રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 20 : માંડવીનો મુખ્ય પ્રવાસન પોઇન્ટ
દરિયાકાંઠો જે હજારો લોકોને રોજગાર આપી દેશ-વિદેશોમાં માંડવીની નામના વધારી રહ્યો છે.
હાલમાં વેકેશન હોતાં અહીં નિત્ય હજારો પ્રવાસી મુલાકાતે આવે છે, પણ સુવિધાઓના અભાવે
વિકાસ માગી રહ્યો છે તેવું દેખાઇ રહ્યું છે. રસ્તાઓ વચ્ચે વધતી બાવળની ઝાડીઓ, પાર્કિંગની
સમસ્યા, કચરાઓ ફેંકવા કચરાપેટી, બેસવા માટે બાંકડાઓ વગેરે સુવિધાની જરૂરત હોવાનું હોવાનું
પ્રવાસીઓ કહી રહ્યા છે. તંત્રની જાણે કોઇ નજરમાં જ આ દરિયાકાંઠો ન હોય અને માત્ર દરિયા
પૂરતું જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં અનંત દ્વારથી દરિયાકાંઠા સુધી બંને
સાઇડ બાવળની ઝાડીઓ વધી ગઇ છે અને ફૂટપાથ પણ ઢંકાઇ ગઇ છે, જેથી એક સાઇડ ગાડી પાર્કિંગ
કરાતાં પગે જતા પ્રવાસીઓ કે વોકિંગ કરતા લોકોને મુશ્કેલી થઇ રહી છે. ઘણા સમયથી અહીં
પાર્કિંગનો મુદ્દો માથાનો દુ:ખાવો બની રહ્યો છે. રસ્તાની બંને સાઇડ ગાડી પાર્કિંગમાં
રાખી દેવાતાં જો વચ્ચેથી અન્ય વાહન નીકળે અને ફસાઇ જાય તો તરત કતારો સાથે ટ્રાફિકજામ
થવા લાગે છે, જે પણ પ્રવાસીઓને મુશ્કેલી નડી રહી છે, તો બીજીતરફ અમુક સમય પહેલાં કચ્છમિત્રના
માધ્યમથી બેસવા માટે બાંકડાઓની વ્યવસ્થા કરાઇ હતી, જે પણ હવે તૂટી જતાં પ્રવાસીઓને
નાછૂટકે ભીંજાયેલા કપડાં સાથે નીચે જ બેસવું પડે છે. માંડવીનો આ મુખ્ય પ્રવાસન પોઇન્ટ
હવે વિકાસ માગે છે તેવું પર્યટકો કહી રહ્યા છે. હાલમાં નવનિયુક્ત પાલિકા પ્રમુખ વર્ષાબેન
વિનેશભાઇ જોષીની વરણી કરાઇ છે, ત્યારે આવનાર સમયમાં માંડવીના વિકાસમાં પ્રવાસનનો મુખ્ય
પોઇન્ટનો વિકાસ તેમના કાર્યકાળમાં થાય તેવું નગરજનો અને રોજી-રોટી મેળવતા લોકો ઇચ્છી
રહ્યા છે. દરમ્યાન, માંડવી દરિયાકાંઠાના મેપમાં અન્ય રસ્તો હોતાં રોજ 50થી વધુ ગાડી રહેણાક એરિયામાં પહોંચી જાય
છે. દરિયાકાંઠે પહોંચવા નવો રસ્તો મંજૂર કરાયો છે, જે લાયજા રોડ પર ગઢશીશા ફાટકથી રહેણાક
એરિયા ધવલનગર-4થી થઇને દરિયાકાંઠા સુધી પહોંચી જશે,
જે મેપમાં નાખી દેવાયો છે, પરંતુ હાલમાં સ્થળ ઉપર તેનું કામ શરૂ થયું જ નથી, જેથી જે
વાહનધારકો મેપ મારફતે આવે છે તે ધવલનગર-4 સુધી પહોંચી જાય છે, પરંતુ તે દરિયાકાંઠે પહોંચતા જ ન હોવાથી
રહેણાક એરિયામાં ફસાઇ જાય છે.