ભારતીય લોકશાહી વ્યવસ્થાના ચાવીરૂપ સ્તંભો પૈકી મહત્ત્વના ચૂંટણીપંચની
કામગીરી હંમેશાં તલવારની ધાર પર ચાલવા જેવી રહી છે. સ્વાભાવિક રીતે વિપક્ષની નજર સતત
આ બંધારણીય રીતે સ્વાયત્ત સંસ્થા પર મંડાયેલી રહે છે. આવામાં આ પંચની અંદર મતભેદો હોવાની
ચોકાવનારા હેવાલોએ તેની કામગીરીમાં વિશ્વસનીયતા અને પારદર્શક્તાના મામલે ચિંતાજનક સવાલ
ખડા થયા છે. આમતો ચૂંટણીપંચની માથે મતદારયાદીને સતત અપડેટ રાખીને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની
જવાબદારી હોય છે, પણ બુધવારે
પંચની અંદર મતભેદ હોવાના અહેવાલ સામે આવતાં ભારે ચકચાર જાગી છે. વિપક્ષે પંચની કામગીરી સામે સવાલ ખડા કરીને તેને
લોકશાહી માટે જોખમ સમાન ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ ગત લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની
વિધાનસભા ચૂંટણીમાં ગરબડ થયાનો આરોપ લગાવીને મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર આરોપ લગાવ્યા
છે. આગામી મહિનાઓમાં આવી રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને વિપક્ષને મોટું હથિયાર મળી ગયું
છે. વિપક્ષે સીઈસી જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી છે.
બીજી તરફ સત્તાધારી ભાજપે આ મામલામાં ખુલાસો કરતાં કહ્યું, પંચમાં
વિચાર-વિમર્શ દરમ્યાન ચૂંટણી કમિશનરો અલગ-અલગ વિચાર વ્યક્ત કરે એ લોકશાહી વ્યવસ્થાનો
હિસ્સો છે, પણ ચિંતાની
બાબત એ છે કે, મતદારયાદી અને ચૂંટણી પ્રક્રિયાના સંબંધો સુધી
જો મતભેદો પહોંચે તો તે પંચની સામે ગંભીર સવાલ ખડા કરી શકે છે. સામે આવેલા અહેવાલો
મુજબ બે ચૂંટણી કમિશનરો વિવેક જોશી અને સુખબીરાસિંહે છેલ્લા લગભગ 10 મહિના દરમ્યાન પંચના નિર્ણયો
અંગે 14 વખત લેખિત વાંધો વ્યક્ત કર્યો
હતો. આમાં ખાસ તો મતદારયાદીમાં નામ ઉમેરવા
કે દૂર કરવા તથા પ્રક્રિયામાં ફેરફારને લઈને ગંભીર સવાલ ઉઠાવાયા હતા. આજકાલ મતદારયાદીમાં ખાસ સમીક્ષા એટલે કે એસઆઈઆરના
મામલે ભારે વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે ચૂંટણીપંચના વિવાદના અહેવાલોએ બળતામાં ઘી
હોમવા જેવું કામ કર્યું છે. આમ તો ચૂંટણીપંચ માટે આવા વિવાદની વાત નવી નથી. 2019માં તત્કાલીન કમિશનર અશોક લવાસાએ
મુખ્ય કમિશનર સુનીલ અરોડાથી અલગ વિચાર વ્યકત કરીને આદર્શ આચારસંહિતના ઉલ્લંઘનને લગતા
આદેશોમાં અસંમતિ નોંધવાની કે તે અલ્પમતે નોંધાયા હોવાની માંગ કરીને ચકચાર જગાવી હતી. 2009માં મુખ્ય ચૂંટણી કમિશનર એન ગોપાલાસ્વામીએ તેમની સાથે કમિશનર
નવીન ચાવલાને પદ પરથી દૂર કરવાની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી. આવા ચિંતાજનક વિવાદો
વચ્ચે ચૂંટણીપંચની કામગીરીમાં અલગ અલગ મત સામે આવે ત્યારે આ અસંમતિનાં કારણો અને નિર્ણય
લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાની ખાસ જરૂરત ઊભી થાય છે. આ એટલા માટે અનિવાર્ય બની રહે છે કે, મતદારોના વિશ્વાસને જાળવી રાખવો. પંચની જવાબદારી
બની રહે છે કે, મતદારયાદીને અપટુડેટ રાખવાની સાથોસાથ દરેક યોગ્ય
નાગરિકના મતાધિકારનું રક્ષણ કરવામાં આવે. આમ
તો વાત વધી પડતાં ચૂંટણીપંચે પણ એક સત્તાવાર યાદીમાં તમામ નિર્ણય સર્વસંમતિથી લેવાયા
હોવાનો દાવો કર્યો છે, પણ હવે મેદાનમાં આવી ગયેલા વિપક્ષી નેતાઓએ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની અને ચાર રાજ્યોની વિધાનસભા માટે નવેસરથી
ચંટણી યોજવાની માંગ શરૂ કરી છે. સ્પષ્ટ છે કે, આ મામલામાં હવે
સર્વોચ્ચ અદાલત આગામી દિવસોમાં કોઈ સ્પષ્ટ વલણ લેશે કે કેમ તેના પર દેશભરની મીટ મંડાયેલી
રહેશે.