ભુજ, તા. 25 : આગામી
સપ્તાહે કચ્છ પર તોળાતા વધુ એક માવઠાંનાં સંકટ વચ્ચે આજે બપોરે એકાએક વાતાવરણમાં
પલટો આવતાં ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ
પડતાં કૌતૂક ફેલાયું હતું. માવઠાંનાં કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા ફેલાઇ
છે. હવામાન વિભાગે 29 અને 30 માર્ચે કેટલાક વિસ્તારમાં ગાજવીજ
સાથે માવઠું વરસે તેવી આગાહી કરી છે. જિલ્લા મથક ભુજમાં 37 ડિગ્રી
તાપમાને બપોર સુધી આકરો તાપ અનુભવાયો હતો. ચાર વાગ્યાના અરસામાં આકાશ વાદળોથી
ઘેરાયું હતું અને ધૂળની ડમરી ઉડાવતો પવન ફૂંકાયો હતો. શહેરના પરા સમાન માધાપરમાં
ગાજવીજ અને કરા સાથે વરસાદ પડતાં શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. કોટડા (ચ.)ના
અહેવાલ અનુસાર ભુજ-ભચાઉ હાઈવે પરના અજરખપુર,
પદ્ધર, કાળી તળાવડી સહિત આસપાસના ગામોમાં 4 વાગ્યાના
સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર પવન, ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં કરા સાથે
કમોસમી વરસાદ પડયો હતો. ગાજવીજ વરસાદની સાથે નાના કદના કરા પણ પડ્યા હતા. વરસાદ
દરમિયાન કેટલાક ગામોમાં અને વિસ્તારમાં રસ્તા પરથી પાણી વહી નીકળ્યાં હતાં.
પદ્ધરના રમેશભાઈ ખુંગલાએ જણાવ્યું હતું કે, અચાનક જોરદાર પવન
સાથે વરસાદ શરૂ થયો હતો અને થોડા સમય માટે કરા પણ પડ્યા હતા. હાલમાં રવી પાકની
કાપણીનો સમય ચાલી રહ્યો છે. અમુક જગ્યાએ કાપણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે અમુક વિસ્તારોમાં કાપણી હજુ બાકી છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદ
અને કરા પડવાથી બાકી રહેલા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વિસ્તારમાં કેરીના બગીચાઓમાં પણ આ માવઠાંના કારણે નુકસાન થવાની ભીતિ વ્યક્ત
કરવામાં આવી છે. ગામડાંઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલો સૂકો ચારો પણ ભીનો થતાં
પશુપાલકોને નુકસાન થયું હતું. કુકમા-શેખપીર વચ્ચે પણ કરા સાથે કમોસમી વરસાદ
પડયાયના અહેવાલ મળ્યા છે. આ તરફ અંજાર તાલુકાના ખોખરા, આંબાપર,
લાખાપર સહિતના ગામોમાં પવન-કરા સાથે કમોસમી વરસાદે પોતાની હાજરી
પૂરાવી હતી. સતાપરમાં મેઘધનુષ જોવા મળતાં આશ્ચર્ય ફેલાયું હતું. જો કે, જિલ્લાના અન્ય વિસ્તારમાં કમોસમી વરસાદની કોઇ ગતિવિધિ જોવા મળી નહોતી.
હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર લોકલ સિસ્ટમના કારણે વાતાવરણમાં અચાનક આ પલટો જોવા
મળ્યો હતો. માકપટ વિસ્તારમાં વહેલી સવારે છાંટા પડયા બાદ દિવસે ધાબડિયું વાતાવરણ
જોવા મળ્યું હતું. `ચઇતર ડોળો ત... મીં બોરો'ની ઉક્તિ મુજબ ચૈત્ર
માસમાં સર્જાયેલા આ રીતના વાતાવરણથી આગામી ચોમાસામાં શ્રીકારથી અતિવૃષ્ટિ વરસાદ થવાના
એંધાણ જોવા મળ્યા હતા. મહત્તમ પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાતાં તાપની અનુભૂતિ થઇ
હતી. ભુજમાં 37, કંડલા (એ.) ક્ષેત્રમાં 36.4, કંડલા
પોર્ટમાં 35.3 અને નલિયામાં 34.2 ડિગ્રી
તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે 29 અને 30 માર્ચ
એટલે કે રવિ અને સોમવારે જિલ્લાના કેટલાક વિસ્તારમસાં ગાજવીજ-પવન સાથે કમોસમી
વરસાદ વરસવાની આગાહી કરી છે. કુકમામાં બપોરે પવનની ઝડપ વધી હતી. સાથે મેઘગર્જના
શરૂ થઇ હતી. થોડીવારમાં છાંટા પડવાની શરૂઆત થઇ હતી. ધંધાર્થીઓ પોતાના સરસામાન
સંભાળવાની જહેમતમાં લાગ્યા હતા. જો કે થોડીવાર છાંટા પડયા બાદ તડકો નીકળ્યો હતો.