• શનિવાર, 27 એપ્રિલ, 2024

કચ્છના વાલ્મીકિ સમાજમાંથી કાયદાની ઉપાધિ હાંસલ કરનાર માંડવીની યુવતી પ્રથમ

માંડવી, તા. 27 : કચ્છના વાલ્મીકિ સમાજમાંથી પહેલી દુહિતા અને બંદરીય શહેરમાં સફાઇ કામદાર દંપતીની પુત્રી વૈશાલી વિજયભાઇ વાઘેલાએ તાજેતરમાં લેવાયેલી કાયદાની ઉપાધિ પહેલા પ્રયત્ને હાંસલ કરતાં નવી કેડી કંડારી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બંદરીય શહેરની નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે સેવા આપનાર હીરાબેન વિજયભાઇ વાઘેલાની પુત્રી વૈશાલીએ એકાદ વર્ષ અગાઉ મોરબી ખાતે દામ્પત્ય જીવનના પગલાં માંડયાં હતાં. લગ્ન બાદ પણ કારકિર્દીને આંચ આપ્યા વિના ભુજની ડોસાભાઇ લાલચંદ લો કોલેજમાંથી એલએલ.બી.ની ફાઇનલ પરીક્ષા પહેલા પ્રયાસે 59.95 ટકા સાથે પાસ કરી હતી. પહેલાં તેણીએ ગુજરાતી વિષય સાથે બી..ની પરીક્ષામાં સિદ્ધિ મેળવી હતી. તેના પતિ સંજય ચમનભાઇ મકવાણા મોરબીમાં કાપડના શો રૂમમાં નોકરી કરે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે તેણીએ મોરબીમાં શ્વશુર ગૃહેથી પ્રેક્ટિસ કરવાના મનોરથ?ઉછેર્યા છે. ભૂષણ વ્યાસ, જય પીઠવા, ભાવિક ગાંધી, મિત્તલ સંઘવી વિગેરેએ નારી સશક્તિકરણના પરિપ્રેક્ષ્યમાં સિદ્ધિને અનુકરણીય લેખાવી હતી. પહેલાં વૈશાલીના મોટા ભાઇ મિલન વાઘેલાએ કચ્છના વાલ્મીકિ સમાજમાં સર્વપ્રથમ એલએલ.બી.ની ડિગ્રી મેળવીને બહેનને પ્રોત્સાહન, પ્રેરણા આપી હતી. વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, નગરપાલિકાના પ્રમુખ હરેશભાઇ વિંઝોડાએ નેત્રદીપક સફળતા બદલ સિદ્ધિના ઓવારણાં લીધાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang