• ગુરુવાર, 24 ઑક્ટોબર, 2024

જૈન આરાધનાના દીક્ષા ઉત્સવે સમગ્ર ગામમાં આકર્ષણ જમાવ્યું

માનકૂવા, તા. 24 : અહીં જૈનસંઘના નેજા હેઠળ દીક્ષાર્થી ત્રણ સહોદર બહેન મુમુક્ષુ બંસીબેન, મુમુક્ષુ હિતાંશીબેન, મુમુક્ષુ કેન્સીબેન સાથે મુંબઇથી દીક્ષા ગ્રહણ કરવા આવેલા મુમુક્ષુ જિનયભાઇના વરસીદાનના વરઘોડાએ નગરયાત્રા દરમ્યાન આકર્ષણ જમાવ્યું હતું. સવારના શુભ મુહુર્તે દીક્ષાર્થીઓને તેમના ભાઇઓ, કુટુંબીઓ, સંઘના સર્વે આમંત્રિત જનસમુદાય દ્વારા દેરાસરથી પાલખીમાં ત્યારબાદ શણગારેલા રથમાં બેસાડી નગરયાત્રા કરાવાઇ હતી. વિવિધ બેનરોના  પ્રદર્શન દ્વારા દિક્ષાર્થીના જીવન સાથે જૈન આરાધનાનું મહત્વ સમજાવાયું હતું. ડીજે અને બેન્ડના સથવારે ચોકે-ચોકે પુરાયેલ વિવિધ રંગોળીઓએ આકર્ષણ જમાવ્યું હતું. દિક્ષાર્થીના માતા-પિતા દ્વારા સમગ્ર વરઘોડા પર પુષ્પવૃષ્ટિ કરાઇ હતી. નવાવાસ સ્થિત હનુમાન મંદિર ચોકે નગરયાત્રાનું સમાપન થયું હતું. દિક્ષાર્થીઓ દ્વારા છૂટા હાથે દાન પ્રસાદનું વિતરણ કરાયું હતું. નગરયાત્રામા શ્રીમદ્ વિજય યશોવિજય સૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા, પંન્યાસ પ્રવરશ્રી જગતશેખર વિજયજી મ.સા. આદિ ઠાણા, શ્રમણી સાંનિધ્ય સા.શ્રી નિર્મળાવર્ધનાશ્રીજી મ.સા. આદિ ઠાણા તથા ધારાસભ્ય કેશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નગરયાત્રા પૂર્ણ થતા દિક્ષાર્થીઓને વિવિધ જૈન સંઘ દ્વારા સન્માનિત કરાયા તથા અક્ષતથી વધાવાયા હતા. આ અવસરે જ્ઞાતિજનોએ સેવા આપી સાથે ટ્રાફિક વ્યવસ્થા માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડના જવાનોએ સંભાળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang