• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

મોદી પર ખડગેનાં આપત્તિજનક બયાનથી હોબાળો

પટણા, તા. 25 : રાષ્ટ્રીય કદ ધરાવતા પીઢ નેતાને છાજે નહીં તેવી કેંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની ટિપ્પણીથી રવિવારે રાજકીય ધમસાણ મચી ગયું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ પટણામાં એક સમારોહમાં ગુસ્સાભેર કહ્યું હતું કે, `મોદી ક્યા ઉસકા બાપ ભી જાયેગા' આ વિવાદ સર્જક ટિપ્પણી પર પલટવાર કરતાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મોદીજીના પિતા પર અભદ્ર ટિપ્પણી કરીને હદ વટાવી દીધી છે, તમામ મર્યાદાઓ તોડી નાખી છે. રાજકીય હોબાળો સર્જનારાં નિવેદન કરનારા ખડગે સામે ભાજપ પ્રદેશ કાર્ય સમિતિના સભ્ય કૃષ્ણસિંહ કલ્લુએ પટણાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નેંધાવી હતી અને તપાસ બાદ કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. ખડગે પટણામાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડો. શ્રીકૃષ્ણસિંહની 139મી જયંતી નિમિત્તે યોજિત સમારોહને સંબોધન કરી રહ્યા હતા. આ સમારોહમાં ખડગેનાં ચાલુ ભાષણ દરમ્યાન કોંગ્રેસનો એક કાર્યકર ઊભો થઈને બોલ્યો હતો કે, મોદીજી જવાના નથી, જ્યાં સુધી દેશમાં વિદ્રોહ નહીં થાય, ત્યાં સુધી મોદી સરકાર હટવાની નથી. કોંગ્રેસ કાર્યકરની આવી ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા ખડગેએ કહી નાખ્યું હતું કે, મોદી ક્યા, ઉસકા બાપ ભી જાયેગા. આ ટિપ્પણી કોંગ્રેસ અધ્યક્ષે ત્રણવાર દોહરાવી હતી. ત્યારબાદ, પટણાના બાપુ સભાગૃહમાં મૌજુદ લોકોએ મોદી નથી જવાના તેવું બોલનારા કોંગ્રેસ કાર્યકરને મારપીટ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષે તમામ મર્યાદા તોડી નાખી છે. આ પહેલીવાર નથી, જ્યારે કોંગ્રેસ પક્ષે મોદીજી અથવા તેમના પરિવાર વિશે અપશબ્દો કહ્યા હોય. ક્યારેક મોદીના માતાજી વિશે અપશબ્દ કહ્યા, તો કયારેક વડાપ્રધાનને `મોતના સોદાગર' કરી નાખ્યા, કયારેક `ચાયવાળા' કહીને તેમની ગરીબીની મજાક ઉડાવી, તેવું શાહે કહ્યું હતું. સતત 12 વર્ષથી ચૂંટણીમાં હારની હતાશા એ હદે વધી ગઈ છે કે, તેમની પાસે હવે કોઈ મુદ્દો બચ્યો નથી, પરંતુ ગાળાગાળીનું રાજકરણ જ બચ્યું છે તેવા પ્રહાર  ગૃહમંત્રીએ કર્યા હતા.  બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ લેખાવીને કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી દેશની માફી માગે. ભાજપના અધ્યક્ષ નીતિન નવીને પણ કહ્યું હતું કે, આ પ્રકારની અમર્યાદા અને અસંસદીય ભાષાનો ઉપયોગ કોંગ્રેસની વૈચારિક નાદારી દેખાડે છે. રાજકીય વિરોધની પણ એક ગરિમા અને મર્યાદા હોય છે. દિવંગત પરિજનોને ભાષણમાં ઘસેડવામાં તેમના સંસ્કાર દેખાય છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ કહ્યું હતું કે, મોદી પ્રત્યે કોંગ્રેસની નફરત જગજાહેર છે. સર્વોચ્ચ પદ ઉપર બેઠેલી વ્યક્તિ માટે આવી ભાષાનો ઉપયોગ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd