• શનિવાર, 11 એપ્રિલ, 2026

આ વખતની ચૂંટણીમાં ઉમેદવારો માટે સોશિયલ મીડિયા સબળ માધ્યમ

ભુજ, તા. 10 : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરતાંની સાથે હવે પ્રચાર ઝુંબેશ વેગ પડવાનો છે. સોશિયલ મીડિયાના કારણે આગોતરો પ્રચાર પણ શરૂ કરી દેવાયો છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં પક્ષના પ્રતીક સાથે એવી રીતે પ્રચાર શરૂ કરી દેવાયો છે કે ફોટા પોતાના અને લખાણમાં મત તો અમારા પક્ષને જ આપો તેવી અપીલ કરી રહ્યા છે. આમ પણ હવેની નાની-મોટી ચૂંટણી સાયબર સેલની ચાણક્ય નીતિ સાથે લડાતી રહી છે, ત્યારે તમામ પક્ષના નાના મોટા હોદ્દેદારો ફેસબુક જેવા પ્લેટફોર્મ પર પોતાના પર્સનલ પેજ પર ફોલોઅર્સ સાથે વિચારો વગર ચૂંટણીએ પણ વ્યક્ત કરતા હોય છે, ત્યારે આ ચૂંટણીમાં આવા નાના-મોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ  સક્રિય બની ગયા છે.  વળી આ પ્રચાર ઝુંબેશ પણ સરળ અને મફત હોવાથી કાર્યકરોને તે ફાવી ગઈ છે, એક સાથે સેંકડો લોકોનો સંપર્ક પળવારમાં શક્ય બને છે. તેમાંયે હોદ્દેદારનું અંગત એકાઉન્ટ હોવાથી કોઈ વિરોધી જાહેરમાં ટ્રોલ કરવાનું મોટેભાગે ટાળે પણ ખરા. આ તેનો લાભ પણ છે. સુધરાઈની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ આ વખતે અસરકારક રીતે થતો જોવા  મળ્યો છે.  ઉમેદવારો જાહેર થવા પહેલાં જ માહોલ જમાવવા આ પ્લેટફોર્મનો અત્યારે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક હોદ્દેદારો આકર્ષક રીલ બનાવીને તેમાં પક્ષ માટે બનાવાયેલા ગીત પણ મૂકી રહ્યા છે. આવા અમુક પબ્લિક પેજનો મારો સોશિયલ મીડિયા ગજાવે તેવી સંભાવનાને નકારાતી નથી. નજીકના ભૂતકાળમાં પક્ષના બેનર અને લાઉડ સ્પીકર સાથે ફરતી રિક્ષા અનેકને યાદ હશે, પણ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં હવે પ્રચાર પણ હથેળીમાં હાથવગો બન્યો છે. અગામી દિવસોમાં રાજનેતાઓની જાહેર સભાના દૃશ્યો પણ દોહ્યલા બને તેવી શક્યતાને નકારાતી નથી.  

Panchang

dd