• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

કોઠારામાં ચાલતા વ્યાજના વિષચક્રનો પર્દાફાશ

ભુજ, તા. 25 : લોકોને ધાક ધમકીથી વ્યાજના વિષચક્રમાં ફસાવી રોકડ રકમ, કિંમતી દાગીના અને ખેતીલાયક જમીનના દસ્તાવેજો કરાવી પડાવી લેનારા અબડાસા તાલુકાના કોઠારાના બે આરોપીઓને ઝડપી તેમની વિરુદ્ધ કોઠારા પોલીસે ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી કરતી હતી, જેમાં રૂા. 1,24,53,400ની રોકડ તથા રૂા. 1,01,20,720ના સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 2,25,79,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની સઘન કાર્યવાહી અંગે પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કોઠારાના યુવકે ગત મંગળવારે પોલીસ મથકે આપવીતી જણાવી હતી. આ મામલે આરોપીઓ આમદ હાજી મામદ મંધરા અને આાઁમાણ હાજી મામદ મંધરા (બંને રહે. કોઠારા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિ. 2023ની કલમ 296(બી), 351(3), 308(5), 54 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011ની કલમ 40, 42, 43 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. શ્રી સુંડાએ જણાવ્યું હતું કે, આ કેસમાં હજુ અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે જાણવા સહિતની સઘન તપાસ હાથ ધરાશે તથા જપ્ત કરાયેલા ચેકબુક સહિતના મુદ્દામાલ અંગે જે-તે બેન્કને પણ સતર્ક કરાશે. ફરિયાદીએ જણાવેલી વિગતો મુજબ, આરોપીઓએ યુવકને દસ ટકા વ્યાજ પર નાણાં આપ્યા બાદ વ્યાજના નામે સહીવાળા કોરા ચેક, સી ફૂડના સ્ટેમ્પ, સહીવાળી ચેકબૂકો તથા કાર સાટાકરારથી લખાવી લીધી હતી. આટલેથી ન અટકતાં વધુ મુદ્દત આપવા ફરિયાદીની કિંમતી જમીનનો સાટાકરાર કરાવવા સાથે આરોપીઓએ ધાકધમકી કરી જમીનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા હોવાની વિગતો  આપી હતી. આ રીતે આરોપીઓએ છળ કપટ અને વ્યાજની રકમમાંથી મેળવેલા રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીનાઓ તથા વ્યાજ પેટે મેળવેલા અસલ દસ્તાવેજો તથા કોરા સહીવાળી ચેકબૂકો પોતાના ભત્રીજાઓ દ્વારા ઓસમાણ ઉર્ફે ગની મંધરા (રહે. રાયધણપર, તા. અબડાસા)વાળાના ઘરે સંતાડી આવેલ હોવાની બાતમી પોલીસ ઇન્સ્પેટર પી. કે. રાડાને મળી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ નલિયા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક મનીષા દેસાઈની રાહબરી હેઠળ કોઠારા પીઆઈએ ત્વરિત કાર્યવાહી કરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં રોકડા રૂા. 1,24,53,400, સોના-ચાંદીનાં ઘરેણાં તથા સિક્કાઓ, જેમાં સોનું-831.810 ગ્રામ તથા ચાંદી-2.212 કિ. ગ્રા. જેની કુલ કિં રૂા. 1,01,20,720, અલગ-અલગ પેઢીઓના 11 સ્ટેમ્પ, હથિયાર લાયસન્સની 1 કલર કોપી, 28 અલગ-અલગ મોટી સાઈઝની હિસાબી ડાયરીઓ તથા વિવિધ નાની પોકેટ હિસાબી ડાયરીઓ, જુદી-જુદી વ્યક્તિઓની મિલકતની 9 અસલ ખાતાવહીઓ, વિવિધ વ્યક્તિઓના 9 અસલ આઈ.ડી. કાર્ડ તથા રેશન કાર્ડ, જુદી-જુદી બેન્કના 17 કાર્ડ, અલગ-અલગ વ્યક્તિઓના 35 દસ્તાવેજ, 5ાંચ વિવિધ સમાચારપત્ર, અલગ-અલગ બેન્કની 74 ચેકબૂક, જુદી-જુદી બેન્કના સહીઓ કરેલા 77 ચેક, વિવિધ બેન્કની 72 પાસબૂક, જુદા-જુદા વાહનોની 18 આર.સી. બૂક અને એક ડાર્ક ગ્રીન કલરનો વીવો કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂા. 2,25,79,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની ઓળખ, માલિકી તથા ગુના સાથેના સંબંધ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો શ્રી સુંડાએ આપી હતી. આ કાર્યવાહીમાં કોઠારા પીઆઈ શ્રી રાડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. દામજીભાઈ મારવાડા, કોન્સ. મહેન્દ્રભાઈ રાતડિયા, પગી સોમાજી ગગાજી રાઠોડ, એ.એસ.આઇ. અનિરૂદ્ધસિંહ જાડેજા, એલ.સી.બી.ના હેડ કોન્સ. પ્રવિન્દ્રસિંગ ચૌધરી, એ.એસ.આઇ. શ્યામદાન ગઢવી, ભુજ બી-ડિવી. પોલીસ મથકના હેડ કોન્સ. મુકેશાસિંહ પરમાર અને કોન્સ. નાનુભાઇ કરમટા સહિતનો સ્ટાફ જોડાયો હતો.- ગુના આચરવાની શું હતી મોડસ ઓપરેન્ડી : આરોપીઓ પાસે નાણા ધીરધારનું કોઈ માન્ય લાયસન્સ ન હોવા છતાં લોકોને ખૂબ ઊંચા દરે વ્યાજે નાણાં આપતા હતા. બાદમાં વ્યાજ તથા નાણાં પરત ન ચૂકવતા લોકો પાસેથી તેઓની કીમંતી મિલકતો તથા સોના-ચાદીની કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેતા હતા. - મિલકતો પડાવવા છતાં ધાકધમકી-વ્યાજની માગણી : આરોપીઓએ ફરિયાદી પાસેથી મિલકતો પડાવવા છતાં ધાકધમકી કરી કોઠારા ગામની સર્વે નં.209 પૈકી 2 વાળી જમીનનો પ્રથમ સાટા કરાર કરાવી ત્યાર બાદ દસ્તાવેજ આરોપી પોતાના તથા તેના મિત્ર તથા કુંટુંબીઓના નામે કરાવી લીધી હતી અને જમીનના કોઇ નાણાં ન આપી અને સમયાંતરે રોકડા રૂા. 35,00,000 તથા ગૂગલ પે થી રૂા. 1,48,500 એમ કુલ રૂા. 36,48,500 જે 10 ટકાના વ્યાજે ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ વધુ વ્યાજની માગણી કરતા હતા. - જાહેર જનતાને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની અપીલ : કચ્છ પશ્વિમ પોલીસ દ્વારા લોકોને આપીલ કરાઈ હતી કે, નાણાંની જરૂરિયાતના સમયે બિનલાયસન્સ નાણાં ધીરનાર વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાનું ટાળો અને નાણાંકીય વ્યવહાર કરતી વખતે તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરો.

 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd