ભુજ તા. 20 : ઓનલાઈન ઈ-ફાર્મસી દ્વારા
થતા દવાઓના ગેરકાયદેસર વેચાણ અને જન આરોગ્ય સામે ઊભા થયેલા જોખમોના વિરોધમાં ઓલ ઇન્ડિયા
ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આહ્વાન પર આજે 20 મેના યોજાયેલું 'ભારત બંધ'નું
એલાન કચ્છ જિલ્લામાં 100 ટકા સફળ
રહ્યું હતું. કચ્છ જિલ્લા કેમિસ્ટ કાઉન્સિલના નેતૃત્વ હેઠળ જિલ્લાના તમામ નાના-મોટા
અંદાજે 1500 મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે
બંધ રહ્યા હતા. કાઉન્સિલના પ્રમુખ મિતેશ ઠક્કર, મંત્રી મયુર શાહ, ખજાનજી સચિન વોરા, ઉપપ્રમુખ નીતિન ચંદન તથા જનરલ સેક્રેટરી યશિશ ડોડીયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે,
આ બંધ વેપાર બચાવવાની સાથે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે હતો. મોટી કોર્પોરેટ ઈ-ફાર્મસી
કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને દવાઓ વેચે છે, તેવા આક્ષેપો સાથે દવાઓનું માર્કેટ વધ્યું
હોવાની ફરિયાદ સહિતના મુદા ચર્ચાયા હતા. કોરોના
કાળ દરમિયાન દવાના ઓનલાઈન વેચાણ માટે સરકારે જે વિશેષ નોટિફિકેશન બહાર પાડ્યું હતું,
તેને તાત્કાલિક રદ કરવામાં આવે તેવું કાઉન્સિલ દ્વારા માંગ કરાઈ હતી. પ્રમુખ શ્રી ઠક્કરે આંદોલનને સંપૂર્ણ ટેકો આપવા
બદલ કચ્છા લોકો, ડૉક્ટર મિત્રો (આઈએમએ ભુજ) અને તમામ કેમિસ્ટ ભાઈઓનો આભાર માન્યો હતો.
બંધ દરમિયાન દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ભુજમાં તેમજ દરેક તાલુકા મથકોએ 1 થી 2 નિર્ધારિત મેડિકલ સ્ટોર્સ ઈમરજન્સી સેવા માટે આખો દિવસ ખુલ્લા
રાખવામાં આવ્યા હતા. સરકાર ઈ-ફાર્મસી સામે કડક કાયદાકીય પગલાં નહીં ભરે, તો આગામી સમયમાં
કેન્દ્રીય સંસ્થાના આદેશ મુજબ આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી કેમિસ્ટ
કાઉન્સિલે ચીમકી આપી હતી. દેશ વ્યાપી હડતાળ અંતર્ગત ગાંધીધામ આદિપુર ની સેંકડો મેડીકલ સ્ટોર આજે બંધ રહી હતી. જો કે તત્કાલ પરિસ્થિતિ વચ્ચે ગાંધીધામમાં બે સ્થળે વ્યવસ્થા
કરાઈ હતી. આજે સવારથી જ શહેરની મેડીકલ સ્ટોરના સટર બંધ રહ્યા હતાં. કોરોના કાળમાં અપાયેલી ઓનલાઈન દવાના વેંચાણના કારણે
ઓફ લાઈન મેડીકલ સ્ટોરના સંચાલકોને ભારે તકલીફ
પડી રહી હોવાથી તેના વિરોધમાં શાંતિપુર્વક
આંદોલન કરાયું હતું. તથા આદિપુરમાં એક-એક સ્ટોરમાં દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો.