• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ગાંધીધામમાં રોડના ખાડામાં ભરાયેલાં પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ

ગાંધીધામ, તા. 26 : જોડિયા શહેરમાં વરસાદને કારણે મોટાભાગના રોડનું ધોવાણ થયું છે. અનેક સ્થળોએ મોટા ખાડા પડી ગયા છે. ત્યારે પાણીનો નિકાલ ન થતાં તેમાં મચ્છર, માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે ગંભીર રોગચાળો ફેલાવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ગાંધીધામ, આદિપુરમાં મેઘો મહેરબાન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, પરંતુ વરસાદ બાદ સંકુલમાં સમસ્યાઓની હારમાળા સર્જાઈ છે. દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવે છે. તેમ છતાં સામાન્ય વરસાદમાં મોટાભાગના માર્ગોનું ધોવાણ થયું છે. અનેક સ્થળોએ મસ મોટા ખાડા પડી ગયા છે. જેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. આ જળનો નિકાલ ન કરાતા તેમાં મચ્છર, માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે. તેમ છતાં જંતુનાશક દવા અને બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં નગરપાલિકાના જવાબદારોમાં આળસ જોવા મળી રહી છે. ગુજરાત બાદ કચ્છ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસે દેખા દેતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયો છે. તો વળી મચ્છરજન્ય રોગો, કોલેરાના ફેલાવાથી શીખ લઈને યોગ્ય તૈયારી કરવાના બદલે સત્તાધિશો આંખ આડા કાન કરતા હોવાનો ગણગણાટ ઊઠી રહ્યો છે. મહા-નગરપાલિકાની જાહેરાત થતા વર્તમાન બોડી ગમે ત્યારે બરખાસ્ત થવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ તે પહેલાં નગરસેવકો પોતાના કામ કઢાવવામાં વ્યસ્ત બની ગયાની ચર્ચા લોકમુખે ઊઠી રહી છે. ત્યારે આ બાબતે નક્કર નિર્ણય નહિ લેવાય તો આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024