મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 14 : અમેરિકા, કેનેડા
અને મેક્સિકોમાં શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડકપને
લઈને આખી દુનિયામાં ફૂટબોલ ફીવર ફેલાઈ ગયો છે. ફિફા રેન્કિંગમાં છેક 139મા ક્રમે ધકેલાઈ ગયેલા ભારતમાં
ફૂટબોલનો ક્રેઝ છે જ નહીં એમ માનતા હો, તો તમે ભૂલ કરો છો. બેશક ક્રિકેટની તુલનાએઁ ફૂટબોલનું ચલણ ઓછું છે,
પણ એકંદરે કચ્છમાં પણ નોંધપાત્ર સંખ્યામાં ખેલાડીઓ વિશ્વની આ સૈથી લોકપ્રિય
રમત રમે છે. કેટલાક સ્થળે કોચિંગ એકેડેમીઓ
ચાલી રહી છે અને ઘણા રમતવીરો અલગ અલગ કેટેગરીમાં
રાષ્ટ્રીય સ્તર સુધી પણ રમી આવ્યા છે. વર્લ્ડકપને માણવા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો,
લિયોનેલ મેસ્સી, કિલિયન એમ્બાપે અને લામીન યમાલ
જેવા પોતાના હીરોની શાનદાર રમતને બિરદાવવા કચ્છના સોકરપ્રેમીઓ પણ આતુર છે. ગુજરાતમાં આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ સહિતની
મોટી સ્પર્ધાઓનાં આયોજનો થવાનાં છે અને રમતગમતને વિકસાવવાની વાતો થઈ રહી છે,
પણ કચ્છ જેવા જિલ્લાઓમાં ફૂટબોલ સહિતની રમતોની અપૂરતી માળખાંકીય સુવિધાઓ
ખટકે છે. ગોપાલપુરીના સિન્થેટિક ટર્ફ સાથેના
યોગ્ય સ્ટેડિયમને બાદ કરો, તો આખા જિલ્લામાં ખરા અર્થમાં સારા કહેવાય તેવાં ફૂટબોલ મેદાનોનો અભાવ
અને નિયમિત ટૂર્નામેન્ટોની કમી તેમજ રમતગમતનાં સંગઠનોની પ્રમાણમાં ઓછી સક્રિયતા રમતના
વિકાસમાં અવરોધક છે. જો કે, એક હકારાત્મક પાસું
માધાપર ખાતેની ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ(ડીએલએસએસ)માં ફૂટબોલની તાલીમ પણ છે.
અહીંના ખેલાડીઓ અને ખાસ કરીને કન્યાઓ સારો દેખાવ કરતા આવ્યા છે. - માધાપર મહતતની ટીમો ઝળકે છે : માધાપર અને
ગાંધીધામ ખાતેનાં રમત સંકુલમાં ફૂટબોલ માટેના ગ્રાસી મેદાન તૈયાર કરાયાં છે. બેશક તેની
ગુણવત્તા બહુ સારી નથી. જિલ્લા રમત વિકાસ અધિકારી
જ્યોતિ ઠાકુર કહે છે કે, માધાપર અને ગાંધીધામમાં ફૂટબોલનાં ગ્રાઉન્ડ છે અને ખેલકુંભની સ્પર્ધાઓ પણ યોજાય
છે. ઉપરાંત અમારા વિભાગના ફૂટબોલ કોચ વિક્રમસિંહ પણ ડીએલએસએસમાં કોચિંગ આપે છે. વિક્રમસિંહે વધુ વિગત આપતાં કહ્યું હતું કે, અહીં ફૂટબોલની કેટેગરીમાં સરેરાશ પાંત્રીસેક બાળક હોય છે. અહીંના તરુણ ખેલાડીઓમાં
પ્રતિભા છે. અમારી સ્કૂલની ચાર છોકરી અને ત્રણ છોકરા અંડર-19 અને 14માં નેશનલ લેવલ સુધી રમી ચૂક્યા છે. ચાર
કન્યા હિંમતનગરની ફૂટબોલ એકેડેમીમાં વધુ ટ્રેનિંગ માટે સિલેક્ટ થઈ છે. છેલ્લા ત્રણ
વર્ષથી ડિસ્ટ્રીક્ટ લેવલની સુબ્રતો રોય સ્પર્ધામાં ડીએલએઁસએસની કન્યાઓની ટીમ ચેમ્પિયન થઈ
રહી છે. એ જ રીતે ખેલકુંભમાં પણ અમારી ટીમ અંડર-14 અને અંડર-19માં સતત વિજયી
બની છે. ગયા વર્ષે અમારી બોયઝની ટીમ પણ અંડર-14માં વિજયી બની હતી. કચ્છમાં ફૂટબોલનું સારું
આકર્ષણ છે. - ધાણેટીના યુવાનોએ ખાસ ગ્રાઉન્ડ
બનાવ્યું છે : ફૂટબોલનો
જે થોડોઘણો ક્રેઝ છે તે માત્ર શહેરો પૂરતો
સીમિત નથી, પણ કચ્છનાં અમુક ગામોમાં
પણ સોકર લોકપ્રિય છે. અને તેમાં શિરમોર છે ધાણેટી ગામ. ગામના રમતપ્રેમી યુવાનોએઁ આહીર ફૂટબોલ ક્લબ બનાવી છે અને ગામની બાજુમાં
જ સરસ મજાનું ફૂટબોલ મેદાન બનાવ્યું છે. રોજ
સાંજે પથી 7 ફૂટબોલ રમાય છે અને ગામની જ છ ટીમ વચ્ચે
દર વર્ષે પાંચેક સ્પર્ધા યોજાતી હોય છે. હાલમાં 30 જૂનની આસપાસ પણ એક ટૂર્નામેન્ટ યોજવાની તૈયારી છે. યુવાનોએ મોટી
ક્રીન પર ફિફા વર્લ્ડકપની મેચો માણવાનું પણ આયોજન કર્યું છે. થોડા સમય પહેલા દિગ્ગજ
ફૂટબોલર લિયોનેલ મેસ્સી મુંબઈ આવ્યો, ત્યારે આહીર ફૂટબોલ ક્લબના પણ વીસેક યુવાન તેને જોવા માટે મુંબઈ ગયા હતા અને
રસપ્રદ વાત એ છે કે, મેસ્સીએ કીક મારી એ ફૂટબોલ આ જ યુવાનો પાસે આવ્યો હતો અને તેમને મળ્યો
હતો. લોકો આ ફૂટબોલ માટે મોટી કિંમત આપવા તૈયાર હતા, પણ યુવાનોએ
ના પાડી અને તેને ક્લબમાં યાદગીરીરૂપે રાખ્યો છે. - વરિષ્ઠ કોચ કહે છે કચ્છમાં
પ્રતિભા છે : રાષ્ટ્રીય
સ્તરની ઘણી સ્પર્ધાઓ રમી ચૂકેલા અને એ.આઈ.એફ.એફ.ના માન્યતા પ્રાપ્ત કોચ હસમતખાન પઠાણ
કહે છે કે, કચ્છમાં સાતથી આઠ સ્થળે ફૂટબોલના કોચિંગ ક્લાસ ચાલે છે અને દસેક ક્લબ
પણ છે, જેમાં કંડલા, ગાંધીધામ સંકુલમાં
ફૂટબોલની પ્રવૃત્તિઓ વધુ છે. કંડલા પોર્ટમાં તો ઈન્ટરનેશનલ કક્ષાનું ગ્રાઉન્ડ છે. અહીં
અમે 2022માં ઈન્ડિયન વુમન્સ લીગના ક્વોલિફાઈંગ
રાઉન્ડની મેચો રમાડી હતી, જેમાં મારી
ભુજ-કચ્છ ક્રિકેટ ક્લબની કન્યાઓની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. એ ઉપરાંત મારી કિસ્મત
ક્લબ પણ છે. ભુજ અને માધાપર ખેલ સંકુલમાં પણ ફૂટબોલનાં ગ્રાઉન્ડ બનાવાયાં છે. મેં 40 વર્ષ કોચિંગમાં ગાળ્યા અને
ખેલાડીઓને નિ:શુલ્ક ટ્રેનિંગ આપી. હાલમાં જ હું ગુજરાતની અબોવ 60ની ટીમ વતી નેશનલ ટૂર્નામેન્ટ રમ્યો, જેમાં ટીમ સંયુક્ત વિજેતા થઈ હતી. મેં 60 છોકરીને કોચિંગ આપ્યું હતું, જે પૈકી શુભાંગી સિંઘ તો અંડર-17નો ફિફા વર્લ્ડકપ પણ રમી હતી. કચ્છના ખેલાડીઓ
સારા છે, પણ માળખાંકીય સુવિધાઓ વધવી જોઈએ. - કચ્છ ફૂટબોલ એસોસીએશન : જિલ્લામાં ફૂટબોલનું સત્તાવાર પ્રતિનિધિત્વ
કરતી અને ગુજરાત ફૂટબોલ એસોસીએશન સાથે એફિલિયેટેડ એવી કચ્છ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશનના
પ્રમુખ તુલસી સુઝાન કહે છે કે, કચ્છમાં ફૂટબોલનો સારો માહોલ છે. ઘણી
ક્લબો ચાલે છે. અમારું એસોસીએશન નિયમિત સ્પર્ધાઓ રમાડે છે અને આપણા ઘણા ખેલાડીઓ
નેશનલ સુધી રમ્યા છે. હાલમાં જ ડિસ્ટ્રીક્ટ લેવલની બ્લ્યૂ કપ સ્પર્ધા રમાડી હતી. ગાંધીધામનનું
વર્ચસ્વ વધુ છે અને ભુજ કે અન્ય નગરોના ખેલાડીઓની ઉપેક્ષા થાય છે એવા આક્ષેપ
નકારતાં તેમણે કહ્યું હતું કે, અમે દરેક ક્લબને જાણ કરીએ છીએ, દરેક યોગ્ય ખેલાડીને તક
આપીએ છીએઁ. ઘણીવાર તો અન્ય શહેરોમાંથી જ ખેલાડીઓને ઓછા મોકલવામાં આવે છે. કચ્છ ફૂટબોલ
એસો.ની બે કન્યા પ્રિનેશનલ કેમ્પ માટે પણ સિલેક્ટ થઈ હતી. 202પ-26ની સીઝનમાં ગર્લ્સની ત્રણ ટીમ સિનિયર વુમન્સ,અંડર 14 અને અંડર 17એ જીએસએફએ
દ્વારા આયોજીત સ્ટેટ લેવલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. બોયઝમાં અંડર 14,17,20 અને સિનિયર ટીમે રાજ્યસ્તરે
ભાગ લીધો હતો. કુલ 130થી વધુ ખેલાડી
રાજયકક્ષાએ રમ્યા હતા. તો અંડર 14 કેટેગરીના
ત્રણ ખેલાડી દેવાંશ વેદ્ય,ધનેશ સંજોટ
અને અસદ ખાન ગુજરાતની ટીમ માટે નેશનલ કેમ્પમાં પણ પસંદ થયા હતા. - ભુજમાં પણ ખેલાડીઓ કોચિંગ મેળવે
છે : ભુજમાં લાલન કોલેજનાં સંકુલમાં આર્ય ક્લબના
નેજા હેઠળ 2014થી કોચિંગ ક્લાસ ચલાવતા અને
ખુદ નેશનલ લેવલ સુધી રમી ચૂકેલા અબ્દુલ માલી કહે છે કે, અમારા લગભગ 1પ0 ખેલાડી સ્ટેટ લેવલ સુધી અને 2પથી 30 તો નેશનલ
લેવલ સુધી રમી ચૂક્યા છે. કુણાલકુમાર નામનો એક ખેલાડી તો ઈન્ડિયા ટીમના કેમ્પ માટે પણ સિલેક્ટ થયો હતો. કોચિંગમાં સરેરાશ 3પથી પ0 છોકરા હોય છે. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ ફૂટબોલ મેચ કમિશનરની પરીક્ષા પાસ કરી
એક વર્ષ તેની ડયૂટી પણ બજાવી ચૂક્યો છે. કચ્છમાં નલિયામાં પણ ફૂટબોલનો સારો માહોલ છે.
નખત્રાણામાં રમાય છે, તો બન્નીમાં પણ એક ક્લબ રચાઇ છે.