મુન્દ્રા,તા. 25 : મુન્દ્રામાં પોર્ટ બહારના વિસ્તારમાં
એમપ્ટી યાર્ડને કામ કરવા માટે જરૂરી કોડ બંધ કરાયાના અને તેને લીધે સ્થાનિકોને મોટી
સંખ્યામાં રોજીરોટી છીનવવા સાથે ખેડૂતોને, જમીન માલિકોને આર્થિક ફટકા સહિતના મુદ્દે લગભગ 26 દિવસથી રેલી, ધરણા અને છેલ્લે ઉપવાસ આંદોલનથી વ્યાપક અને
ઉગ્ર બનતા જતા આંદોલનનો શુક્રવારે બપોરે સુખદ સમાધાન સાથે અંત આવ્યો છે. જેમાં એપીએસઈઝેડ પ્રશાસને લોકહીતમાં તમામ અગાઉના
કોડ તો ચાલુ કરવા સંમતિ આપી દીધી છે,
સાથે હવે કોઈ નવા ધંધાર્થી અરજી કરશે તો એમને પણ એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ
ઓપરાટિંગ પ્રોસિજર) નિયત માર્ગદર્શિકાના પાલનના આધારે કોડ આપવા સંમતિ આપી દીધી હોવાનું
સમાધાન બાદ જણાવાયું છે. મુન્દ્રાના તાજેતરના ઇતિહાસમાં આ સૌથી મોટી લડત ગણાવાઈ રહી
છે, જેમાં કોઈ પક્ષીય ભેદ વિના તમામ રાજકીય પક્ષો, વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનો, ગામોના આગેવાનો વિગેરે જોડાયા
હતા અને આ સ્થાનિકોની જીત તરીકે ઉપસી આવી હતી. આ લડતમાં આરંભથી મુખ્ય ભૂમિકા ભજવનાર
મુન્દ્રા એમ્પ્ટી યાર્ડ એસો.ના એડવાઈઝર કમિટીના સભ્ય અને છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ
પર બેઠેલા કિશોરાસિંહ પરમારે લડતનો સુખદ અંત આવ્યાની વાતને સમર્થન આપતાં ઉમેર્યું કે,
અમારી સચ્ચાઈની લડત હતી, જે જીત્યા છીએ. અત્યારે
22 કોડ ચાલુ હતા એ અને બાકી સબ
કોડ મળીને તમામ ચાલીસથી વધુ એમ્પટી યાર્ડનું તમામના સ્વતંત્ર કોડ સાથે કામ ચાલુ થઈ
જશે. આ ઉપરાંત પાંચ એકરથી વધુની જમીન ધરાવતા હોય અને જરૂરી સાધનો જેવા અગાઉના અપાયેલા
નિયમોના પાલનની શરતે હવે નવા કોડ પણ આપવા સંમતિ સધાઈ છે. આ કોઈ વ્યક્તિની નહીં, સ્થાનિકોની રોજગારી માટેની તમામ લોકોની સંગઠિત લડતની જીત છે. તેમણે કહ્યું
કે, પોર્ટ સાથે વાતચીત ત્રણ તબક્કામાં થઈ હતી અને આજે બપોરે ધારાસભ્ય
અનિરૂદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં લડત કમિટીના સભ્યોએ વાતચીત કરી અને સુખદ અંત આવ્યો
હતો. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા,
મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલ, એમ્પ્ટી
યાર્ડ એસો. ના પ્રમુખ હરશ્યામાસિંહ પરમાર, એસો. એડવાઈઝર ભાવેન
ઠક્કર, ભારૂ ડોસા ગઢવી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરમ ગઢવી,
ખેડૂત અગ્રણી આલા રાજદે બાતીયા, વાલજીભાઈ લાખાણી,
વાલજીભાઈ ટાપરિયા, જિ. પં. પૂર્વ કા. ચેરમેન મહેન્દ્ર
ગઢવી, અબ્દુલ સતાર મીઠાણી
વગેરે જોડાયા હતા. આ સાથે સર્વ સેવા સંઘ અધ્યક્ષ જીગરભાઈ છેડા પણ વાતચીતના સામેલ હતા.
એમ્પ્ટી એસો. પ્રમુખ હરશ્યામાસિંહ પરમારે કહ્યું કે, 21 દિવસની લડત બાદ રંગોલી ગેટ સામેની છાવણીમાં પહેલા દિવસે નવ સભ્યોએ
ઉપવાસ આદર્યા હતા. જેમાં સભ્યો વધતાં શુક્રવારે 14 સભ્ય ઉપવાસમાં બેઠા હતા. સમાધાન બાદ ઉપવાસીઓએ તેમજ તમામ લડત
આગેવાનો ઝરપરા ગામે સોનલ માતાના દર્શન કરીને ત્યાં દીકરીઓના હાથે પારણા કર્યા હતા.
આ લડતમાં સાથ આપનારા મુન્દ્રા લોકલ ટ્રાન્સપોર્ટ વ્યવસાયિક એસો., પ્રમુખ ગજુભા જાડેજા, શાપિંગ એજન્ટ એસો., ઝરપરા અને તમામ સાથ આપનારા 10 ગામના સરપંચો, આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, વિવિધ
રાજકીય આગેવાનો અને શાપિંગ લાઇનોનો, તમામ સમર્થકોનો તેમણે આભાર વ્યક્ત કરી સૌની જીત ગણાવી હતી.