• શનિવાર, 27 એપ્રિલ, 2024

પાઘડી, માલિકીની બિલ્ડિંગોના રિડેવલપમેન્ટની સ્કીમ સમજાવાઇ

મુંબઇ, તા. 27  (કનૈયાલાલ જોશી દ્વારા)  : કચ્છી એડવોકેટ્સ વેલ્ફેર એસોસિયેશન (કાવા) દ્વારા પાઘડીની તથા ઓનરશિપ બિલ્ડિંગોની રિડેવલમેન્ટ સ્કીમ પર ગુજરાતી ભાષામાં નિ:શુલ્ક સેમિનાર યોજાયો હતો જેને જબરદસ્ત પ્રતિસાદ સાંપડયો હતો. માટુંગા કચ્છી મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન સંઘની નારણજી શામજી વાડીના હોલમાં સિનિયર સોલિસીટર પરિમલ શ્રોફ, સિનિયર આર્કિટેક્ટ દિનેશ કુવાડિયા અને સોલિસીટર ઉમંગ કુવાડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. લોકોના ધસારાને ધ્યાનમા રાખીને બીજા હોલમાં એલઇડી ક્રીનની વ્યવસ્થા કરાઇ હતી. બંને હોલ હકડેઠઠ ભરાઇ ગયા હતા. છેલ્લા 50 વર્ષથી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર સોલિસીટર પરિમલ શ્રોફે સરળ ભાષામાં સમજણ આપી હતી, તો સિનિયર આર્કિટેક્ટ દિનેશ કુવાડિયાએ ડીસીઆરપી-2034 હેઠળની વિવિધ કલમો હેઠળ ડેવલપમેન્ટ કેમ કરવું તેની સમજ આપી હતી. કલમ 33 (7), 33 (10), 33(11), 33 (15) ઇત્યાદિની સમજ આપી હતી. એફએસઆઈના લાભ કેમ, કેટલો સર્વે તેની પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી સમજ આપી હતી. કાવાના સેક્રેટરી પીયૂષ એમ. શાહે કચ્છી એડવોકેટ્સ વેલ્ફેર એસોસિયેશન વિશે માહિતી આપતાં જણાવ્યું કે, વેલ્ફેર એસોસિયેશનની સ્થાપના 40 વર્ષ પહેલાં થઇ હતી. સિનિયર એડવોકેટ કે.પી. ગાલા, સિનિયર એડવોકેટ લખમશી રાંભિયા, સિનિયર એડવોકેટ મહેન્દ્ર ખીમજી શાહ, એડવોકેટ માવજી કેનિયાએ કાવાની સ્થાપના કરી હતી. સમાજના કાનૂની પ્રશ્નોના નિરાકરણ લાવવાનો હેતુ હતો. એના માટે સેમિનાર યોજવા નિ:શુલ્ક કાનૂની સલાહ આપવાનો ઉદ્દેશ રહ્યો હતો. ઘણા વર્ષ સુધી સંસ્થા સક્રિય -પ્રવૃત્ત રહી હતી. અમુક વર્ષોના વિરામ બાદ ફરી સંસ્થા જાગૃત કરાઇ. એડવોકેટ કાંતિલાલ સંગોઇ, સોલિસીટર નિરંજન લાપસિયા, હસમુખ વી. શાહ વગેરેએ મહત્ત્વની કામગીરી કરતાં સંસ્થાએ વિરાટ સ્વરૂપ લીધું હતું. યુવા એડવોકેટનું સન્માન કરવું, બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશોના હસ્તે તેમનું સન્માન કરીને ઉત્સાહ વધારવામાં આવે છે. વળી સ્ટડી સર્કલની રચના કરાઇ જેમાં નવા અને સક્રિય એડવોકેટનું જ્ઞાન વધે માટે સિનિયર એડવોકેટ ટ્રેનિંગ આપે છે. નવા કાયદાની ચર્ચા -વિચારણા કરાય, નિ:શુલ્ક કાનૂની સલાહ 20 વર્ષથી અપાય છે. સમાજના સળગતા પ્રશ્નો, ફેમિલી કોર્ટના પ્રશ્નો, કૌટુંબિક વિવાદ, પતિ-પત્નીના પ્રશ્નો, મિલકત વાદ-વિવાદ, લવાદના પ્રશ્નો, કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને લગતા પ્રશ્નો વગેરેના કાનૂની મુદ્દાઓ અંગે સેમિનારમાં માર્ગદર્શન અપાય છે. કાવાના કાર્યોનો કચ્છી, ગુજરાતી અને અન્ય સમાજના લોકોએ લાભ લીધો છે. સેમિનારના આયોજનમાં હેપી હોમ ગ્રુપના નરેશ ભવાનજી છેડા, દિનેશ કુવાડિયા, મુકેશ વિજપાર નિસરે સહયોગ આપ્યો હતો. મનોરંજન ડેકોરેટર્સનો સહયોગ મળ્યો હતો. તમામનું સન્માન કરાયું હતું. છેલ્લે એક કલાકના પ્રશ્નોતરી કાળમાં દિનેશ કુવાડિયા, અનિલભાઇ ગાલા અને પરિમલ  શ્રોફે મુંબઇના 350 વર્ષના ઇતિહાસની માહિતી, ઉપસ્થિતોના સવાલોના સંતોષકારક ઉત્તરો આપ્યા હતા, છતાં 250થી 300 સવાલોના જવાબો બાકી રહી જતાં તેના ઉત્તરો -મેઈલથી આપવાનું જાહેર કરાયું હતું. આરંભમાં કાવાના પ્રમુખ અનિલ લાલજી ગાલાએ ટૂકું સ્વાગત પ્રવચન કર્યું હતું. સંચાલન સોલિસીટર પીયૂષ શાહ, એટવોકેટ અરૂણા સાવલા અને એડવોકેટ નીતા શાહે કર્યું હતું. પૂર્વ પ્રમુખ દિવ્યા શાહે મંતવ્ય રજૂ કર્યું હતું. આભારવિધિ એડવોકેટ મિત્તલ છેડાએ કરી હતી. એડવોકેટ કીર્તિ નાગડાએ કો-ઓપરેટિવ સોસાયટી વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang