• રવિવાર, 16 જૂન, 2024

સીમાના જવાનોની સુખાકારી માટે લોકભાગીદારીનું મહત્ત્વ

મોટા લાયજા, તા. 22 : લક્કીનાળાં ખાતે તૈનાત સંત્રીઓ માટે ઠંડાં પાણીની સુવિધાર્થે વોટરકૂલર અર્પણ કરાયાં હતાં. આરોગ્ય, પર્યાવરણ, સીમા સુરક્ષા અને દિવ્યાંગ સેવા ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ છેવાડાના વિસ્તારો અને છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચીને દાતાઓનાં માધ્યમથી અનેક સદકાર્યો કર્યાં છે. ખાસ કરીને વિષમ ભાગૌલિક પરિસ્થિતિ વચ્ચે કચ્છની સરહદ સાચવી બેઠેલા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો માટેની જરૂરિયાતો પૂરી કરવા સમિતિએ કમર કસી છે. સમિતિના પ્રમુખ અરવિંદ જોશીના પ્રયાસોથી કોટેશ્વર મહાદેવ નજીકના લક્કીનાળાં ખાતેના નિર્જન ટાપુઓ પર તૈનાત સંત્રીઓ માટે ઠંડાં પાણીની સુવિધાના અર્થે બે વોટર કૂલર સેટ માંડવી તા.ના વીઢ ગામના જૈન શ્રેષ્ઠી માતા  વેલબાઈ મૂરજી જીવરાજ તાયાણી પરિવાર (વિન્ડ સ્ટોર સ્પ્રિંગ) મુંબઈના સૌજન્યથી અર્પણ કરાયા હતા. બીએસએફ-18 કંપની કમાન્ડર સંજીવકુમાર, ડેપ્યુ. કમાન્ડર સુનીલ બરવાર વિ. અધિકારીઓએ દાતા પરિવાર અને અરવિંદભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. હરખચંદભાઈ શાહ સહયોગી રહ્યા હતા. સીમા-સૌંદર્ય-સાહસના ત્રિગુણાત્મક સમુદ્રી સીમા દર્શન માટે જ્યારે પ્રવાસન નિગમ પણ આગળ વધી રહ્યું છે, ત્યારે સમુદ્રી સીમાના જવાનોની સુખાકારી માટે લોકભાગીદારી મહત્ત્વની છે. મૂળ માંડવી-કચ્છના મસ્કત ઓમાન સ્થિત દાતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી . નિરંજનાબેન અરવિંદ ટોપરાણીની ઉદાર સખાવતથી કચ્છ જિ.ગ્રા.વિ. સમિતિના  માધ્યમથી લક્કનાળાં નજીકના દુર્ગમ ટાપુઓ પર ચોકી પહેરો કરતા જવાનોની સેવામાં ત્રણ વોટર કૂલર, ત્રણ એરકૂલર તથા સ્ટેન્ડ ફેન અને 200 જેટલા ટ્રી ગાર્ડ અપાયા હતા. છેલ્લા બે દાયકામાં કોટેશ્વર લક્કીનાળાં-હરામીનાળાં સહિત કચ્છની સાતેય બટાલિયનો માટે પાણીના કૂલર, બાંકડા, ટ્રી ગાર્ડ, જનરેટર, ઈન્વર્ટર સહિતની સુવિધાઓ  માટે પૂરક બનવામાં અરવિંદ જોશીના નેતૃત્વમાં .જિ. ગ્રા.વિ. સમિતિના ચંદ્રકાંત મોતા, સલીમ ચાકી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang