• ગુરુવાર, 21 મે, 2026

હુન્નર અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય

ભુજ, તા. 20 : કચ્છના કારીગરોએ સમગ્ર ગુજરાતમાં પોતાની પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતાનો ડંકો વગાડયો છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ખાતે આયોજિત `કારીગર ટેન્ક' અને ગ્રેજ્યુએશન સમારોહમાં કચ્છના 10 ગ્રામીણ ઉદ્યમી વિવિધ કેટેગરીમાં વિજેતા બન્યા હતા. કારીગર ક્લિનિક, ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન, જીટીયુ વેન્ચર્સ અને સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ ગામડાંઓમાં રહેલી પ્રતિભા, મહિલાશક્તિ અને આત્મનિર્ભર ભારતના સપનાને ઉજાગર કરતો પ્રેરણાદાયક ઉત્સવ બની રહ્યો હતો. જીટીયુના કુલપતિ ડો. રાજુલ ગજ્જરે કાર્યક્રમને ગ્રામીણ ભારત માટે આશાની નવી કિરણ ગણાવતા જણાવ્યું હતું કે, `સ્કીલ અને ઉદ્યોગસાહસિકતા દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય છે. ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અશોક ચેટર્જીએ કાર્યક્રમને `દેશ માટે એક મોડેલ' ગણાવ્યો હતો. કારીગર ક્લિનિકના ડો. નીલેશ પ્રિયદર્શી અને નુપૂરકુમારીએ કાર્યક્રમની શરૂઆતમાં તમામ ગ્રામીણ ઉદ્યમીઓની કુલ આવક માત્ર રૂા. 11 લાખ હતી, જે 90 દિવસની તાલીમ બાદ વધીને રૂા. પાંચ કરોડ 11 લાખ સુધી પહોંચી હતી. આમ ઉદ્યમીઓએ પોતાની આવકમાં આશરે 45ગણો વધારો નોંધાવ્યો હતો, જે કાર્યક્રમની સફળતાનું ઉદાહરણ બન્યું હતું.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કારીગર ક્લિનિક દ્વારા આ વર્ષે 7500 કિલોમીટર લાંબી `ઉદ્યમ યાત્રા' યોજાઈ હતી, જેમાં ટીમ દરેક ઉદ્યમીના ઘરે પહોંચી તેમની પ્રગતિ અને પરિવર્તનનો વાસ્તવિક અભ્યાસ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ એ સાબિત કરી દીધું કે, જો યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને તક મળે તો ગામડાંઓમાં રહેલા કારીગરો માત્ર પોતાની જિંદગી જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને અર્થતંત્રમાં પણ મોટું પરિવર્તન લાવી શકે છે. દેશના પાંચ રાજ્યમાંથી પસંદ કરાયેલા 115 ગ્રામીણ ઉદ્યમીને `િબઝનેસ વેલનેસ પ્રોગ્રામ' અંતર્ગત 90 દિવસ સુધી ઉદ્યોગ સાહસિકતાની સઘન તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન સોશિયલ મીડિયા, માર્કાટિંગ, બ્રાન્ડિંગ, સ્ટોરી ટાલિંગ, ફાઇનાન્સ અને બિઝનેસ ગ્રોથ જેવા આધુનિક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. - સન્માન સમારોહ ઝાંખી : કાર્યક્રમ દરમિયાન 16 ઉદ્યમીને ગોલ્ડ એવોર્ડ, 25 ઉદ્યમીને રનર અપ એવોર્ડ અને 9 ઉદ્યમીને સીડ ફંડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કચ્છના 12 કારીગરે પોતાની પ્રતિભા અને મહેનતના બળ પર વિશેષ સ્થાન મેળવ્યું હતું.  નખત્રાણાના ધૈર્યા આઈયાને `આઉટસ્ટેન્ડિંગ એન્ટરપ્રેન્યોર, ભુજના ઓવેશ ખત્રીને `મોસ્ટ પ્રોમાસિંગ એન્ટર પ્રેન્યોર, અંજારના ઈરફાન ખત્રીને `બેસ્ટ સ્ટુડન્ટ' અને માંડવીની લક્ષ્મીબેન ચાંદેરિયાને `ફીયરલેસ એન્ટરપ્રેન્યોર'ના રનર્સ-અપ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત કેરાની ગંગાબેન માહેશ્વરી અને માંડવીના આરીફ સુમરાને `સીડ ફંડ કેશ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. - પ્રેરણાસ્ત્રોત બે મુખ્ય સન્માન : આદિપુરની મીનાબા ઝાલાને સમાજમાં સકારાત્મક પરિવર્તન અને મહિલાઓને પ્રેરિત કરવા બદલ `સોશિયલ ઇ ઈમ્પેક્ટ લીડર ગોલ્ડ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે મુંદરાની જયશ્રીબા રાઠોડને પોતાના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનવા બદલ `અપ્પો દીપો ભવ ગોલ્ડ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.  

Panchang

dd