• શનિવાર, 27 એપ્રિલ, 2024

તંત્રના વાંકે પાંચ હજાર લાયસન્સ ઈચ્છુકો રઝળ્યા

કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 28 :  ભારત અત્યારે ડિજિટલ વિકાસ તરફ અગ્રેસર છે. સરકારી કચેરીઓનાં પગથિયાં ચડવાં પડે માટે અનેક કામ આંગળીના ટેરવે મોબાઈલ મારફતે થઈ રહ્યા છે. ટેકનોલોજીના સમન્વયથી વહીવટ સરળ બનાવાયો છે એવું ભલે કહેવામાં આવતું હોય, જો તમે આરટીઓ ટેસ્ટ ટ્રેકની વાત કરતા હો તો ટ્રેક છેલ્લા 10-12 દિવસથી ઠપ પડયો છે. આધુનિક પદ્ધતિથી વાહનચાલકની કસોટી લેવા માટે ઘડવામાં આવેલો ટ્રેક તેના સર્વરમાં ખોટીપો સર્જાયાને પગલે બંધ છે અને સ્થિતિ માત્ર કચ્છમાં નહીં, આખા ગુજરાતમાં છે. રાજ્યની 38 આરટીઓ કચેરીમાં લાયસન્સની પરીક્ષા સર્વરને લાગેલા `લકવા'ને કારણે બંધ છે.. અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તંત્ર માટે જાણે કોઈ રાબેતા મુજબની પ્રક્રિયા હોય એમ દર એક દિવસે ટ્રેક બંધની જાહેરાત કરીને પોતાની ફરજ નિભાવ્યાનો સંતોષ મેળવી રહ્યું છે. નાની-નાની બાબતો માટે રસ્તે નીકળી પડતા લોકપ્રતિનિધિઓ પણ ગંભીર મુદ્દે મૌન છે. જે લોકોને સીધી અસર પહોંચી છે તેવા લાયસન્સની અરજી કરનારા અને પરીક્ષાની રાહ જોતા લોકોએ તાત્કાલિક ધોરણે ટ્રેક ફરી શરૂ કરવાની માંગ કરી છે. મળતા છેલ્લા હેવાલ મુજબ એકાદ દિવસ બાદ ટ્રેક પુન: શરૂ?થવાની શક્યતા અધિકૃત રીતે દર્શાવવામાં આવી છે. જાણકારો પાસેથી મળતી માહિતી અનુસાર અદ્યતન લાયસન્સ ટેસ્ટ ટ્રેક બંધ પડી જવાને કારણે અત્યાર સુધીમાં નવા અને અને જેમને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે તેવા જૂના લાયસન્સના રિન્યૂ મળીને પાંચેક હજાર જેટલાં લાયસન્સ તો એકલા કચ્છમાં લટકી પડયાં છે. અને ટ્રેકના બંધ રહેવાની સાથે દરેક દિવસે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કેમકે ટ્રેક માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ  લેવાની પ્રથા છે. જો કચ્છમાં આટલી મોટી સંખ્યામાં લાયસન્સ વાંચ્છુઓ લટકી પડયા હોય તો આખા રાજ્યમાં લાયસન્સ માટે અટકી પડેલા લોકોની સંખ્યા હજારોમાં જતી હોવાની શક્યતા છે. ટ્રેક પર પરીક્ષા આપી શકવાને કારણે પાકું ડ્રાઈવિંગ લાયસન્સ મળવાથી કેટલાય લોકો નોકરી મેળવવાથી રહી ગયા છે તો કેટલાયને પાસપોર્ટ મળી શકતાં વિદેશ જવાનું સપનું પૂરું થયું નથી તેમ જાણકારોએ જણાવ્યું હતું. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. લાયસન્સ માટે કોઈ અરજદાર દૂરના વિસ્તારમાંથી ભુજ આવે એટલે એપોઈન્ટમેન્ટ ભલે એક કલાકની હોય, તેનો આખો દિવસ નીકળી જતો હોય છે.  જિલ્લા મથકે આવ-જા માટે મોંઘાદાટ પેટ્રોલ-ડીઝલના ખર્ચ, ચા-નાસ્તા કે ભોજનનો ખર્ચ અને રોજનું કમાઈને રોજના ખાનારાની દૈનિક કમાણીની ગણતરી કરીએ તો આશરે 1200 રૂા.નો ફેરો થાય. વળી જો કાચાં લાયસન્સની છેલ્લી તારીખ હોય તો ફરી રિન્યૂની સરકારી ફીનો ચાંદલો તો વળી અલગ. જો તે આરટીઓ પહોંચે અને તેને ટ્રેક બંધ હોવાની જાણ થાય તો તેને કેટલો આર્થિક ફટકો પડતો હોય છે તેની તંત્રને શું જાણ નહીં હોય એમ જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે. કચ્છે ભૂકંપ બાદ પોતાની ઓળખ બદલાવી છે. ઉદ્યોગીકરણના વાયરાને કારણે વાહનો વધતાં લાયસન્સની માંગ પણ વધી છે.અહીં બે મોટાં બંદર છે, ખાણ છે અને ઔદ્યોગિક ગતિવિધિને કારણે જિલ્લો વ્યાપારિક હબ બન્યો છે.  ત્યારે માર્ગ તપાસ વખતે લાયસન્સની આક્રમકતાથી માંગણી કરતા અને દંડનો દંડૂકો ઉગામવામાં વાર કરતાં તંત્રે લાયસન્સ ટ્રેક બંધ હોય ત્યારે માનવતાના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ એક મોટો વર્ગ કરી રહ્યો છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી અને જેના હસ્તક ટ્રેકના સર્વરની જવાબદારી છે તે બંનેના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવાના વારંવારના પ્રયાસો વિફળ રહેતાં આટલા લાંબા સમયથી ટ્રેક ઠપ થવાનું કારણ શું છે તે સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. સર્વરમાં કોઈ ગંભીર ક્ષતિ સર્જાયાની ચર્ચા જાગી છે. દરમ્યાન સંભવત: શનિવારથી ટ્રેક સંલગ્ન કામગીરી શરૂ થઇ જશે એમ સત્તાવાર રીતે જણાવાય છે. ટ્રેક શરૂ થશે ત્યારે સૌ પહેલાં જેમના લાયસન્સ દિવસો દરમ્યાન અટક્યાં છે તેમને પહેલી તક અપાશે અને તે પછી એપોઈન્ટમેન્ટ અનુસાર લાયસન્સની પરીક્ષા લેવાશે એવી તંત્રની તૈયારી હોવાનું જાણવા મળ્યું હતું. - `લંડનથી ધક્કો પડયો..' : પૂર્વ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અરવિંદભાઈ મહેશ્વરીએ પોતાની હાલાકી વર્ણવતાં કહ્યું કે લંડનમાં તબીબ તરીકે ફરજ બજાવતાં તેમના પુત્રવધૂએ અહીં કાચું લાયસન્સ મેળવ્યું હતું અને ટ્રેક પર પરીક્ષા આપવા માટે જે દિવસે એપોઈન્ટમેન્ટ મેળવી તે વખતે ટ્રેક બંધ હોવાથી લાયસન્સ મળી શક્યું હતું. તેમની 24 માર્ચે ફ્લાઈટ હતી અને નવી એપોઈન્ટમેન્ટ તે પછીની તારીખોની મળતી હોવાથી પુત્રવધૂને લાયસન્સ મેળવ્યા વિનાજ લંડન જવું પડયું હતું. તેમના માટે ડ્રાઈવિંગ લાયસન્સ આવશ્યક હતું પરંતુ ટ્રેક બંધ હોવાને કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડયો હતો. - ભુજના ટ્રેકને દસકો થયો, અનેક વખત રહ્યો ઠપ : ભુજમાં લાયસન્સનો ટેસ્ટ ટ્રેક 2014થી કાર્યરત છે અને ત્રીજી જાન્યુઆરી 2014થી ટ્રેક પર પરીક્ષા આપ્યા બાદ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર લાયસન્સ અપાતા હતા. જોકે ટ્રેક બન્યો તે પછીના ટૂંકાગાળામાં તેમાં સમસ્યાઓ સર્જાતાં અત્યાર સુધીમાં અગણિત વખત બંધ રહી ચૂક્યો છે. તાજેતરમાં બિપોરજોય વાવાઝોડા બાદ તો ટ્રેક ખાસ્સો એવો સમય ઠપ રહ્યો હતો. અંજાર .આર.ટી.. કચેરી ખાતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રેક ચાલુ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang