• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ગળપાદર-મુંદરા માર્ગને 1917 કરોડના ખર્ચે છ માર્ગીય બનાવાશે

ગાંધીધામ, તા. 26 : કચ્છ ઈકોનોમિક ઝોનના વિકાસની 2047ની પરિયોજના તથા ભાવિપ્રકલ્પોને કેન્દ્રમાં રાખીને ઈન્ફાસ્ટ્રક્ચરના વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે, ત્યારે મુંદરા મહાબંદરને જોડતા ગળપાદર -મુંદરા ધોરીમાર્ગને અંદાજિત 1917.28 કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટેન્ડર સહિતની  ગતિવિધિ હાથ ધરાઈ  છે. મહાબંદર મુંદરા તથા પ્રવાસન સ્થળ માંડવીને જોડવા માટેના મહત્ત્વપૂર્ણ ગળપાદર-મુંદરા ચાર માર્ગીયમાંથી છ માર્ગીય બનાવવા માટે વર્ષ 2023 થી  હિલચાલ આરંભાઈ હતી. જે-તે સમયે પ્રોજેક્ટ ડિટેલ રિપોર્ટ તૈયાર વિગેરે કામગીરી હાથ ધરાઈ હતી. હાલમાં આ પ્રકલ્પને સાર્થક કરવા માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ હતી.જાણકાર સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કંડલા-મુંદરા પોર્ટને જોડતા 71 કિલોમીટરના છ માર્ગીયને નિર્માણ પામતાં બે વર્ષનો સમય લાગશે. આ યોજના તળે ગળપાદરથી પ્રાગપર સુધીના માર્ગને છ માર્ગીય તથા પ્રાગપર જંક્શનથી મોટી ખાખર સુધીના માર્ગને ચાર માર્ગીય બનાવશે.આ પરિયોજના તળે પાંચ વ્હીકલ અંડરપાસ, 12 અંડરપાસનું રિપેરિંગ કરાશે તેમજ અકસ્માત નિવારવા માટે ચાર લાઈટ વ્હીકલ અંડરપાસ બનાવશે.આ ઉપરાંત બે મોટા બ્રિજ બાંધવામાં આવશે અને ચાર બ્રિજનું સમારકામ સાથે મજબૂતીકરણ કરાશે તેમજ 14 નાના બ્રિજ બનાવવામાં આવશે. સાત  નવા બોક્સ કલ્વર્ટ  અને 10 બોક્સ કલ્વર્ટનું સમારકામ સાથે વાઈડનિંગ કરાશે અને 12 કલ્વર્ટનું મજબૂતીકરણ થશે. આ ઉપરાંત 47 પાઈપ બોક્સ કલ્વર્ટનું વાઈડનિંગ સાથે સમારકામ, 69 પાઈપ કલ્વર્ટના  સમારકામ સાથે મજબૂતીકરણ  કરાશે. આ પ્રકલ્પમાં  ડીપીઆર મુજબની જુદા-જુદાની સુવિધાઓ સહિતની કામગીરી હાથ ધરાશે. આ પ્રકલ્પની મહત્ત્વની બાબતે એ છે કે, આ ચાર માર્ગીય રસ્તાના નિર્માણ વખતે જ ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખીને   આ માર્ગને છ માર્ગીય બનાવવાના આયોજન સાથે અગાઉથી જમીન સંપાદન કરવામાં આવી છે, જેના કારણે જમીન સંપાદનની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ  મળશે. આ કામ ઝડપભેર પૂર્ણ થશે. એપ્રિલ મહિના સુધી આ કામની ટેન્ડરપ્રક્રિયા ચાલશે. ત્યારબાદ કામ શરૂ થવાની સંજોગો ઊજળા  બનશે. મોખા ટોલનાકા પાસે આધુનિક ટોલ વસૂલીકરણ કેન્દ્ર બનાવશે, જેમાં બંને બાજુએ સાત-સાત લેન હશે. અહીં આધુનિક હાઈબ્રિડ ઈ.ટી.સી. લેન્ડ  બનાવવામાં આવશે. નોંધપાત્ર છે કે, ભૂતકાળના સમયમાં આ માર્ગ નિર્માણની પ્રક્રિયા અનેક ઉતાર-ચડાવમાંથી પસાર થઈ  હતી. ગળપાદર  અને મુંદરા પાસે વધતા જતા અકસ્માતોને કારણે લોકોએ  નોંધપાત્ર વિરોધ કર્યા હતા. થોડા સમય અગાઉ ગાંધીધામ ચેમ્બર અને જુદા-જુદા પરિવહન સંગઠનોએ રસ્તાની ખસ્તા હાલતથી ત્રસ્ત બની સામખિયાળી પાસે આંદોલન કર્યું હતું, જેના કારણે બંદરની ગતિવિધિ પર અસર પડી હતી. 71 કિલોમીટરમાં નિર્મિત આ માર્ગ ઉપર ટ્રાફિકની સ્થિતિ બાબતો ચકાસવા માટે થોડા-થોડા અંતરે કેમેરા મૂકવામાં આવશે. કન્ટ્રોલરૂમમાંથી આખા માર્ગની સ્થિતિની સમીક્ષા કરી શકાશે, તેવું ઓથોરિટીના જાણકારોએ જણાવ્યું હતું. 

Panchang

dd