• ગુરુવાર, 21 મે, 2026

દેશ-વિદેશમાં વસતા કચ્છીઓને રોકાણની તકો વિશે માહિતગાર કરો

ભુજ, તા. 20 : કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા સાથે કચ્છના વેપાર, ઉદ્યોગ, ટૂરિઝમ અને લોકસુખાકારી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજી હતી. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટની આગેવાની હેઠળ સદસ્યોએ ચેમ્બર દ્વારા પ્રકાશિત `કચ્છ ગોઝ ગ્લોબલ' પુસ્તકની ભેટ અર્પણ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કચ્છના વ્યાપાર-ઉદ્યોગના વિકાસ, રોજગારની નવી તકો, ટૂરિઝમ ક્ષેત્રને વધુ ગતિ આપવા તેમજ કચ્છના લોકોની સુખાકારી માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે કચ્છ ચેમ્બરને દર મહિને આવી બેઠક યોજી રચનાત્મક સૂચનો આપતા રહેવા જણાવી ટ્રેડ, ઈન્ડસ્ટ્રી, રોજગારી અને પ્રવાસન ક્ષેત્રને મજબૂત બનાવવા સૂચનો રજૂ કર્યાં હતાં. ચર્ચા દરમિયાન કલેક્ટરે અનોખો વિચાર રજૂ કરતાં જણાવ્યું હતું કે, જેમ `પ્રવાસી ભારતીય દિવસ' ઉજવાય છે, તેવી જ રીતે `પ્રવાસી કચ્છી દિવસ'નું આયોજન થવું જોઈએ. વિશ્વભરમાં વસતા કચ્છી ઉદ્યોગપતિઓ અને એન્ટરપ્રેન્યોર્સને કચ્છમાં આમંત્રિત કરી એક કે બે દિવસીય સેમિનાર યોજી શકાય, જેમાં તેમને કચ્છના વેપાર, ઉદ્યોગ અને રોકાણની તકો વિશે માહિતગાર કરવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કચ્છી સમાજ વિશ્વભરમાં પ્રસરીને પણ પોતાની મૂળભૂત ઓળખ અને કચ્છ સાથેનો લાગણીસભર સંબંધ જાળવી રાખે છે. આવી પહેલ થકી કચ્છમાં નવા ધંધા-રોજગાર ઊભા થશે અને સ્થાનિક લોકોને સીધો તેમજ આડકતરો લાભ મળશે. કચ્છ જિલ્લા ચેમ્બર પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ કોરડિયા, લેફ્ટનન્ટ કર્નલ જોહર, સુરેશ ઠકકર, ભૂપેન્દ્ર મહેતા, સંજય ઉપાધ્યાય, સુબોધ ઠક્કર, જટુભા રાઠોડ, ધીરુભાઈ ગૌસ્વામી, મીતુલભાઈ મહેતા, કરણભાઈ મહેતા, મીતભાઈ ઠક્કર સહિત કચ્છ ચેમ્બરના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd