• ગુરુવાર, 24 ઑક્ટોબર, 2024

આદિપુર બસ સ્ટેશન બન્યું ગુનાખોરીનું સ્ટેશન, પણ પોલીસ ગંભીરતા નથી લેતી

ગાંધીધામ, તા. 24 : એકથી વધુ વખત ખાતમુહૂર્ત થયા બાદ આદિપુરને બસ સ્ટેશનની સુવિધાતો મળી, પરંતુ દબાણ, અસામાજિક તત્ત્વોનો ત્રાસ સહિતની બાબતોનાં કારણે આદિપુર બસ સ્ટેશન ગુનાખોરીનું સ્ટેશન પણ બની ગયું છે. આ મામલે એસ.ટી. તંત્ર દ્વારા બંદોબસ્તની પણ માંગ કરવામાં આવી છે, પરંતુ કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ પોલીસ તંત્ર  જોઈ રહ્યું હોય તેમ હજુ સુધી આ મામલે જોઈએ તેવી ગંભીરતા દાખવતું ન હોવાનું સમજાય છે. અગાઉની રજૂઆત બાદ પોલીસ દ્વારા કાયમી ધોરણે વ્યવસ્થા ન ગોઠવાતાં વધુ એક વખત  બંદોબસ્ત અંગે પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં બસ સ્ટેશન વિસ્તારમાં કથડેલી કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિનો ચિતાર જોતાં પોલીસની કોઈ ધાક જ ન હોવાનું સમજાય છે. અગાઉ આદિપુર બજારમાંથી એસ.ટી.ની બસો પસાર થતી હતી. ત્યારે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે ટાગોર રોડ ઉપર શહેરની બહાર બસ સ્ટેશન બનાવવામાં આવ્યું. સુરક્ષાના કાણોસર દીવાલ પણ બનાવવામાં આવી, પરંતુ સાંજના સમયે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓની ભીડનો લાભ લઈ અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. સાંજે અને રાત્રિના સમયે આવતા-જતા મુસાફરોની ભીડ ગણી રહેતી હોય છે, જેના કારણે બાઈક ાઁરી, ચેઈન - દાગીનાની ચીલઝડપ, પાકિટચોરી, મોબાઈલચોરી, લૂંટફાટ, સામાનની ચોરી, મારામારી, દારૂડિયાઓનો ત્રાસ સહિતની ઘટનાઓ અવાર - નવાર બનતી હોય છે. આ ઉપરાંત બસ સ્ટેશનના ઈન ગેટ અને આઉટ ગેટ પાસે આડેધડ પાર્કિંગ અને દબાણો ખડકાઈ ગયા છે, જેના કારણે અકસ્માતના બનાવ પણ અવાર - નવાર થાય છે. બસ સ્ટેશનમાં કાયદો- વ્યવસ્થાની કથડેલી હાલત જે રીતે બયાં કરવામાં આવી રહી છે તે બાબત કોઈ ગંભીર ઘટનાની દહેશત શહેરના જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ પણ એસ.ટી. તંત્ર દ્વારા આદિપુર બસ સ્ટેશનમાં સાંજથી મોડી રાત્રિ સુધી બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી અને થોડો સમય બંદોબસ્ત રખાયા બાદ હટાવી દેવાયો હતો, જેના કારણે  અસામાજિકત તત્ત્વો માટે આ વિસ્તાર રેઢા પડ જેવો સાબિત થયો હતો, જેથી એસ.ટી. દ્વારા કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે બીજી વખત બસ સ્ટેશન ખાતે સાંજે પથી રાત્રિના 10.30 વાગ્યા સુધી કાયમ માટે બંદોબસ્ત ફાળવવા અનુરોધ કરાયો છે. પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ પ્રશાસન સત્વરે આ અંગે કાર્યવાહી કરે અને આડેધડ પાર્કિંગ કરતા અને અસામાજિક તત્ત્વોને ઝેર કરે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang