• ગુરુવાર, 21 મે, 2026

વેકેશનમાં મુબઈની ટ્રેનોમાં સરળતા, ઉત્તર ભારતની લાઈનમાં હાલાકી

ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 20 :  દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન રેલવેની ટિકિટ મેળવવા માટે લોકોને ભારે પરસેવો વહાવવો પડતો હોય છે,  પરંતુ આ વખતે કચ્છમાં રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવા માટે ઘડેલાં આયોજન અને તત્કાલ ટિકિટના નિયમમાં કરેલા ફેરફાર સહિતના કારણે આ વખતે  પ્રવાસીઓનો પ્રવાસ સરળ બન્યો છે. જો કે,  દેશની રાજધાની અને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પરિસ્થિતિ કફોડી જ છે. - દૈનિક ટ્રેનો ઉપર ભારણ વધુ હતું  : કચ્છથી મુંબઈ વચ્ચે દોડતી બે દૈનિક ટ્રેન કચ્છ  એક્સપ્રેસ  અને સયાજીનગરીમાં વેકેશન હોય કે સામાન્ય દિવસ બારેમાસ  વેઈટિંગનાં પાટિયા ઝૂલતાં હોય  છે અને વેકેશનના સમયમાં તો  વેઈટિંગનો આંકડો અનેક ઘણો ઊંચો જતો હતો. આ વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત એસી એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી, તો ત્રણેય  ટ્રેનમાં ટિકિટ મળવી મુશ્કેલીભર્યું જ બની રહેતું હતું. - વિશેષ ટ્રેનોના ફેરા વધારાયા : આ વખતે રેલવે દ્વારા વેકેશન પૂર્વે જ કચ્છ  માટે  મુંબઈની માત્ર સાપ્તાહિક જ નહી, દ્વી સાપ્તાહિક સહિતની ત્રણ વિશેષ ટ્રેન, ગાંધીધામથી  પણ  સ્પેશિયલ  ટ્રેનો દોડાવાઈ રહી છે. રેલવે દ્વારા ભુજ અને ગાંધીધામથી દોડાવવામાં આવેલી વિશેષ ટ્રેનોને સારો ટ્રાફિક મળ્યો અને બે વખત વિશેષ ટ્રેનોના ફેરાને  વિસ્તૃત કરવામાં આવ્યા. - પ્રતીક્ષાયાદી બે આંકડામાં : આ વિશેષ ટ્રેનોના કારણે કચ્છથી મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો ઉપર નજર કરીએ, તો દૈનિક કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ દર સોમવારે  સાપ્તાહિક, ભુજ-બાન્દ્રા એસી ત્રિ-સાપ્તાહિક , ગાંધીધામથી દર  ગુરુવારે  ગાંધીધામ-બાન્દ્રા વાયા પાલનપુર દોડી રહી છે. આ ઉપરાંત આ વખતે વેકેશનમાં ભુજથી ત્રણ અને ગાંધીધામથી બે સહિત કુલ પાંચ વેકેશન સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે દ્વારા કરાયેલી આ વ્યવસ્થાના કારણે આ વખતે વેકેશનમાં મુબંઈ જવા માટે પ્રવાસીઓને પડતી તકલીફ મહદઅંશે નહિવત્ જેવી રહી હોવાનું પ્રવાસી વર્ગે જણાવ્યું હતું. દર વખતે ત્રણ  આંકડામાં પ્રતીક્ષાયાદી હોય છે, પરંતુ આ વખતે જૂન મહિના સુધી મુંબઈની ટ્રેનોમાં કયાંક ડબલ કયારેક સિંગલ ડિજિટમાં તો કયાંક  આરએસી પણ ઉપલબ્ધ  હોવાની સ્થિતિ છે. - તત્કાલના નિયમમાં ફેરફારથી પણ રાહત : એક સમયે તત્કાલ ટિકિટ ખુલતાની સાથે જ વેઈટિંગ આવી જતું હતું, પરંતુ  તત્કાલ  બુકિંગમાં રેલવે દ્વારા એજન્ટ લોગીન બુકિંગ ખુલ્યાના અડધો કલાક બાદ કરાતા પ્રવાસીઓને તત્કાલ ટિકિટ પણ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. - ઉત્તરભારતની ટ્રેનોમાં હાલત કફોડી : આ પરિસ્થિતિ મુંબઈ તરફની ટ્રેનોની છે, પરંતુ કચ્છમાં ગાંધીધામ અને ભુજથી જતી રાજધાની  અને  ઉત્તરભારતની ટ્રેનોમાં તો હાલત કફોડી જ રહી છે.  ભુજથી દિલ્હીની શરૂઆતમાં એક જ  ટ્રેન હતી અને હાલ દિલ્હી સરાયરોહીલ્લા સપ્તાહમાં બે વખત  દોડી રહી છે તેમ છતાં રાજસ્થાન, દિલ્હી તરફ જતા પ્રવાસીઓને ટિકિટ મળવી મુશ્કેલ બને છે.  રેલવે દ્વારા વેઈટિંગ લિસ્ટ ઓછું કરાયું છે અને અમુક વેઈટિંગ બાદ રિગ્રેટ આવી જાય છે, જેથી ટિકિટ પણ નથી મળતી. આજની તારીખે રાજસ્થાના અનેક શહેરોની ટિકિટમાં રિગ્રેટની  પરિસ્થિતિ છે. - લાંબા અંતરની ટ્રેનોમાં મુશ્કેલી: એસી કોચ ઓછા : ભાગલપુર, હાવડા, કામખ્યામાં પણ આવી જ સ્થિતિ છે અને લોકોને ના છુટકે જનરલ કોચમાં મુશ્કેલીઓ વેઠીને લાંબા અંતરનો  પ્રવાસ  કરવો પડે છે. ગાંધીધામ-ભાગલપુર  અને ભુજ-બરેલીમાં એસી કોચની સંખ્યા ઓછી હોવાની રાવ પ્રવાસીઓ કરી રહ્યા છે.  ગાંધીધામથી ભગત કી કોઠી ટ્રેન કે જે ખાલી જઈ રહી છે, તેમાં બે સેકન્ડ એસી અને ત્રણ થર્ડ એસી છે, જ્યારે ગાંધીધામ-ભાગલપુર કે રિઝર્વેશન ખુલતાંની સાથે જ  વેઈટિંગ અને કયારેય પણ ખાલી ન જતી ટ્રેનમાં અગાઉ પાંચ એસી કોચ હતા તે ઘટાડીને ત્રણ કરી નખાયા છે. આલાહઝરત અને ગાંધીધામ-ભાગલપુરમાં વધુ એસી કોચ જોડવામાં આવે તેવી માંગ ઉત્તર ભારતના પ્રવાસીઓમાં પ્રબળ બની છે.- કચ્છથી હરિદ્વાર ટ્રેનનાં વિસ્તરણ માટે દરખાસ્ત, પણ કોઈ કાર્યવાહી નહીં : ગાંધીધામ, તા. 20 : કચ્છથી હરિદ્વારની ટ્રેન માટેની લાંબા સમયની માંગ અને દરખાસ્ત થઈ હોવા  છતાં પણ રેલવે દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. કચ્છને હરિદ્વારથી સીધી કોઈ ટ્રેન નથી. અગાઉ માત્ર અમદાવાદ અને વલસાડથી જ  બે ટ્રેન હતી, ત્યારબાદ  ભાવનગરથી પણ હરિદ્વારની ટ્રેન દોડાવાઈ રહી છે. ભુજ-દિલ્હી સરાયરોહીલ્લા ટ્રેનને ઋષિકેશ સુધી લંબાવવા માટે દરખાસ્ત પણ થયેલી છે. તેને પણ લાંબો સમય વીતી ગયો, પંરતુ લેશ માત્ર પણ આ પ્રક્રિયા આગળ વધી નથી. હાલ કચ્છની હરિદ્વાર જવા માટે પ્રવાસીઓને રાજકોટ અથવા તો અમદાવાદ, વડોદરા સુધી લાંબા થવું પડે છે.    

Panchang

dd