માટે ખાસ કન્ટીજન્સી પ્લાન ઘડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી
છે. - ચોમાસાંનું ચક્ર અનિયમિત રહેશે
: અલ નીનો સક્રિય થવાના કારણે ચોમાસાંનું
ચક્ર અનિયમિત જોવા મળશે. હવામાન નિષ્ણાતો દ્વારા હાલમાં જે અનુમાન દેખાડવામાં આવ્યું
છે, એ મુજબ કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસાંનું આગમન
થોડું મોડું થાય એમ લાગી રહ્યું છે. જૂનમાં સામાન્યથી ઓછો, જુલાઈમાં
સામાન્યથી મધ્યમ અને ઓગષ્ટ સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. મોન્સૂન બેંકની
સ્થિતિ વધુ જેવા મળી શકે છે. સામાન્યથી 10 ટકા ઓછો વરસાદ વરસવાનું અનુમાન આપવામાં આવ્યું છે. - ખેતી-પાકો માટે ખાસ કન્ટીજન્સી
પ્લાન : ચોમાસું જો અનુમાન મુજબ થોડું નબળુ રહે, તો ખેતી પાકોને મોટા નુકસાનથી બચાવવા માટે ખાસ
કન્ટીજન્સી પ્લાન અમલમાં મૂકવામાં આવશે. હવામાન વિભાગના સત્તાવાર નિર્દેશાનુસાર આઈસીએઆર,
ક્રીડા અને સરદાર કૃષિનગર, દાંતિવાડા કૃષિ યુનિ.
દ્વારા કરાયેલા કન્ટીજન્સી પ્લાનમાં ઓછા વરસાદમાં વાવેતર થઈ શકે તેવા પાકોનું વાવોતર
કરવાની ભલામણ કરાઈ છે. કચ્છની રેતાળ અને કાળી જમીનને ધ્યાનમાં રાખી કૃષિ પદ્ધતિમાં
ફેરફાર કરવાનું સૂચન કરાયું છે. - પાણી-ઘાસચારા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત : કચ્છમાં મધ્યમ
અને નાની સિંચાઈના ડેમોમાં જળસ્તર ઝડપભેર ઘટી રહ્યું છે, ત્યારે વરસાદ ખેંચાય, તો પાણીનું સંકટ ન સર્જાય અને વિશાળ સંખ્યામાં પશુધન ધરાવતા જિલ્લામાં ઘાસચારાની
તંગી ન સર્જાય એ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. લીલો અને સૂકો ચારો
પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે મકાઈ, જુવાર જેવા પાકોનું વાવેતર
કરવાનું સૂચવાયું છે.