• ગુરુવાર, 24 ઑક્ટોબર, 2024

મથલમાં ખુલ્લા પ્લોટ પર થયેલું દબાણ દૂર કરાયું

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 10 : નખત્રાણા તાલુકાના મથલ ગામે ગરીબી રેખા હેઠળ અઢી દાયકા અગાઉ મળેલા 100 ચોરસવારના અને ખુલ્લા પડેલા પ્લોટમાં તમામ શરતોનો ભંગ કરીને પ્લોટની આડમાં ગામમાં જવાના મુખ્ય માર્ગ તેમજ ખાનગી માલિકીની જગ્યામાં સાર્વજનિક હેતુઓના ઉપયોગમાં લેવાતી જમીન પર દબાણકર્તાએ વિશાળ દબાણ કરતાં દબાણને દૂર કરાયું હતું. આ દબાણ હટાવવા માટે ઠક્કર સુરેશ શામજીભાઇએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી. આ દરમ્યાન મથલ ગ્રામ પંચાયત તેમજ નખત્રાણા ના. કલેક્ટર સૂરજ સુથાર તથા નખત્રાણા ટી.ડી.ઓ. દીક્ષિત ઠક્કર તેમજ વિસ્તરણ અધિકારી રઘુવીરાસિંહ ઝાલા તથા તલાટી રાજદીપ પટેલનાં માર્ગદર્શન હેઠળ દબાણ હટાવની કામગીરી મથલ સરપંચ હુસેન ખલીફાએ કરી હતી અને નખત્રાણા પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી મકવાણાનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશ રાઠવા, જખુભાઈ ગઢવી, મોહનભાઈ આહીર અને મહિલા કોન્સ્ટેબલના બંદોબસ્તથી આ દબાણ હટાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ધાર્મિક સ્થળોએ જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ છેલ્લા 30 વર્ષથી મૂળ કચ્છના અને મહારાષ્ટ્રમાં વસતા ઠક્કર પરિવાર-સોમનાથ નવરાત્રિ મિત્ર મંડળ જ્યાં ભંડારો કરીને ભોજન સુવિધાનું સેવાકાર્ય કરતા આવ્યા છે, તે ખુલ્લી ગામતળની જમીનમાં દબાણકર્તાએ દબાણ કરીને માનવીય અભિગમને નેવે મૂકીને આ દબાણ કર્યું હતું, જે દબાણ દૂર થતાં ગ્રામજનોએ આ દબાણ હટાવ કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી અને વહીવટીતંત્ર તથા પોલીસની કામગીરીને બિરદાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang