• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

સતાપર નજીક આધેડ ઉપર ધોકાથી હુમલા અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 25 : અંજારના સતાપર નજીક દીવાલ પડવા મુદ્દે આધેડ પર ધોકા વડે હુમલો કરાતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવમાં બે શખ્સ સામે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ વરસામેડી શાંતિધામમાં સોશિયલ મીડિયામાં ફોટા રાખવા મુદ્દે કહેવા જતાં યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો. સતાપર રોડ ગોકુલધામ સોસાયટીમાં રહેતા ફરિયાદી વિનોદ મીઠા દાતણિયા (દેવીપૂજક)ને પંકજ આહીરે ફોન કરી રતન રેસિડેન્સી પાસે બોલાવ્યા હતા. ફરિયાદી ત્યાં જતાં પંકજ અને નંદલાલ આહીર ઉશ્કેરાઈ ગયા હતા. દુકાન કોને બનાવવા આપી, કોને પૂછીને સોસાયટીની દીવાલ તોડી તેમ કહી ફરિયાદી અને તેમના દીકરા, ભાણેજને માર માર્યો હતો. બાદમાં ફરિયાદી આધેડ શંભુભાઈની દુકાને હતા ત્યારે પંકજ આહીરે ત્યાં આવી ધોકા વડે તેમના ઉપર હુમલો કર્યો હતો. ઘવાયેલા આધેડને સારવાર અર્થે ખસેડાતાં તેમને હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક બનાવ વરસામેડી શાંતિધામમાં બન્યો હતો. ફરિયાદી માધુરિમા કણજારિયા (સથવારા)ના પતિ અર્જુન બંગાળી કામેથી ઘરે આવી મોબાઈલ જોતાં તેના મોટાભાઈ સંજયે ફરિયાદીની દીકરીનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં રાખ્યો હતો, જે અંગે સંજયને કહેવા જતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને અર્જુનને છરી ભોંકી દેતાં તેના ફેફસાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd