• શનિવાર, 11 એપ્રિલ, 2026

આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : ઉમેદવારોનો રાફડો ફાટશે

ભુજ, તા. 10 : 26મી એપ્રિલે કચ્છની એક મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકા, જિ. પંચાયતની 38 અને 9 તાલુકા પંચાયતની 448 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના શનિવારના અંતિમ દિવસે ઉમેદવારીપત્રક ભરવા માટે ભારે ધસારો જોવા મળશે. ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના છઠ્ઠા દિવસે 110 ફોર્મ ભરાતાં જિલ્લામાં અત્યાર સુધી કુલ નોંધાયેલાં ફોર્મનો આંકડો 141 પર પહોંચ્યો છે. 1072 ફોર્મ વિતરિત થયાં હોવાના લીધે આ વખતે પણ કચ્છમાં ઉમેદવારોનો આંક ઊંચો રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. દરમ્યાન, ભાજપે પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરતાં લાંબા સમયથી જોવા મળતી અટકળોનો અંત આવ્યો છે. ભાજપે જિ. પંચાયતની 38 બેઠક પૈકી 36 બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે ત્યારે રોટેશનમાં આવેલા બદલાવનાં કારણે જિ. પંચાયતના તમામ સભ્યો માજી બની જશે તેવા શીર્ષક તળે કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ સાચો ઠર્યો હોય તેમ તમામ ઉમેદવાર તરીકે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભુજ નગરપાલિકાના બે અને તાલુકા પંચાયતની ઝુરા બેઠકના ઉમેદવારની જાહેરાત પણ બાકી છે. કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઇ યાદી જાહેર કરાઇ નથી. પક્ષ પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું કે, હજુ યાદી સત્તાવાર રીતે આપવામાં થોડો સમય લાગશે. જો કે, કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભરી નાખ્યાં હતાં. જો કે, કોંગ્રેસે આ બાબતે કોઇ સ્પષ્ટ ફોડ પાડયો નહોતો. લખપત તાલુકામાં કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની 16 બેઠક અને જિ.પં.ની બે બેઠક પર ઉમેદવારો તેમજ ડમી ઉમેદવારોએ નામાંકન ભર્યું હતું. બીટિયારી, આશાલડી, સાનધ્રે વિગેરે જત સમાજની વસ્તી વધુ છે ત્યાં  બેઠક સામાન્ય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા જિ.પં. બેઠક દયાપર ખાતે માતાના મઢના મહિલા ઉમેદવાર જ્યારે પાનધ્રો ખાતે ક્ષત્રિય સમાજને તક અપાઇ છે. દયાપર તા.પં. સદસ્ય તરીકે અગાઉ તા.પં.ના પૂર્વ પ્રમુખના જેઠાણીએ દાવેદારી નોંધાવી છે. ગત વર્ષે ભાજપમાં બેઠક જીતનારા ઉમેદવારે મીંઢિયારી બેઠક પર દાવેદારી નોંધાવી કાર્યાલય પણ ચાલુ કરી નાખ્યું છે.  - `આપ' દ્વારા પણ ઉમેદવારો ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવશે. : નેત્રા બેઠક પર નેહાબેન અશ્વિન રૂપારેલ દ્વારા ફોર્મ રજૂ કરાયું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ આહીર, પ્રભારી પી. સી. ગઢવી, વિપક્ષી નેતા કેતન પાંચાણી, ઉપનેતા ઓસમાન, દંડક લખમીર રબારી સહિત તાલુકા-જિલ્લાના કોંગ્રેસ પરિવારજનોએ હાજરી આપી હતી. તાલુકા પંચાયત ઘડાણી અ. જાતિ ત્રી મનીષાબેન મોહનલાલ સીજુ, રવાપર સામાન્ય અશ્વિન વિશનજી રૂપારેલ, નેત્રા શા.શૈ. પછાત પુરુષ ઓસમાન હાજીખાન સુમરા, રસલિયા સામાન્ય જિતેન્દ્રસિંહ લાખુભા જાડેજા અને મથલ શા.શૈ. પછાત પુરુષ જુસબહુસેન હજામ દ્વારા ફોર્મ રજૂ કરાયાં હતાં. - છઠ્ઠા દિવસે 110 ફોર્મ ભરાયાં : 427 ઊપડયાં : ઉમેદવારી ફોર્મ ભરવાના છઠ્ઠા દિવસે ગાંધીધામ મહાનગરપાલિકા માટે 15, ભુજ સુધરાઇ માટે 20, અંજાર નગરપાલિકા માટે 5, માંડવી સુધરાઇ માટે 3, મુંદરા-બારોઇ માટે 24 મળી 52 ફોર્મ ભરાયાં છે. જિ. પંચાયત માટે 31, તા. પંચાયતોમાં ભુજ માટે 21, માંડવીમાં 23, મુંદરા 21, અબડાસામાં 13, નખત્રાણામાં 12, લખપતમાં 33, અંજારમાં 1, ભચાઉમાં 12 અને રાપરમાં 14 મળી 110 ફોર્મ ભરાયાં છે, 427 ફોર્મનો ઉપાડ થયો છે. 

Panchang

dd