ભુજ, તા. 26 : ગુરુવારે કચ્છ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં
પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ
દિને 23347 જેટલા વિદ્યાર્થીએ પરીક્ષા
આપી હતી, આ તકે છાત્રોને મહેનતના દીપથી જ સફળતા પ્રાપ્તિ
મળતી હોવાનો ગુરુમંત્ર અપાયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગાંધીનગર દ્વારા આજે ધોરણ 10 માં પ્રથમ ભાષાના પ્રશ્નપત્રો ગુજરાતી, હિન્દી, ઉર્દૂ,
સિંધી, અંગ્રેજીની પરીક્ષા યોજાઇ હતી. ભુજની માતૃછાયા
કન્યા વિદ્યાલય તેમજ આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ભુજ ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે
વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી રૂડો આવકાર આપ્યો હતો, તો જિલ્લા
શિક્ષણ અધિકારી સંજય પરમારે પૂર્વ કચ્છના ગાંધીધામની માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે છાત્રોને
આવકાર્યા હતા. આ ઉપરાંત શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીએ પણ માતૃછાયા, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ અને આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને
આવકાર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ મુસ્લિમ એજ્યુકેશન હાઇસ્કૂલ-ભુજ, મોડેલ સ્કૂલ માધાપર, સરકારી હાઇસ્કૂલ રતનાલની મુલાકાત
લીધી હતી. આજની ગુજરાતીની પરીક્ષાના પેપરમાં 19161, હિન્દીમાં 481, અંગ્રેજીમાં 3662, ઉર્દૂમાં 1 અને સંસ્કૃત પ્રથમા સાહિત્યમ્ તમામ 42 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારીએ પૂર્વ કચ્છમાં સરકારી હાઇસ્કૂલ ગણેશનગર અને માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ
ખાતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા તેમજ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ આદિપુર અને ડી.વી. હાઇસ્કૂલ
અંજારની મુલાકાત લીધી હતી. કે.કે.એમ.એસ. હાઇસ્કૂલ અંજાર કેન્દ્ર ખાતે નવાગામ હાઈસ્કૂલની
વિદ્યાર્થિની તબિયત બગડતાં સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ કચેરીનાં સરકારી વાહનથી
રેફરલ હોસ્પિટલ પહોંચાડી હતી અને સારવાર થયા
બાદ પુન: પરીક્ષા અપાવી હતી અને વધારાની 30 મિનિટની સહાનુભૂતિપૂર્વક જોગવાઈ પણ કરવામાં આવી હતી. એકંદરે
શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ ગેરરીતિ કેસ વિના આજની પરીક્ષા સંપન્ન થઈ હતી. - ભાષાના સરળ પેપરે છાત્રો ખુશ
: પરીક્ષાના પ્રથમ દિને ગુજરાતીનું પેપર સરળ
હોવાથી છાત્રોમાં ખુશી જોવા મળી હતી, સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ હોય છે, પરંતુ
આજનું પેપર સરળ નીકળતાં છાત્રોમાં ખુશી છવાઈ હતી. - કચ્છમાં વિવિધ સંસ્થાઓએ દ્યાર્થીઓને
મોઢું મીઠું કરાવ્યું : ગુરુવારે શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના પ્રારંભે
કચ્છમાં વિવિધ સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવ્યું હતું. - રાપરમાં એસ.ટી. તંત્રે બસ ફાળવી
: ગુરુવારે શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં
વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે રાપર એસ.ટી. ડેપોએ 12મા ધોરણના છાત્રો માટે આડેસરથી એકસ્ટ્રા
બસ ફાળવી હતી. - પાણી-છાંયડાની વ્યવસ્થા જરૂરી
: આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે કેટલીક જગ્યાએ હોલ ટિકિટના ચેકિંગ અર્થે
તાપમાં ઊભેલા છાત્રો અકળાયા હતા, તેથી શાળાઓમાં પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવી જરૂરી હોવાનો સૂર
વાલીઓએ વ્યક્ત કર્યો હતો. - હોલ ટિકિટ ચેકિંગમાં વધુ સ્ટાફ મૂકો : કેટલીક જગ્યાએ
ખાનગી શાળાઓમાં ચેકિંગ સ્ટાફ અપૂરતો હોવાથી છાત્રોને છેક બહાર સુધી લાઈનમાં ઊભવું પડયું
હોવાની વ્યાપક ફરિયાદો વાલીઓએ કરી હતી.