કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 10 : સરહદી કચ્છ જિલ્લો તેના પેટાળમાં
તેમજ ખૂણે-ખૂણે કરોડો વર્ષની હડપ્પન સંસ્કૃતિ સમાવી બેઠો છે. ધોળાવીરા, કુરન
ઉપરાંત સરહદના સંત્રી એવા કાળા ડુંગરની તળેટી પણ પુરાતત્ત્વવિદો માટે મહત્ત્વનું સ્થળ
છે, ત્યારે તાજેતરમાં જ આ સ્થળના પ્રવાસ દરમ્યાન અહીંથી નીકળતા
પાણીનાં વહેણમાં અકલ્પનીય અને રોચક દૃશ્ય જોવા મળ્યું. આ વહેણમાં મોટી-મોટી શિલાઓ પર
કરોડો વર્ષ દરમ્યાન કાળની થપાટો ખાઈ પથ્થર બની ગયેલી મોટી સંખ્યામાં અલગ-અલગ પ્રકારની
માછલીઓના અશ્મિઓ જોવા મળ્યા. એક સમયે સજાનો જિલ્લો લેખાતો કચ્છ આજે વિશ્વ માટે મજાના
જિલ્લા તરીકે ખ્યાતિ પામ્યો છે. ડુંગર, રણ અને દરિયાના ખોળે રમતા
કચ્છની ધરતી જેટલી ઉપરથી ઉપજાઉ છે તેમ તેના પેટાળમાં પણ લાખો-કરોડો વર્ષની સંસ્કૃતિ સમાયેલી છે. થોડાં વર્ષો પહેલાં જ ધોળાવીરા ખાતે
એક આખેઆખું હડપ્પીય નગર મળી આવ્યું, તો માત્ર ફિલ્મમાં નિહાળી
કલ્પના કરી હતી તેવા ડાયનાસોરના અવશેષો પણ કચ્છની ધરામાંથી મળી આવ્યા હતા. વર્ષ 2004માં ઉત્ખનન દરમ્યાન કુરન, કોટડી, જૂની કુરન અને
કાળા ડુંગરની વચ્ચેના ભાગમાંથી વિલુપ્ત ધરોહર મળી આવી હતી. એ સમયે શરૂ થયેલા સરસ્વતી
હેરિટેજ પ્રોજેક્ટના પ્રારંભે જ કાળા ડુંગરથી રણમાં જતી નદી પર આયોજનબદ્ધ વસેલી સંસ્કૃતિના
ચિહ્નો મળી આવ્યાં હતાં, જેમાં હડપ્પન યુગના માટીનાં વાસણો,
ગટરની પાકી નહેર, ત્રણ પ્રકારના કિલ્લાઓથી રક્ષિત
વસાહતો મળી આવતાં પુરાતત્ત્વવિદોના આનંદનો પાર નહોતો રહ્યો અને આ સંસ્કૃતિએ કચ્છને
વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. મૂળ મુદ્દા પર પરત ફરીએ તો કાળા ડુંગરથી ઊતરતાં વરસાદી પાણીનાં
વહેણ પણ કરોડો વર્ષો પહેલાંની કુદરતી ઊથલ-પાથલની સાક્ષી પૂરી રહ્યું છે. અહીં મોટી
પથ્થરની શિલાઓ પર જીવાશ્મિઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, પહેલાં અહીં
દરિયો હતો. પ્લેટ ટેક્ટોનિક્સને કારણે દરિયાનો તળ ઉપર આવી જતાં આ વિસ્તાર મોટી શિલાઓમાં
પરિવર્તિત થઈ ગયો હોવાનું અનુમાન છે. આ પ્રક્રિયા અંતર્ગત દરિયાના મલબામાંથી બનેલી
શિલાઓ માછલીઓના જીવાશ્મિઓને સંરક્ષિત રાખે છે.
પ્રાપ્ત વિગતો મુજબ લાખો વર્ષોના ભારી દબાવને કારણે માછલી સહિતના જીવોના નરમ
ભાગ નષ્ટ થઈ જાય છે અને ખનિજના પાણીના પ્રવાહથી હાડકાં કે, અવશેષોની
જગ્યા ખનિજમાં પરિવર્તિત થઈ જાય છે અને તે પથ્થર બની જાય છે, તેવી માહિતી પણ જાણકારો પાસેથી પ્રાપ્ત થઈ હતી. શિલામાં કાયમ માટે કેદ થઈ ગયેલી
અમુક માછલીઓના હાડકાંના ભાગ પણ નજરે પડતા હતા. અહીંનાં દૃશ્ય જોતાં પથ્થર પર જાણે કોઈ
કલાકારે માછલીઓના ચિત્ર ઉપસાવ્યાં હોય તેવી પ્રતીતિ થયા વિના ન રહે. જો કે,
હજુ આ સ્થળ કદાચ લોકોની નજરે ન આવતાં માછલીઓની છાપ અકબંધ પડી છે. - કચ્છના ખૂણે-ખૂણે
હડપ્પીય સંસ્કૃતિ ધરબાયેલી છે, પણ શોધનાર નથી : આ બાબતે પુરાતત્ત્વવિદ એચ.એચ. ભૂડિયાનો
સંપર્ક કરતાં તેમણે માછલીઓના અશ્મિઓ હોવાની પુષ્ટિ આપી હતી. તેમણે જણાવ્યું કે, તેમના પાસે પણ વર્ષ 2006નો રેકર્ડ છે, જેમાં કાળા ડુંગર વિસ્તારમાં માછલીના અશ્મિઓ
મોજૂદ છે. શ્રી ભૂડિયાએ વધુમાં ઉમેર્યું કે, કાળો ડુંગર,
ભાંજડો ડુંગર અંદાજે 19-20 કરોડ વર્ષ જૂના હોવાનું અનુમાન છે. તેમણે પણ ભૂતકાળમાં ઉપરોક્ત
વિસ્તારોમાં સંશોધન કર્યું હતું અને એ દરમ્યાન માછલીઓના ફોસિલ્સ ઉપરાંત દુર્લભ વનસ્પતિઓના
ફોસિલ્સ પણ કાઢયા હતા. જો કે, તેમણે
અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, કરોડો વર્ષની સંસ્કૃતિ કચ્છની
ધરામાં ધરબાયેલી છે, પણ તેને શોધનારા મૂળ કચ્છના કોઈ પુરાતત્ત્વવિદ
નથી, જ્યારે કોઈ અવશેષ મળે ત્યારે બહાથી સંશોધકો બોલાવાય છે.