• સોમવાર, 16 જૂન, 2025

માંડવી સુધરાઇ જન્મ પ્રમાણપત્ર આપવામાં નિયમનો ભંગ કરતી હોવાનો આક્ષેપ

કાઠડા (તા. માંડવી), તા. 14 : માંડવી મધ્યે જન્મ પ્રમાણપત્રમાં માતા-પિતાનાં નામમાં સામાન્ય સુધારા-વધારા પણ ઉર્ફ શબ્દ લગાવી બે નામ સાથે જ પ્રમાણપત્ર અપાય છે. જેના લીધે આધારકાર્ડમાં સુધારો કરાવવા કે અન્ય જરૂરી આધાર-પુરાવામાં ઉર્ફ શબ્દથી મુશ્કેલી ઊભી થઇ રહી છે. ભારતીય પાસપોર્ટ મેળવવો હોય, તો જન્મ દાખલામાં ઉર્ફ શબ્દ સ્વીકારાતો જ નથી, જેથી અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં જરૂરી આધાર-પુરાવા ચકાસીને સુધારો કરી દેવાય છે તેવું જાણવા મળ્યું છે, પરંતુ માંડવીમાં જ આ જડ વલણ અપનાવીને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. માંડવી પાલિકાના મુખ્ય અધિકારી જિજ્ઞેશ બારોટને પૂછતાં તેમણે જણાવ્યું કે, પરિપત્ર મુજબ કામ કરાય છે. જાણકાર લોકોના મતે પરિપત્રનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, અરજદારને ઉર્ફ શબ્દ અસ્વીકાર્ય હોય તો આધાર-પુરાવા મુજબ જ નામ લખવું અને બે નામનો ઉલ્લેખ રજિસ્ટરમાં કરી શકાય, પરંતુ તંત્ર દ્વારા ખોટું અર્થઘટન કરીને અરજદારોને પ્રમાણપત્ર અપાય છે. નગરપાલિકાના પદાધિકારી હરેશભાઇ વિંઝોડા તથા વિશાલભાઇ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, લોકોની મુશ્કેલી તે અમારી મુશ્કેલી છે અને ઉર્ફ શબ્દથી પાસપોર્ટ, આધારકાર્ડ, બેંક તથા શાળાઓમાં પણ મુશ્કેલી થઇ રહી છે અને આ અંગે વહેલીતકે નિરાકરણ લાવવા પ્રયત્ન કરીએ છીએ. અન્ય તાલુકાઓમાં ઉર્ફ શબ્દ વિના પ્રમાણપત્ર અપાય છે એવા પુરાવા મળ્યા છે, ત્યારે માંડવીમાં પણ એ જ રીત અપનાવાય તે જરૂરી છે. જન્મ-મરણ વિભાગની કામગીરી સંભાળતા ચેતનાબેન શાહનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, ઉર્ફ શબ્દના અનેક દાખલા અપાયા છે અને અનેક અરજીઓ બાકી પડી છે તથા આવા પ્રશ્નોથી ઓફિસમાં લોકો બળાપો કાઢે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd