નખત્રાણા, તા. 2 : અહીંના પશ્ચિમ વિભાગ કચ્છ કડવા પાટીદાર સનાતન
સમાજ આયોજિત લક્ષ્મીનારાયણ મંદિર તથા યુવક મંડળ અને મહિલા મંડળ સ્થાપનાનો ચાર દિવસીય
અમૃત મહોત્સવ ઊજવાયો હતો. પ્રથમ દિવસે શોભાયાત્રા બાદનાં દ્વિતીય ચરણમાં સામાજિક સભા
યોજાઈ હતી, જેમાં પા. સનાતન કેન્દ્રીય સમાજ પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, વાંઢાય સંસ્કારધામ પ્રમુખ ગંગારામ રામાણી, પૂર્વ કેન્દ્રીયમંત્રી
પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્ય પી. એમ. જાડેજા સહિત સ્થાનિકે સમાજના
પ્રમુખ-મંત્રીઓ, બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.નરેન્દ્રભાઈ
લીંબાણીના અધ્યક્ષસ્થાને શરૂ થયેલી સભામાં 75 વર્ષની વણથંભી યાત્રાના સમાજલક્ષી સંસ્મરણો યાદ કરાયાં
હતાં. ગોપાલભાઈ ભાવાણીએ મંદિર નિર્માણમાં સહભાગી જ્ઞાતિજનોના આભાર સાથે સુખ-શાંતિ માટે
માતા-પિતાનું સન્માન,
પરિવારમાં સંસ્કારોનું નિર્માણ કરી રાષ્ટ્ર ઉન્નતિનાં કાર્યો કરવા હાકલ
કરી હતી. ગંગારામ રામાણીએ પરિવાર-સમાજને ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધ રહેવા સાથે દીકરીનું
સન્માન કરવા ઈજન આપ્યું હતું. પાતાળના પેટમાં પાટું કરી જગતના તાત તરીકે બિરુદ મેળવનાર
પાટીદાર સમાજના નિરંતર પરિશ્રમને બિરદાવતાં કેન્દ્રના પૂર્વ મંત્રી શ્રી રૂપાલાએ ધર્મને
સાથે રાખી સમાજના દીનદુ:ખિયાની સેવા કરવા ઉપરાંત કૌટુંબિક વ્યવસ્થાની વિસ્તૃત સમજ આપી
હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ વિસ્તારમાં દુષ્કાળ, અછત
વર્ષમાં દેશ-પરદેશ સ્થાયી પાટીદાર સમાજના દાતાઓ દ્વારા ગૌસેવા, જીવદયા સેવા માટે મળતાં અનુદાનને બિરદાવતાં શ્રી જાડેજાએ નખત્રાણામાં ઉચ્ચ
શિક્ષણ માટે સમાજે કરેલી સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો નરેન્દ્રભાઈ
લીંબાણી, કીર્તિભાઈ સાંખલા, મોહનભાઈ ધોળુ, કિશોરભાઈ રામાણી, ટ્રસ્ટીઓ લાલજીભાઈ રામાણી, સામજીભાઈ કેશરાણી,
રવજીભાઈ લીંબાણી, મોહનભાઈ કેશરાણી, ધરમશી કેશરાણી, રતીલાલ લીંબાણી, કિશોરભાઈ લીંબાણી, મહિલા મંડળના પ્રમુખ ઉર્મિલાબેન પારસિયાએ વ્યવસ્થા સંભાળી હતી. મહોત્સવના દાતાઓને
સન્માનવામાં આવ્યા હતા. કેન્દ્રીય સમાજના પૂર્વ પ્રમુખો રામજીભાઈ નાકરાણી, અબજીભાઈ કાનાણી, ગૌશાળાના પ્રમુખ નારાણભાઈ માનાણી સહિત
મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન ડો. બિહારીભાઈ રામજિયાણીએ
કર્યું હતું.