ગાંધીધામ, તા. 2 : આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને
તર્કસંગત દૃષ્ટિકોણનું મહત્ત્વ વધી રહ્યું હોવા છતાંય સમાજના કેટલાક વર્ગમાં અંધશ્રદ્ધા હજુ
પણ જડમૂળથી વસેલી જોવા મળે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીએવી પબ્લિક સ્કૂલ
દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે જન વિજ્ઞાન જાથા સાથે અંધશ્રદ્ધામુક્ત જાગૃતિ
કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જન વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ કાર્યક્રમ દરમ્યાન
અંધશ્રદ્ધાનાં દૂષણો,
તેના કારણે થતાં સામાજિક નુકસાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાની આવશ્યક્તા
વિશે સરળ ભાષામાં સમજ આપી હતી. પ્રયોગો, જીવંત ઉદાહરણ અને નાટય
રૂપાંતરણ દ્વારા તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે, અંધશ્રદ્ધા
માણસનાં જીવનમાં ભય, ભ્રમ અને ખોટી માન્યતા ઊભી કરે છે અને વિકાસમાં અવરોધરૂપ બને છે. તેમણે વિદ્યાર્થીઓને
અંધશ્રદ્ધા નહીં વૈજ્ઞાનિક વિચાર અપનાવવાનો સશક્ત સંદેશ આ કાર્યક્રમ દરમ્યાન આપ્યો
હતો. યુવાનોમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને જવાબાદર નાગરિકત્વના
ગુણો વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેથી
તેઓ સમાજમાં તર્કસંગત અને જાગૃત વિચારધારા
ફેલાવી શકે. કાર્યક્રમમાં શાળાના ચેરમેન શ્રી ગુરુદત્ત, એમ.ડી.
વાચોનિધિ આર્ય, સી.ઈ.ઓ. હેતલ પરમાર, આચાર્ય દિગંત ધોળકિયા તેમજ શિક્ષકો
અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર
દ્વારા મહેમાનોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ જ્ઞાનવર્ધક
અને પ્રેરણાત્મક રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગ માત્ર જાગૃતિ પૂરતો મર્યાદિત
ન રહી જ્ઞાન, સત્ય અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફનું મહત્ત્વનું
પગલું સાબિત થયો હતો.