નવી દિલ્હી, તા. 25 : જાપાનમાં
રમાઈ રહેલી એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
આજે દેશના ખાતામાં વધુ 6 મેડલ ઉમેર્યા
છે. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડમાં
સુરુચિ ઈન્દરસિંહ અને કમલજીતની જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આજે સૌથી મોટી અને ઐતિહાસિક
ક્ષણ પોલ વોલ્ટ ઇવેન્ટમાં જોવા મળી હતી. ભારતે આ સ્પર્ધાના ઇતિહાસમાં પ્રથમ વખત પદક
પોતાના નામે કરીને નવો કીર્તિમાન રચ્યો છે. આ સાથે ભારતના ખાતામાં કુલ બે ગોલ્ડ સહિત
23 મેડલ થયા છે અને 157 મેડલ સાથે ચીન ટોચના સ્થાને
છે. મહિલાઓની પોલ વોલ્ટ સ્પર્ધામાં બરાનિકા એલાંગોવને 4.15 મીટરની ઊંચાઈ પાર કરી બ્રોન્ઝ
મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ રમતમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે. બીજી
તરફ, ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગુલવીર સિંહે પુરુષોની
10,000 મીટર દોડમાં 28 મિનિટ 29.38 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ
પોતાના નામે કર્યો હતો. ભારતને આ ગેમ્સનો શાટિંગ ક્ષેત્રે પ્રથમ અને એકંદર બીજો ગોલ્ડ
મેડલ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ
સ્પર્ધામાં મળ્યો હતો. સુરુચિ ઇન્દર સિંહ અને કમલજીતની જોડીએ સટીક નિશાનો સાધીને પોડિયમમાં
ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશને સ્પર્ધાનો પ્રથમ
સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. આ ઉપરાંત રાઈફલ
શાટિંગમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને નીરજ કુમારની ત્રિપુટીએ 50 મીટર રાઈફલ 3 પોઝિશન ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેળવ્યો હતો.
આ સાથે જ વર્તમાન ગેમ્સમાં ભારતીય શૂટર્સે કુલ 10 પદક (1 ગોલ્ડ, 5 સિલ્વર અને
4 બ્રોન્ઝ) કબજે કરી પોતાનું વર્ચસ્વ સાબિત
કર્યું છે. મહિલા શોટપુટ સ્પર્ધામાં અનુભવી મનપ્રીત કૌરે ભારત માટે બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત
કર્યો હતો. જ્યારે ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં માનુષ શાહ અને દિયા ચિતલેની જોડીએ સેમિફાઇનલ
સુધીની રોમાંચક સફર ખેડીને બ્રોન્ઝ પોતાના નામે કર્યો હતો. સ્ક્વોશમાં મેડલ સુનિશ્ચિત
સ્ક્વોશની રમતમાં પણ ભારતે પોતાનો મેડલ પાક્કો કરી લીધો છે. અનુભવી ખેલાડી જોશના ચિનપ્પા
અને વેલાવન સેન્થિલકુમારની જોડીએ સારું પ્રદર્શન કરતા મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં
પ્રવેશ કર્યો છે. જેથી સ્ક્વોશનો ઓછામાં ઓછો એક બ્રોન્ઝ મેડલ સત્તાવાર રીતે સુનિશ્ચિત
થઈ ગયો છે. બીજી તરફ સિંગલ્સ કેટેગરીમાં પણ ભારતીય ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે. મહિલા
સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં યુવા ખેલાડી અનાહત સિંહે ભારતની જ તન્વી ખન્નાને 3-0 થી પરાજય આપીને અંતિમ-4 (સેમિફાઇનલ) માં પોતાની જગ્યા
બનાવી લીધી છે. જ્યારે પુરુષ સિંગલ્સમાં અભય સિંહે પણ પોતાનો વિજયરથ આગળ વધારતા સેમિફાઇનલમાં
પ્રવેશ મેળવી લીધો છે. - 400 મીટરની દોડમાં ત્રણ ભારતીયો ફાઇનલમાં : ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતીય એથ્લેટ્સનું સારું પ્રદર્શન યથાવત્
છે. મહિલાઓની 400 મીટર પ્રિન્ટમાં ભારતની સ્ટાર
એથ્લેટ કિરણ પહલ અને પ્રાચી ચૌધરીએ ફાઇનલમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે. પુરુષોની
400 મીટર ઇવેન્ટમાં યુવા દોડવીર
વિશાલ ટી.કે. એ 45.27 સેકન્ડના
ઉત્કૃષ્ટ સમય સાથે પોતાની હિટમાં પ્રથમ ક્રમે રહીને ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે.
આ ત્રણેય એથ્લેટ્સના હાઇ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલા શનિવારે યોજાશે. જ્યાં સમગ્ર દેશની
નજર આ ખેલાડીઓના પ્રદર્શન અને મેડલ પર રહેશે.