• ગુરુવાર, 24 ઑક્ટોબર, 2024

કોમન એડમિશન પોર્ટલ સામે એબીવીપીનો વિરોધ

ભુજ, તા. 24 : કચ્છ સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા હેતુ કોમન એડમિશન પોર્ટલ બનાવાયું છે, પણ આ પોર્ટલમાં જોવા મળતી અનેક પ્રકારની વિસંગતતાઓને દૂર કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભુજ ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા આવકાર્ય છે, પણ તેમાં છાત્રોના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થશે, તો તેને સાંખી નહીં લેવાય તેવી ચીમકી આપવામાં આવી છે. ભુજ ખાતે એબીવીપીના કાર્યકર્તાઓએ શિક્ષણ તંત્રની અંતિમયાત્રા કાઢી આક્રોશ દેખાડયો હતો. વધુમાં શિક્ષણ તંત્રે ખાનગી યુનિ.ને પ્રોત્સાહન આપવા આ પોર્ટલ બનાવાયાનો આક્ષેપ કારાયો હતો. એબીવીપી દ્વારા પાઠવાયેલાં આવેદનપત્રમાં જણાવ્યાનુસાર આ પોર્ટલના કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના છાત્રો ટેક્નોલોજી અને પ્રક્રિયાથી વાકેફ ન હોતાં યોગ્ય નિર્ણય કરવા, આ પોર્ટલમાં વિદ્યાર્થીને એડમિશન રદ્દ કરવું હોય કે ફોર્મમાં રહેલી ભૂલ સુધારવી હોય, તો તેનો કોઈ વિકલ્પ નથી મળતો. આ પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું, પણ હાલ તો પ્રવેશ પ્રક્રિયા જ પોર્ટલથી ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે. કોલેજના મેરીટ લિસ્ટને લઈ પણ આ પોર્ટલની પારદર્શિતા સામે સવાલ ઊઠી રહ્યા છે. કોલેજમાં પ્રવેશ મળ્યા સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાતું ન હોવાથી એડમિશન આપવામાં ચૂકની શક્યતા રહેતી હોય છે. અમુક સ્નાતક અભ્યાસક્રમમાં છેલ્લા સમેસ્ટર કે પુરક પરીક્ષાનું પરિણામ બાકી હોતાં અનુસ્નાતકમાં પ્રવેશ પ્રક્રિયાની અલગ વ્યવસ્થા કરવા, આ પોર્ટલ પર કઈ કોલેજની કેટલી સીટો છે અને કેટલી ભરવાની બાકી છે, તેની માહિતી ઉપલબ્ધ કરવાની માગણી કરાઈ છે. 48 કલાકમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો રસ્તારોકો આંદોલન સહિતની ચીમકી આપવામાં આવી છે. ભુજ ખાતે પ્રદેશ સહમંત્રી શિવરાજસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ સંયોજક રાજદીપ બારોટ, પૂર્વ કચ્છ સંયોજક જય આહીર અને યુનિ. અધ્યક્ષ મિહિર રાવલની આગેવાનીમાં કાર્યકરો જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang