• મંગળવાર, 23 જુલાઈ, 2024

જેઠમાં જમાવટ : નવ તાલુકામાં અડધોથી બે ઇંચની મેઘકૃપા

ભુજ, તા. 24 : ચોમાસાના પ્રવેશદ્વાર ગણાતા આર્દ્રા નક્ષત્રમાં જ મેઘરાજાએ કચ્છમાં શુકનવંતી મહેર વરસાવી ગરમીથી અકળાયેલા જનજીવનને ટાઢક આપી છે. જિલ્લામાં રાપરને બાદ કરતાં બાકીના નવ તાલુકામાં હળવાં-ભારે ઝાપટાંથી લઇ બે ઇંચ સુધીની મહેર વરસાવી જેઠમાં જ જમાવટ કરી દીધી છે. બપોર સુધી આકરી ગરમી પછી વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળોમાંથી અમૃતવર્ષા વરસવાનું શરૂ થયું હતું. નખત્રાણા તાલુકામાં સર્વાધિક એકથી બે, મુંદરામાં 14 કલાકમાં પોણા બે ઇંચ, લખપતમાં અડધોથી એક, ભુજ શહેરમાં અડધો, અંજારમાં અડધો, અબડાસા તેમજ ખડીરના જનાણ વિસ્તારમાં ભારે ઝાપટાં પડયાં હતાં. હાજીપીરમાં મિની વાવાઝોડાંએ મોટી નુકસાની વહોરી હતી. હવામાન વિભાગે વધુ ચાર દિવસ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. જિલ્લા કંટ્રોલરૂમમાં રાત્રિના આઠ સુધી નખત્રાણામાં 37, લખપતમાં 11, મુંદરા અને ભુજમાં પાંચ-પાંચ, તો અંજારમાં આઠ મિ.મી. વરસાદની નોંધથઇ હતી.

ભુજમાં અડધો ઇંચ

છેલ્લા ત્રણ દિવસથી જેઠમાં ચૈત્ર-વૈશાખ જેવા તાપથી તપતા ભુજમાં બપોર સુધી ભારે ગરમી-ઉકળાટનો માહોલ રહ્યા બાદ બપોરે સાડાત્રણ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનના સૂસવાટા અને મેઘગર્જના સાથે ચાર વાગ્યાની આસપાસ ધોધમાર ઝાપટું 15થી 20 મિનિટ માટે વરસ્યું હતું, એ પછી પણ મેઘાવી માહોલ છવાયેલો રહ્યા બાદ સાંજે છ વાગ્યે ફરી એકવાર જોરદાર વરસાદી ઝડી વરસતાં રસ્તાઓ પર પાલર પાણી જોશભેર વહેતાં થયાં હતાં. બેવાર ધોધમાર વરસાદી ઝડી વરસતાં બસ સ્ટેશન રોડ, જ્યુબિલી સર્કલ, એનસીસી ઓફિસ રોડ સહિત જ્યાં પરંપરાગત રીતે પાણી ભરાય છે એવા વિસ્તારમાં જળભરાવ થયો હતો. વરસાદના મંડાણ સાથે જ શહેરના અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકોએઁ વીજતંત્રની કામગીરી સામે કચવાટ ઠાલવ્યો હતો. કંટ્રોલરૂમમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગત અનુસાર સાંજે 4થી 8ના ગાળામાં જિલ્લામથકે સત્તાવાર રીતે પાંચ મિ.મી. વરસાદ પડયો હતો. જો કે, અડધો ઇંચ મહેર થયાનું અનુમાન છે. બપોરના સમયે વરસાદનું આગમન થતાં ગરમી-ઉકળાટમાં શેકાતા ભુજવાસીઓએ ઠંડકનો માહોલ અનુભવ્યો હતો. તાલુકાના માધાપર, મિરજાપર, દેશલપર (વાંઢાય), માનકૂવા સહિતના ગામોમાં પણ વરસાદની હાજરી જોવા મળી હતી. ભુજમાં એરપોર્ટ સહિતના વિસ્તારોમાં સાંજના સમયે ધોધમાર મહેર અડધો કલાક સુધી પડયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે શેખપીર ચોકડીથી પદ્ધર અને લાખોંદ, કાળી તલાવડી સહિત વિસ્તારમાં બપોરે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ગાજવીજ સાથે વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં પડયાં હતાં. અનેક વિસ્તારમાં રોડ પરથી પાણી વહી નીકળ્યાં હતાં. ભુજોડી પાટિયા પાસે સાઇન બોર્ડ પણ પવનના કારણે ધરાશાયી થયું હતું અને વીજ વાયર પણ રોડ પર તૂટી ગયાના અહેવાલ મળ્યા હતા.

આદિપુરમાં ઝાપટું

ગાંધીધામમાં છેલ્લા કેટલાક સમયથી બફારા અને ઉકળાટથી લોકો પરસેવે નહાય છે. અહીંના લોકો હજુ વરસાદની રાહમાં છે, તેવામાં આજે ભારતનગર વિસ્તારમાં કલાકો સુધી વીજળી બંધ રહી હતી. વીજ તંત્રના કર્મીઓને ફોલ્ટ ન મળતાં લોકો બફારામાં શેકાયા હતા. બીજીબાજુ આદિપુરમાં સાંજે હળવું ઝાપટું આવતાં માર્ગ ઉપરથી પસાર થનારા લોકો ભીંજાઇ ગયા હતા. લોકોને થોડીવાર માટે રાહત મળી હતી. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવતી આદિપુર લગોલગની સોસાયટીઓમાં પણ હળવું ઝાપટું પડયું હતું, જેમાં બાળકો મજા માણતા નજરે પડયા હતા. દરમ્યાન, માંડવીના ગઢશીશા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચ વરસાદથી પાણી રેલાયાં હતાં.

મુંદરામાં બે દિ'માં પોણા બે ઇંચ

મુંદરામાં લાંબા સમયથી ભારે ગરમી વચ્ચે અંતે રવિવારે રાત્રે મેઘરાજાએ આગમન કર્યું હતું અને ગાજવીજ સાથે લગભગ સવા ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો, જ્યારે સોમવારે દિવસભર લોકો બફારામાં અકળાયા હતા. જો કે, અંતે સવા પાંચ વાગે એક ઝાપટું આવતાં આંશિક રાહત થઈ હતી. સરકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, 55 એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો. લોકો કહી રહ્યા છે કે, એક સાથે વરસાદ પડી જાય  તો જ આ ગરમીમાંથી રાહત મળે. બીજીબાજુ, વીજળીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. રવિવારે રાત્રે વીજળી ડૂલ થયા બાદ આવન-જાવન કરીને અંતે મોડી રાતે આવી અને લોકોની રાત્રિ બગડી હતી, જ્યારે સોમવારે સવારથી પણ આ સિલસિલો ચાલુ રહ્યા હતો. વરસાદનો છાંટો પણ ન પડયો છતાં પણ વીજળી ચારથી પાંચ વાર ડૂલ થઈ હતી.  અડધો-અડધો કલાક સુધી વીજળી ઠપ રહેતાં ભયંકર  બફારો વચ્ચે લોકોએ વીજ તંત્રના ફોન સતત રણકાવ્યા હતા. જો કે, કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. હજી તો આ ચોમાસાની શરૂઆત છે. આગળ જતાં શું હાલત થશે એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.  બીજીબાજુ,  પ્રથમ વરસાદથી જ પાણી ભરવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. અનેક નીચાણવાળા અને ખાડાવાળા વિસ્તારોમાં  પાણી ભરાઈ ગયા હતા.  કામ ચાલુ છે એવા બસ સ્ટેશનથી બારોઈ રોડ પર નાના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા, એટલું જ નહીં સાથે સાથે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઇ હતી. ગુંદાલાથી પ્રતિનિધિ ભુવનેશ જોશીના જણાવ્યા મુજબ, મુંદરા તાલુકાના ગુંદાલામાં રવિવારે રાત્રે એક ઇંચ વરસાદ નોંધાયા બાદ  સોમવારે સાંજે પણ ઝાપટાં  સાથે બે દિવસમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પત્રીથી હરેશ ગોસ્વામીના અહેવાલ મુજબ, રવિવાર રાતે ભારે હવા સાથે વરસાદનું આગમન થયું હતું. ગામલોકોએ રોષ દર્શાવ્યો કે, પત્રીમાં વરસાદની સાથે વીજતંત્રે પણ પરંપરા જાળવી ચાર છાંટા પડયા ને લાઇટ ગુલ થઈ ગઈ હતી.

કુકમામાં ઝાપટું

બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ કુકમા અને આસપાસમાં વરસાદી ઝાપટું પડતાં બજાર-રસ્તાઓ પર પાણી વહી નીકળ્યાં હતાં. પંદરેક મિનિટ?બાદ ઝાપટું બંધ થતાં ફરી બફારો અનુભવાયો હતો, તો સાંજે ફરી એકવાર ભારે ઝાપટું વરસ્યું હતું.

માધાપર હાઇવે પર પાણી વહ્યાં

ભુજની ભાગોળે આવેલા ટ્રાન્સપોર્ટ નગર તરીકે જાણીતા માધાપર હાઇવે પર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સખત ગરમી બાદ પવનની ઝડપ સાથે એકાદ કલાક સુધી પડેલાં ઝાપટાંરૂપી પાલર પાણી ધોરીમાર્ગ પર ફરી વળ્યાં હતાં.

બન્ની પંથકમાં ઝરમર

બન્ની પંથક પર સાંજે 5ાંચ કલાકે છાંટારૂપી વરસાદ પડતાં રોડ પલળ્યા હતા, જેનાથી માલધારીઓમાં એક નવી આશાનો સંચાર થયો હતો. આ વખતે સારો વરસાદ પડે, તો પશુઓ અને સીમાડા પર નભતા અન્ય પશુ-પક્ષીઓને જીવતદાન મળી જાય તેવી પ્રાર્થના થઇ રહી છે.

પાવરપટ્ટીમાં હળવાં ઝાપટાં

પાવરપટ્ટી બ્યૂરોના અહેવાલ અનુસાર ભારે ઉકળાટ બાદ બપોર પછી પાવરપટ્ટીના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડયાં હતાં. વિસ્તારના નિરોણા ખાતે બપોર બાદ ગાજવીજ સાથે ઝાપટાંરૂપ મેઘરાજાની પહેલી સવારી આવી હતી. શેરીઓ-ગલીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં, જેને લઇ?વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઝુરા, લોરિયા સહિતના વિસ્તારમાં હળવાં ઝાપટાં પડયાં હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારમાં મેઘમાહોલ છવાયેલો હોઇ વધુ વરસાદની આશ લોકો રાખી રહ્યા છે. બિબ્બર, ખારડિયા અને વંગ સુધીના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાંને લઇ શેરી-ગલીઓમાંથી પાલર પાણી વહી નીકળ્યાં હતાં.

દહીંસરામાં અડધો ઇંચ

મોંઘેરા મહેમાન મેઘરાજા છ દિવસના વિરામ બાદ સમીસાંજે પાંચ વાગ્યે 15 મિનિટ?વરસીને વિસામો લીધા બાદ પોણા સાતે પાછા 15 મિનિટ?વરસીને આભમાંથી અડધો ઇંચ પાણી વરસાવ્યું હતું. વાવેતર કરેલા પાકો માટે આ વરસાદ જીવ સમાન છે, તેવું ધરતીપુત્રોએ જણાવ્યું છે. ચુનડી, ધુણઇ, સરલી, ગોડપર, મેઘપર, ખત્રી તળાવમાં વરસાદી વાવડ મળ્યા છે. હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે. ગરમી અને બફારા વચ્ચે સાંજે સાડા છ વાગ્યે રવાપર ઉપરાંત નાગવીરી, નવાવાસ, ઘડાણી, વિગોડી, આમારા સહિત વિસ્તારમાં અડધા કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

લખપત તાલુકામાં મેઘાના મંડાણ

લખપતમાં વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. ના. સરોવર, દયાપર, વર્માનગર, કપુરાશી, પાનધ્રો, છેર સહિતના સીમાડામાં ઝરમર વરસાદ થયો હતો. તાલુકાના અનેક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોએ ઘેરાવ કર્યો હતો. માલધારીના મુલક ગણાતા આ વિસ્તારમાં ચોમાસાના વિધિવત મંડાણ થતાં ખેડૂતો-પશુપાલકોના ચહેરા પર ચમક આવી હતી. તા.પં. ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, નરા, વોરાણવાંઢ, હાજીપીર સહિતના વિસ્તારમાં અડધાથી એક ઇંચ વરસાદ પડયો હતો. કપુરાશીના જબ્બરદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે છેરથી વર્માનગર, ના. સરોવરના સીમાડામાં ધીમીધારે વરસાદ પડયો છે.

હાજીપીરને મિની વાવાઝોડાંએ ઘમરોળ્યું

રણકાંધીએ આવેલા સોદ્રાણા હાજીપીર યાત્રાધામે આજે આવેલા મિની વાવાઝોડાંએ ગામને ઘમરોળતાં 10થી 15 ઘરના પતરાં ઊડી ગયાં હતાં, તો વૃક્ષો ધરાશાયી થયાં હતાં. સરપંચ હાજીભાઇ મુજાવર અને જાફરભાઇ મુજાવરે કહ્યું હતું કે, ધૂળની ડમરી સાથે જાણે વરસાદની પાંખે વાવાઝોડું આવતાં 15થી 20 ઘરના પતરાં ઊડી જતાં રાચરચીલાને નુકસાન થયું હતું. લોકોમાં ભય પ્રસર્યો હતો. લોકોએ પોતાના મકાનના નળિયા-પતરાં ઊડતાં ઘરની બહાર નીકળી ગયા હતા. હનીફભાઇની કેબિન 10 ફૂટ ફૂટબોલની જેમ ઊડી ગઇ હતી. સરેરાશ દોઢ ઇંચ વરસાદ પડયાના વાવડ સરપંચે આપ્યા હતા. નરા વિસ્તારમાં અડધો ઇંચ વરસાદના વાવડ મામદભાઇ જતે આપ્યા હતા.

નખત્રાણા તાલુકામાં એકથી બે ઇંચ

સતત એક માસથી ઉપર સમયથી જનજીવનને અકળાવતી અસહ્ય-અભૂતપૂર્વ ગરમી-બફારા બાદ ગત શનિવારે આરંભ થયેલાં ચોમાસાના પ્રથમ અને શુકનવંતા `આર્દ્રા' નક્ષત્રમાં નખત્રાણા પંથકના સ્થાનિકમાં તથા મોટી વિરાણી, સુખપર, નાની વિરાણી, ભારાપર, નાની બન્નીના તલ, છારી, ફુલાય, લૈયારી, વેડહાર, મોતીચુર, પૈયા, જતાવીરા, નાની-મોટી અરલ, ધિણોધર, થાન, ગોધિયાર, ખારડિયા, વંગ, ડાડોર, તાલુકા મથકથી દક્ષિણ પટ્ટીના ગામો બેરૂ, જડેશ્વર, નારાણપર, મોસુણા, ગંગોણ સહિતના ગામોમાં સાંજે 6 વાગ્યે ગાજવીજ-પવનના તોફાન સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. `વરસે તો આર્દ્રા તો બારેમાસ સાદરા' ચોમાસાના શુકનવંતા પ્રથમ નક્ષત્રના આરંભના દિવસોમાં વરસેલા વરસાદથી બારેમાસ સારા જવાની લોકવાયકા અનુસાર ચોમાસા ઋતુના બધાય નક્ષત્રોમાં વરસાદ થાય. કોઇપણ નક્ષત્ર વરસાદ વિહોણું ન જાય. આજના વરસાદથી વાતાવરણમાં?ઠંડક પ્રસરતાં ગરમીથી રાહત મળી હતી. નાની બન્નીથી લોકસંપર્ક પ્રવાસેથી પરત ફરેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નાની બન્નીના સમગ્ર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે, જે ખેતી-પશુપાલન માટે આશીર્વાદરૂપ બનશે. દેવીસરના વેપારી શૈલેશભાઇ આઇયાએ વરસાદના વાવડ આપ્યા છે.

મોટી વિરાણી પંથકમાં પોણા બે ઇંચ

મોટી વિરાણીના અહેવાલ અનુસાર વા-વંટોળની સવારી સાથેનો વરસાદ એક કલાકમાં પોણા બે ઇંચ પડયો હતો. મોટી વિરાણી, સુખપર, ભારાપર, વાંઢ, રામેશ્વર વિસ્તારમાં વરસતા વોકળા-શેરીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં, એવું વિરાણીથી અદ્રેમાન ઓઠાર, ભારાપરથી લક્ષ્મણ ગઢવી, સુખપરથી ચંદુલાલ વાઘેલાએ કહ્યું હતું.

અબડાસામાં હાજરી

અબડાસા તાલુકાના નરેડી, સણોસરા, બાલાચોડ, રાતા તળાવ, મોથાળામાં ઝરમર, તો ગરડા પંથકના ગામોમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

અબડાસાનાં ગામોમાં વરસાદ

આજે સાંજે ગરમી અને બફારા બાદ બાલાચોડ નાની-મોટી, નરેડી, રાતા તળાવ વિસ્તારના ગામોમાં વરસાદ પૂરજોશમાં ચાલુ થયો?હતો અને લોકોએ ગરમીમાં થોડી રાહત મેળવી હતી અને એકાદ ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું કનુભાઇ બાવાજીએ જણાવ્યું હતું.

અંજારમાં ઝાપટાંથી પાણી વહ્યાં

શહેરમાં સખત ગરમી-ઉકળાટ બાદ બપોરના ચાર વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદનાં ઝાપટાં શરૂ?થયાં હતાં. ભારે ઝડપથી આઠ મિ.મી. વરસાદ થતાં શહેરના મુખ્યમાર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. પવનની ઝડપથી શહેરના વીર બાળભૂમિ નવ મીટર રોડ પર તોતિંગ વૃક્ષની ડાળી વીજ વાયર પર પડતાં ત્રણ ફીડરનો વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહેતાં ગરમી અને વરસાદી ઝાપટાં બાદ વધુ ગરમીથી લોકો અકળાયા હતા. ત્રણ ફીડરનો વીજ પુરવઠો બંધ?કરી સુધરાઇ તેમજ વીજતંત્ર ઝડપભેર કામે લાગ્યું હતું. નાગલપર, સતાપર, સાપેડા, આંબાપર, વરસામેડી, ભીમાસર, અજાપર, ખંભરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાં-ભારે વરસાદી ઝાપટાં પડયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang