ભુજ, તા. 20 : નખત્રાણા તાલુકાની ખોંભડી
જૂથ યોજના હેઠળ ઉગેડી હેડ વર્કસ સાઈડ નીચેનાં ગામોમાં પાણી પુરવઠાની નવી લાઈનો નાખવા
માટે અંદાજે રૂા. 19 કરોડની
મંજૂરી અપાઈ હોવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થતાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પાણી યોજનામાં દેશલપર (ગુંતલી), જીજાય, ધામાય, ઉગેડીથી લઈને મુરૂ, ઢોરો અને હાજીપીર
સુધીનાં સરહદી ગામોને આવરી લેવામાં આવ્યાં છે, પરંતુ અનેક વિસ્તારમાં કામ અધૂરું હોવાના
આક્ષેપો કરાયા છે. નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જુસબભાઈ સોઢાએ જણાવ્યું
હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગામોમાં પાણી અનિયમિત આવે છે. 3500થી 4000 ટીડીએસવાળું ખારું કાયાવાળું
પાણી વિતરણ કરાતું હોવાની ફરિયાદ કરાઈ હતી. કેટલીક જગ્યાએ નબળી ગુણવત્તાવાળા પાઈપો
વાપરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરાયા હતા. નર્મદા પાણી સંગ્રહ માટે ઉગેડી પાસે
20 લાખ લિટરનો પાણી ટાંકો પણ
તૈયાર છે. આ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા કરોડો રૂપિયાની યોજનાનાં કામમાં વિલંબ બાબતે ચિંતા
વ્યક્ત કરાઈ હતી, સત્વરે કામ શરૂ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી. કામમાં ગેરરીતિ અને
ફરિયાદો સામે સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરાઈ હતી. રાજ્ય સરકાર અને પાણી
પુરવઠા વિભાગ દ્વારા બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરી ગામડાંઓમાં નિયમિત પાણી પહોંચાડવામાં
આવે તેમજ જો કોઈ ગેરરિતી થઈ હોય, તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી
માંગ કરાઈ હતી.