• રવિવાર, 16 જૂન, 2024

મજબૂત મનોબળના યુવાને કુદરતને પણ પડકારી છે

દહીંસરા (તા. ભુજ), તા. 22 : કુદરત ક્યારેક અદ્ભુત લીલા કરે છે. કાળાં માથાંનો માનવી કંપી ઊઠે છે, પણ અડગ મનનાં માનવીને હિમાલય નડતો નથી, પણ મન મજબૂત હોય તો કુદરતને લાચાર થવું પડે છે એવી ઘટના અહીંના યુવાન સાથે બની છે. યુવાનને પતંગ ચઢાવવાનો શોખ ભારે પડયો છે. બાળપણમાં પતંગ ઉડાવા જતાં ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો ત્યારે સાત વર્ષની ઉમર હતી. ચાર મહિના હોસ્પિટલમાં સારવાર પછી પણ બે હાથ ગુમાવ્યા, બે પગ ટૂંકા થઈ ગયા એવા દહીંસરાના બાળક પરેશ વીરજી મહેશ્વરી ઉપર આભ તૂટી પડયું પણ હાથ-પગની ખોટ ધ્યાને લેતાં મન મજબૂત કરીને જીવન સફર શરૂ કરી હતી. દસ વર્ષ કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધણપર ખાતે ઈગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યા બાદ સેન્ટ ઝેવિયર્સ ભુજમાં અભ્યાસ કરીને તોલાણી કોલેજ આદિપુરથી ગ્રેજ્યુએટ થયો. હાલે કોમ્પ્યુટર આઈ.ટી.આઈ. ભુજ અભ્યાસ કરે છે. દરરોજ ભુજ એસ.ટી. બસમાં અપડાઉન કરે છે. અનેક સરકારી નોકરી માટે અરજીઓ કરી છે પણ હજી સફળતા મળી નથી. સરકારી સહાય માટે અનેક અરજીઓ કરી છે, પણ બીપીએલ યાદીમાં નામ હોઈ પરિણામ શૂન્ય આવ્યું. હાલે દિવ્યાંગ પરેશભાઈની ઉંમર 26 વર્ષની છે. જીવનના 19 વર્ષ મન મજબૂત કરીને ગુજાર્યા છે. જિંદગી બચી તો લાખો પાયા! કુદરત પાસે લાચાર માનવી સરકારી તંત્ર પાસે પણ લાચાર થઈ જાય છે. છે કરમની કઠણાઈ, પણ મન મોટું - મજબૂત રાખીને યુવાન ભવિષ્યનું સ્વપ્ન સાકાર કરવા આપબળે તાલીમ લઈ રહ્યો છે. સરકારી તંત્ર જાગશે તો મારી મનોવ્યથાનો પડઘો પડશે, મારું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે એવા અરમાંનો સાથે જિંદગીની સફર સર કરી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang