• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

બેફામ એઆઈએ ઓસિ.નું સરકારી નેટવર્ક હેક કર્યું

નવી દિલ્હી, તા. 25 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી સરકારી નેટવર્કને હેક કરવામાં આવ્યાની પહેલી ઘટના ઓસ્ટ્રેલિયામાં પ્રકાશમાં આવી છે. ઓપન એઆઈનાં એક એજન્ટે ઓસ્ટ્રેલિયાનાં સરકારી સ્વાસ્થ્ય ડેટાબેઝને હેક કરી લીધો હતો. એઆઈને વિકસાવવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવનારા લોકો દ્વારા છેલ્લા કેટલાક સમયમાં આ ભયંકર શક્તિશાળી સિસ્ટમનાં ભયસ્થાનો ઈંગિત કરવામાં આવેલા છે ત્યારે ઓસ્ટ્રેલિયાની ઘટનાએ આખી દુનિયાનાં સામે નવા ઉભા થઈ રહેલા પડકારોની ચિંતા પેદા કરી દીધી છે. ન્યૂયોર્કમાં સંયુક્તરાષ્ટ્ર મહાસભાનાં સત્ર દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એંથની અલ્બાનીઝે જણાવ્યું હતું કે, એઆઈ એજન્ટે દેશનાં મેડિકેર સ્ટેટિસ્ટિક્સ ડેટાબેઝની જાહેર અને બિનજાહેર, બન્ને પ્રકારની ફાઈલો એક્સેસ કરી લીધી હતી અને તેમાં નવી ફાઈલો જોડી પણ દીધી હતી. એઆઈ એજન્ટ બેકાબૂ બનવા અને માણસની મંસાથી અલગ રીતે સક્રિય બની શકે તેનું આ નવું અને તાજું ઉદાહરણ સામે આવ્યું છે. આ પહેલા  ઓપન એઆઈનાં સીઈઓ સેમ ઓલ્ટમેન સહિતનાં એઆઈ ઉદ્યોગનાં દિગ્ગજોએ એઆઈ વિકાસની ગતિ ધીમી પાડવા માટે માગ ઉઠાવી હતી. તેમનું કહેવું હતું કે, જો એઆઈ માણસનાં નિયંત્રણમાંથી બહાર નીકળી જાય તો મોટી આફત નોતરી શકે છે. - ન્યૂ મેક્સિકોની લાયબ્રેરી પણ એઆઈના નિશાને : અન્ય એક ઘટનાક્રમમાં એઆઈ રિસર્ચ લેબ ટ્રાન્સલૂસે પણ કહ્યું હતું કે, એઆઈ એજન્ટ અનેકવાર મનમાની કરતાં દેખાવા લાગ્યા છે. આવી ઘટનાઓ માર્ચ માસથી સામે આવવા લાગી છે. એટલે કે હેકિંગની સામે આવેલી ઘટનાઓ પહેલાથી એઆઈ મનસ્વી ઢબે કામ કરવા લાગ્યા હતાં. આ ઘટનાઓમાં એઆઈ એજન્ટનાં નિશાને યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકોની લાયબ્રેરી અને ઓસ્ટ્રેલિયન ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેરની વેબસાઈટ હતી. અલ્બાનીઝનાં જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયાનાં હેલ્થ ડેટાબેઝને હેક કરવાની ઘટના જૂન માસમાં ત્યારે બની હતી જ્યારે સ્વાસ્થ્ય સેવાઓ પાછળ થતાં ખર્ચ ઉપર સંશોધન કરી રહેલા ઓપન એઆઈનાં એક એજન્ટે માહિતીનાં એવા હિસ્સા સુધી પહોંચવા માટે સુરક્ષા ઘેરો તોડી નાખ્યો જ્યાં ચંચુપાત કરવાનો તેને નિર્દેશ કે છૂટ નહોતી. જો કે સરકારને આની જાણકારી છેક સપ્ટેમ્બર માસમાં કરવામાં આવી હોવાથી અલ્બાનીઝે તેની સામે પણ પોતાની નારાજગી દેખાડી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd