ભુજ, તા. 2 : કચ્છમાં શ્વેતક્રાંતિને નવી ઊંચાઈએ પહોંચાડવા
તથા પશુપાલન ક્ષેત્રે આધુનિક વિજ્ઞાનના વ્યાપક ઉપયોગ માટે પ્રતિબદ્ધ કામધેનુ યુનિવર્સિટી
હસ્તકની વેટરનરી કોલેજ,
ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે મુલાકાત લીધી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના
પ્રિન્સિપાલ ડો. એચ. બી. પટેલે સંસ્થાની દૃષ્ટિ અને પશુપાલન શિક્ષણનાં મહત્ત્વ અંગે
વિગતો રજૂ કરી હતી, ત્યારબાદ વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સના
સુપરિન્ટેન્ડેન્ટ ડો. કે. કે. હડિયા દ્વારા પશુઓની જાતસુધારણા માટે અગત્યની `એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી' વિષય પર માર્ગદર્શન આપ્યું
હતું. જિલ્લા વિકાસ અધિકારીએ કોલેજના વિવિધ વિભાગો તેમજ પશુ સારવાર સંકુલની મુલાકાત
લઈ કાર્યપ્રણાલી અંગે માહિતી મેળવી હતી. આ અવસરે પશુપાલન વિભાગ, કચ્છના ડેપ્યુટી ડિરેક્ટર ડો. આર. ડી. પટેલે પશુપાલકોના આર્થિક સશક્તિકરણ અને
પાયાની જરૂરિયાતો પર વિચારો રજૂ કર્યા હતા. શ્રી ગૌતમે કચ્છમાં પશુપાલન ક્ષેત્રના વિકાસ
માટેનું વિઝન રજૂ કરી કોલેજના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સહાયની ખાતરી આપી હતી.